મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: પ્રખ્યાત ટીવી સિરિયલ  'તારક મહેતા કો ઉલ્ટા ચશ્મા' માં  બબીતનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તા સામે અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સહદેવ સોસાયટીમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરતા અને વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ-ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કરી અને દેશ તેમજ ગુજરાતના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી. સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયાં જાહેર કર્યો છે. મધુભાઈ પરમારે આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધવામાં આવ્યો છે. ખોખરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિવાદ બાદ બબીતા ઉર્ફે મુનમુન દત્તાએ એક વીડિયો જાહેર કરી પોતાનો ઇરાદો કોઇની લાગણી દુભાવવાનો ન હતો અને આ અંગે તેણે માફી માગી હતી. જો કે વાલ્મીકી સમાજ દ્વારા તેના કાયદેસરની કાર્યવાહીની માગણી કરી છે.