પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): હજી થોડા દિવસ પહેલા ગુજરાતના પ્રધાન મંડળમાં મોટો ફેરફાર થયો, મુખ્યમંત્રી સહિત સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવાની ઘટના સમગ્ર ભારતમાં પહેલી વખત ઘટી છે, સૌથી પહેલા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે સોગંદ લીધા અને ત્યાર બાદ તેમના નવા પ્રધાન મંડળે સોગંદ લીધા હતા, મંત્રીઓની સોગંદ વિધિ બાદ સાંજના પ્રધાનોને તેમના ખાતા ફાળવી દેવામાં આવ્યા હતા, સામાન્ય રીતે જેમને રાજકારણમાં થોડો ઘણો પણ રસ છે તેમના માટે કયા મંત્રીને કયું ખાતુ ફાળવવામાં આવ્યું તે જાણવામાં રસ હોય તે સ્વભાવીક છે પરંતુ મંત્રીઓને ખાતા ફળવાયા પછી કયા મંત્રી કેટલું ભણેલા છે તેની ચર્ચા શરૂ થઈ, ગુજરાતના મંત્રી મંડળના કેટલાંક મંત્રી પાસે પીએચડીની ઉપાધી છે, જો કે આપણા મંત્રી ડૉકટરેટની પદવી ધરાવે છે તેના આનંદ કરતા આપણા કેટલા મંત્રીઓએ માત્ર સ્કૂલનું શિક્ષણ લીધું છે તેની મશ્કરીઓ શરૂ થઈ હતી.

Advertisement


 

 

 

 

 

ખાસ કરી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી અરવિંદ રૈયાણી ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે મંત્રી કિરીટ રાણા અને પ્રદીપ પરમારે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે આ જ રીતે અન્ય મંત્રીઓ જે માત્ર સ્કૂલનો અભ્યાસ ધરાવે છે. તેમની ચર્ચા, મશ્કરી સાથે શરૂ થઈ ખાસ કરી સોશિયલ મીડિયામાં તેમનો ફોટો અને શૈક્ષણિક લાયકાતનો ફોટો વાયરલ થયો, હવે પહેલો સવાલ એવો છે કે આપણા મંત્રીની શૈક્ષણિક લાયકાત શું છે તેની આપણને પહેલી વખત જ ખબર પડી, આ મંત્રી ધારાસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે તેમણે પોતાના સોગંદનામાં સાથે ચૂંટણી પંચને પોતાની બારીકમાં બારીક માહિતી આપી હતી અને આપણે તેમને મત આપી ધારાસભ્ય તરીકે ચૂંટયા હતા, આપણો ધારાસભ્ય ધોરણ 8-10 ભણેલો હોય તો ત્યારે આપણને વાંધો ન્હોતો., પણ આ જ ધારાસભ્ય જો મંત્રી થઈ જાય તો તેમની શૈક્ષણિક લાયકાતની આપણે મશ્કરી કરીએ છીએ, મારા ધ્યાનમાં આવ્યું કે મંત્રીના શિક્ષણની મશ્કરી કરનાર કોઈ સામાન્ય મતદાર, લારી વાળો કે વેપારી નથી. ખાસ કરી આ ઘટનાને હાંસી તેઓ જ ઉડાવે છે જેઓ પોતાને બહુ શિક્ષીત અને સમજદાર માને છે.

હવે બીજો પ્રશ્ન એવો પણ છે આપણા જે મંત્રી કોલેજ કે ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શક્યા નથી, તો ખરેખર તે મંત્રીને પોતાની પારિવારીક સમસ્યા કે પરિસ્થિતિને કારણે આગળનું શિક્ષણ મેળવવાની તક મળી ન્હોતી, જો તેવું હોય તો આપણે જ મંત્રીની મશ્કરી કરીએ છીએ તેમના માટે આપણે શરમ અનુભવવી જોઈએ કારણ આપણે કોઈની ભુતકાળની સ્થિતિ જાણ્યા વગર તેમને મશ્કરી કરી રહ્યા છીએ, માની લઈએ કે જે મંત્રીઓ ઓછું શિક્ષણ મેળવ્યું તેમની આર્થિક સ્થિતિ પણ સારી હતી, તેમને શિક્ષણ મેળવવાનો પુરો અવકાશ હતો, પણ તેમનું મન શિક્ષણમાં લાગતું ન્હોતું અને તેમને ભણવું ગમતું ન્હોતું માટે તેમણે શિક્ષણનો ત્યાગ કરી પોતાનું ગમતું કામ પસંદ કર્યું, આ બંન્નેમાંથી કયા કારણસર આપણા મંત્રી સ્કૂલના શિક્ષણથી આગળ વધ્યા નથી તેની આપણને ખબર નથી, ત્રીજો મુદ્દો એવો છે કે આપણે ત્યાં વિવિધ કારણસર કરોડો લોકો શિક્ષણથી વંચિત રહે છે અથવા શિક્ષણનો ત્યાગ કરે છે પરંતુ તેવી લાખો સ્ટોરી છે. જેમની પાસે કોઈ ડીગ્રી નહીં હોવા છતાં તેઓ પોતાના ક્ષેત્રમાં સફળ થયા છે અને મીડિયાએ તેવા સફળ વેપારી-ઉદ્યોગપતિઓની સફળતાની સ્ટોરીઝ લખી છે.

