મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં જસદણ બેઠક પરથી ચૂંટાઈ આવેલા ભાજપ સરકારના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે. આ પ્રસંગે કુંવરજી બાવળીયાએ રાજકોટ કે અન્ય બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડવાનું જણાવતા કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ભાજપના વિજય માટે તેઓ મહેનત કરશે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કુંવરજી બવાલીયાને ભાજપ સરકારમાં કેબીનેટ મંત્રી બનવવામાં આવ્યા હતા. જસદણ બેઠકમાં તેમના રાજીનામાથી યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે કુંવરજી બાવળીયાએ ૧૯૯૮૫ મતોથી વિજય મેળવી કોંગ્રેસને ભારે ઝટકો આપ્યો હતો. જસદણ બેઠક પરથી વિજયી થયેલા રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ આજે ધારસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. લગભગ છ મહિનામાં ફરી ધારાસભ્ય બનેલા કુંવરજી બવાલીયાને ગુજરાત વિધાનસભા સંકુલ ખાતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ શપથ લેવડાવાયા હતા.

કુંવરજી બાવળીયાએ ધારાસભ્ય તરીકે શપથ લીધા પછી કહ્યું કે, તે આગામી લોકસભાની ચૂંટણી લડશે નહીં. પરંતુ સૌરાષ્ટ વિસ્તારમાં ભાજપના વિજય માટે તેઓ ભારે મહેનત કરશે. આ પ્રસંગે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય દંડક પંકજ દેસાઈ  તેમજ અન્ય કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કુંવરજી બાવળિયા આ અગાઉ પાંચ વખત કોંગ્રેસમાંથી જસદણ બેઠક પર જ ધારાસભ્ય પદે  રહી ચુક્યા છે. જયારે ડીસેમ્બર-૨૦૧૭માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસમાંથી વિજેતા થયેલા કુંવરજી બાવળિયા આ વખતે યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપમાંથી વિજેતા થયા છે.