મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ગુરૂવારની મોડીરાત્રે રાત્રી કરફ્યુ વચ્ચે જ માધાપર ઓવરબ્રીજ પાસે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પતિ-પત્નીનું મોત નિપજ્યું છે. જ્યારે માસુમ પૌત્રીને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા કાર ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીગ્રામ પોલીસનાં જણાવ્યા પ્રમાણે ગુરૂવારની રાત્રે માધાપર ચોકડી ઓવરબ્રીજ પાસે સુંદરમ સિટી નજીક કાર અને એક્ટિવા બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં દિલીપભાઈ પોપટભાઈ વાળા અને તેમના પત્ની હંસાબેનનું મોત નિપજ્યું છે. જ્યારે તેની સાથે રહેલી પૌત્રીને માથાના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. તેમજ પોલીસ અને 108ને જાણ કરવામાં આવતા તે બંનેનો કાફલો દોડી ગયો હતો. હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો દાખલ કરી મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં એક સપ્તાહમાં પાંચ જેટલા અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં ચાર ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.