મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. સારા વરસાદ પછી કમોસમી વરસાદે અને વાવાઝોડાએ ખેડૂતોના મહામુલા પાકનો સોથ વાળી દેતા ખેડૂતો દેવાના ડુંગર તળે દટાયા છે .ખેડૂતોએ ચોમાસાની સીઝન નિષ્ફળ જતા રવિ પાકના વાવણી કાર્યમાં જોતરાયા છે. હવે બિયારણના ભાવ આસમાને પહોંચતા ખેડૂતો લાચાર બન્યા છે.

ખેડૂતોને વાજબી ભાવે અને ઉચ્ચ ગુણવત્તા સભર બિયારણ મળી રહે તે માટે રાજ્ય બીજ નિગમમાંથી જીલ્લા અને તાલુકાના સહકારી સંઘમાં બિયારણ પહોંચાડવામાં આવે છે . રવિ સિઝનનમાં ખેડૂતો સૌથી વધુ ઘઉંના પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે બીજ નિગમની બેદરકારીને લીધે સહકારી સંઘમાં ઘઉંનું બિયારણ હજુ સુધી ન પહોંચતા ખેડૂતોએ બજારમાંથી ખરીદવા પડતા ઘઉંના ૧ મણ બિયારણ પાછળ ૧૦૦ થી વધુ રૂપિયા ખર્ચવા પડતા ખેડૂતો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.

મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘે ખેડૂતોને સબસીડી વાળું બિયારણ મળી રહે તે માટે ૨૫૦૦ કટ્ટા (5 હજાર મણ) રાજ્ય બીજ નિગમમાં નોંધાવવા છતાં અને વારંવાર ઘઉંના બિયારણની માંગણી કરવામાં આવતી હોવા છતાં ઘઉંનું બિયારણ મોકલવામાં આવતું ન હોવાથી ખેડૂતોને ઘઉંના બિયારણ માટે ધરમધક્કા ખાવા પડી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, રાજ્ય બીજ નિગમની બેદરકારી કે પછી ખાનગી બિયારણ વેંચતા વેપારીઓ સાથેની મિલીભગતના પગલે રવિ વાવેતરની વાવણીના સમયે ઘઉંના બિયારણનો જથ્થો ઉપલબદ્ધ કરાવવામાં નિષ્ફળ રહેતા ખેડૂતોને બિયારણ વેંચતા વેપારીઓ લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગાઢનિંદ્રામાં પોઢેલ રાજ્ય બીજ નિગમ આળસ ખંખેરી ત્વરિત ઘઉંના બિયારણનો જથ્થો ઝડપથી પહોંચાડવામાં આવેની માગ પ્રબળ બની ખેડૂતોને લૂંટાતા બચાવવા ઉગ્ર માંગ કરી હતી.