મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત થવો એ જવલ્લે જ બનતી ઘટના છે. હિન્દી પિક્ચર્સમાં આવું દ્રશ્ય ફિલ્માવેલું જોવા મળતું હોય છે. જોકે ગોંડલ નજીક સાંઢીયાપુલ પાસે કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થતાં આ જ હિન્દી ફિલ્મના દ્રશ્ય જેવું લોકો અનુભવ્યા હતા. લોકોને એક તબક્કે આ સત્ય ન હોઈ શકે તેવી પણ ભીતી થઈ હતી. જોકે આ ઘટના હકીકતમાં બની હતી જેમાં એક પરિવાર માટે દુઃખના સમાચાર પણ આવ્યા છે કારણ તે પરિવારનું એક સદસ્ય આ અકસ્માતમાં મોતને ભેટ્યું છે. એક ભૂલને કારણે બનેલી આ ઘટનાએ પરિવારના ઘણા સપનાઓ રગદી નાખ્યા છે.

ફાટક ખુલ્લું રહી જતા ટ્રેન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ફાટકમેનની ભૂલને કારણે ટ્રેન આવી જવા છત્તા ફાટક બંધ ન થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે કુતુહલ વશ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ થતા દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઉશ્કેરાયેલા લોકોએ ફાટકમેનને પકડી લીધો હતો. તેણે લોકોને કહ્યું કે મારી ભૂલ છે. જોકે હવે પોલીસ તપાસમાં શું બહાર આવશે તે જાણવું રહ્યું.

ગોંડલના સાંઢિયા પુલ પાસેથી પસાર થતી સોમનાથ-જબલપુર ટ્રેન અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારચાલકનું મોત નીપજ્યું હતું. ઘટનાને નજરે જોનારા અને ત્યાં હાજર રહેલા લોકોના જણાવ્યા અનુસાર ફાટકમેનની બેદરકારીના કારણે આ અકસ્માત બન્યો છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ દોડી આવી તાપસ હાથ ધરી હતી તથા કાર ચાલક વ્યક્તિનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

લોકોએ ફાટકમેનને પકડી રાખતા ફાટકમેને જણાવ્યું હતું કે, ટ્રેન આવી ત્યારે હું ફાટક બંધ કરવા આવ્યો ત્યાં સુધીમાં ગાડી ફાટક આંબી ગઈ હતી. હું મારી ભૂલ સ્વીકારૂ છું. મારાથી ટેલિફોનની રિંગ ન સંભળાણી એટલે મારાથી ફાટક બંધ ન થયો. એક્સિડન્ટ થયો એટલે એ ભાઈનો જીવ ગયો છે. વહેલુ ફાટક બંધ કરી દઉં છું તો લોકો ગાળો આપી જાય છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઉત્તર પ્રદેશમાં માનવ રહિત ક્રોસિંગ પર ટ્રેન અને બસ સાથે અકસ્માત બન્યો હતો જેમાં પણ 13 બાળકોના મોત નિપજ્યા હતા. કુશીનગરની એ ઘટનામાં જોકે ડ્રાઈવરની બેદરકારી સામે આવી હતી. તેણે કાનમાં ઈયરફોન લગાવેલા હતા જેમાં તેને ટ્રેનનો અવાજ સંભળાયો નહીં અને બસ ટ્રેનની ઝપેટે આવી ગઈ હતી. 13 બાળકો સહિત 14 વ્યક્તિએ તે અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો અને તેમના પરિવારો શોકમાં સરી પડ્યા હતા.