મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ આજથી માતાજીના નોરતાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ નોરતે જ સૌરાષ્ટ્રમાંથી માઠા સમાચાર આવ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ-જૂનાગઢ હાઇવે પર એક મારૂતિ કારનો ગમખ્વાર અકસ્માત થતા ઘટનાસ્થળે જ બે વ્યક્તિનાં મોત નીપજ્યા છે. નવલા નોરતાની સવારે બે વ્યક્તિઓ કાળનો કોળિયો બની ગયા છે. ગોંડલના ગુંદાળા ગામ નજીક અજાણ્યા વાહનની ઠોકરે કારનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં કાર સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. કારની સ્થિતિ જોતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકો ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના બ્રાહ્મણ હોવાની વિગતો સામે આવી રહી છે. નવરાત્રિના નવા દિવસોમાં પ્રથમ નોરતે જ અકસ્માતમાં બે વ્યક્તિના જીવ જતા સમગ્ર ગોંડલ પંથકમાં વાયુવેગે સમાચાર પ્રસરી રહ્યા છે. ત્યારે પોલીસે અકસ્માતની તપાસ શરૂ કરી છે.

અકસ્માતમાં જીજે 3 આરટીઓ રજિસ્ટ્રેશન ધરાવતી કારનું જાણે પડીકું વળી ગયું હોય તેવી હાલત થઈ હતી. કારમાંથી મળી આવેલી ગલગોટાની માળા પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે તેઓ નવરાત્રી શરૂ થતી હોઈ પ્રથમ નોરતે મંદિરે જઈ રહ્યા હોય અથવા પરત દર્શન કરીને જઈ રહ્યા હોઈ શકે છે. મળતી માહિતી અનુસાર કારમાં પિતા અને પુત્ર સવાર હતા. તેમની કારને અજાણ્યા વાહને ઠોકર મારી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જેમાં બંનેના મોત નીપજ્યાં છે. મૃતકો ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ 28 વર્ષીય કશ્યપ રાજભાઈ ઠાકર અને 55 વર્ષીય રાજભાઈ કાંતિભાઈ ઠાકર તરીકે થઈ છે.

પોલીસે ઘટના સ્થળ પર પંચનામાની કાર્યવાહી તથા મૃતકોના પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.