મેરાન્યૂઝ નેટવર્ક.માલપુર: માલપુર તાલુકાના રાસાપૂર ગામ નજીક શુક્રવારે મોડી રાત્રે ટ્રેકટર-ટ્રોલી પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર બે યુવકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજાવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે રવિવારે સવારે માલપુર-લુણાવાડા રોડ પર ચોરીવાડ ચોકડી નજીક લુણાવાડા તરફથી આવતી કારનું ટાયર ફાટતા ડિવાઈડર કુદાવી માલપુર થી લુણાવાડા તરફ જતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં કારના બે ટુકડા થઇ જતા બે લોકોના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અકસ્માતની ઘટનાના પગલે માલપુર પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા માલપુર પોલીસે બંને કમનસીબ મૃતકોની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, શામળાજી-ગોધરા હાઈવે પર ખાડા પડતા અનેક લોકો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે સાબરકાંઠા જીલ્લાના જાદર ગામના જગદીશ અમીચંદ ભાઈ પટેલ તેમના ભાગીયા રામભાઈ સાથે લુણાવાડા તરફથી કાર લઈ મોડાસા તરફ આવી રહ્યા હતા ત્યારે માલપુર નજીક ચોરીવાડ ચોકડી નજીક કારનું ટાયર ફાટતા કાર ચાલક જગદીશ પટેલે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ જઈ અન્ય કાર સાથે ધડાકાભેર અથડાતા કારના બે ટુકડા થઇ જતા કાર ચાલક જગદીશ પટેલ અને તેમના ભાગીયાનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અન્ય કાર રોડ પરથી નીચે ઉતરી ખાડામાં ખાબકી હતી જેમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો સતત વાહનોથી ધમધમતા રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા ટ્રાફિકજામ સર્જાયો હતો અકસ્માતની ઘટનાની જાણ માલપુર પોલીસને થતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બંને મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સાબરકાંઠા જીલ્લાના જાદર ગામના યુવાન જગદીશ પટેલનું અકસ્માતમાં મોત નિપજતા તેમના પરિવારજનો અને સગા-સબંધી અને મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા મૃતકના પરિવારજનો એ આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.