Advertisement


 

 

 

 

 

શિક્ષણનું પણ એક મહત્વ છે અને જેઓ ખુબ અભ્યાસ કરી તેમના ક્ષેત્રમાં ઉત્તમ કામ કરે છે તેઓ પણ પ્રસંશાને પાત્ર છે, પરંતુ આપણા દેશની હજારો યુનિવર્સિટીમાંથી કરોડો લોકો ડીગ્રી સાથે બહાર પડે છે, પરંતુ તમામ ડીગ્રીધારીઓ સફળ થાય છે તેવું હોતું નથી, હું કાયમ કહું છું મોટા ભાગની ડીગ્રીઓ તો આપણે જે ફિ ભરી છે તેની રસીદ કરતા વધારે કઈ નથી કારણ કે જેઓ પોતાના ક્ષેત્રમાં સફળ થયા તેમની ડીગ્રી કરતા તેમની સમજ અને મહેતન વધારે મહત્વની હતી. આપણે જ મંત્રીના શિક્ષણની મશ્કરી કરીએ છીએ તેમણે રાજકારણમાં બહુ નાના પાયે કામની શરૂઆત કરી હતી, તેમની પાસે ડીગ્રી ન્હોતી, પણ તેમની પાસે લોકોના પ્રશ્ન સમજવાની અને તેમના હ્રદય જીતવાની કરામત હતી, જેના કારણે તેઓ ધારાસભ્ય થયા અને મંત્રી પણ થયા, ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ ખુબ ઓછું ભણ્યા હતા, તેમના ઘરની આર્થિક સ્થિતિ જ સારી ન્હોતી કે તેઓ અભ્યાસ કરી શકે પણ બાબુભાઈ જશભાઈ પટેલની સરકારમાં મંત્રી થયા અને 1995-1998માં મુખ્યમંત્રી પણ થયા, તેમની સાથે આઈએએસ અધિકારીની ફૌજ હતી, પણ સામાન્ય લોકોના પ્રશ્ન સમજવાની સમજ અને તેના ઉકેલની આવડત તેમની પાસે હતી તે અપ્રતિમ હતી.

આપણી પાસે જે શિક્ષણની ડીગ્રી છે તેના કરતા ઓછી ડીગ્રી આપણા માતા-પિતા અને દાદા દાદી પાસે હતી, તેમની પાસે શિક્ષણ ઓછું હતું પણ જીંદગીની એક જુદી જ સમજ હતી, જ્યારે આપણે આપણા મંત્રીના શિક્ષણની મશ્કરીએ કરીએ ત્યારે પોતાને સવાલ પુછવો જોઈએ કે આપણે ઉચ્ચ શિક્ષણ મેળવીને પણ કયા ઝંડા લગાડયા છે ? માત્ર મંત્રી જ નહીં દેશનો એક એક માણસ ઉત્તમ શિક્ષણ મેળવે તે આદર્શ સ્થિતિ છે, પણ તેવું થવાનું નથી. રાજકારણમાં નેતાઓ ઓછું ભણેલા છે તેવો આરોપ જ્યારે આપણે નેતાઓ ઉપર મુકીએ છીએ ત્યારે જેઓ શિક્ષીત છે તેમને પુછવાનું મન થાય છે કે તમારી પાસે ડીગ્રી અને સમજ છે તો તમે રાજકારણમાં કેમ જતા નથી ? એક તરફ રાજકારણ ગંદુ છે અને મંત્રીઓ ઓછું ભણેલા આવે તેવું કહીએ ત્યારે રાજકારણને સુધારવા આપણે રાજકારણમાં આવવું જોઈએ પણ આપણી તે તૈયારી નથી તો કુંડાળાની બહાર ઊભા રહી રાજકારણના કુંડાળામાં રમત રમી રહેલી વ્યકિતને સલાહ આપવાનું અથવા તેની ટીકા કરવાનું બંધ કરવુ જોઈએ.