પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): 2014માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી પદેથી ભારતના વડાપ્રધાન થયા ત્યારથી ગુજરાત ભાજપ અને ગુજરાત સરકારનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે. જોકે ગુજરાતની પ્રજાએ નરેન્દ્ર મોદીને જોયા પછી આવું થવું બહુ સ્વાભાવીક છે. આવી જ પરિસ્થિતિ ઈંદિરા કોંગ્રેસની પણ થઈ હતી. છેલ્લા છ વર્ષના ગાળામાં ગુજરાતમાં ભાજપની સત્તા ભલે જળવાઈ રહી હોય પરંતુ ભાજપ નિરાશા અને નિષ્ફળતાઓ તરફ આગળ વધી રહ્યું છે. આ સ્થિતિને નિવારવા ભાજપ હાઈકમાન્ડે ભાજપના પ્રદેશ પ્રમુખનો હવાલો ચંદ્રકાંત પાટીલને સોંપ્યો છે. આકરા નિયમો અને કડકાઈ પાટીલ માટે જરૂરી છે, પણ તેમના વ્યવહારમાં રહેલી તોછળાઈ અને અભિમાન તેમને અને પાર્ટીને ભારે પડી શકે તેમ છે.

કોરોનાની સ્થિતિમાં જે રીતે ચંદ્રકાંત પાટીલે પ્રવાસ શરૂ કર્યો છે તે જોખમી છે. જાણે તેમણે કોરોનાનો ફેલાવો કરવાની બાધા લીધી હોય તેવું લાગી રહ્યું છે. ખુદ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વર્ચ્યૂઅલ સભાઓ અને મીટિંગ્સ લઈ રહ્યા છે ત્યારે ચંદ્રકાંત પાટીલ લોકોની વચ્ચે જઈ લોકોને ભેગા કરી રહ્યા છે. જોકે ચંદ્રકાંત પાટીલની સ્થિતિ કફોળી છે, સમય ઓછો છે અને ખેલ વધારે કરવાના છે તેના કારણે તેમનું મેદાનમાં ઉતરવું સમજી શકાય છે.

દક્ષિણ ગુજરાત પુરતું પોતાનું રાજકારણ સીમિત રાખનાર ચંદ્રકાંત પાટીલ જ્યારે હવે ગુજરાત પ્રદેશ ભાજપના વડા થયા છે ત્યારે તેમના વ્યવહાર અને તેમની કાર્યપ્રણાલીની વિરોધીઓ તો ઠીક પણ ખુદ ભાજપના કાર્યકરો પણ નોંધ લઈ રહ્યા છે. અઢળક સંપત્તિના માલિક અને ગુજરાત પોલીસના કોન્સ્ટેબલના પદથી સાંસદ અને પ્રદેશ પ્રમુખના પદ સુધી પહોંચેલા ચંદ્રકાંત પાટીલ ઉપર જ્યારે નરેન્દ્ર મોદીના ચાર હાથ હોય ત્યારે વ્યવહારને અને વાણીને નિયંત્રિત કરવી મુશકેલ છે છતાં આ તેમની શરૂઆત છે.

નરેન્દ્ર મોદીનું જ ઉદાહરણ લઈએ તો નરેન્દ્ર મોદી દેશના અલગ અલગ રાજ્યોના પ્રવાસે જાય છે ત્યારે ત્યાંના લોકો, સ્થાનીક કાર્યકરો, નેતાઓનું પુરુ હોમવર્ક કરીને જાય છે. મંચ પર નરેન્દ્ર મોદી સ્થાનીક નેતાઓ કે કાર્યકરનો ઉલ્લેખ કરે ત્યારે તેમની સાથે જાણે આત્મિય સંબંધ હોય તેવું લાગે છે. સંભવ છે કે તેઓ જેનો ઉલ્લેખ કરે છે તેમને અગાઉ ક્યારેય મળ્યા પણ નથી.

જ્યારે ચંદ્રકાંત પાટીલના સંબોધનમાં તેમના હોમવર્કનો અભાવ જોવા મળે છે. તેમને મંચસ્થ લોકોની પણ માહિતી હોતી નથી. આ એક બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે કે કોઈ જિલ્લામાંથી આવનારા નેતા જ્યારે પ્રદેશ નેતા થાય ત્યારે આવી ભૂલો થવાની સંભાવના છે, પણ આ ભૂલ નિવારી શકાય હોમવર્ક દ્વારા, મંચસ્થ નેતાઓ પદ અને નામની પૃચ્છા જ્યારે જાહેરમાં થાય ત્યારે અપમાન સ્થાનીક નેતાઓનું નહીં પણ ચંદ્રકાંત પાટીલના વ્યવહારનું મુલ્યાંકન થાય છે. તેમના આ વ્યવહારમાં તોછળાઈ અને અભિમાન દેખાય છે. જ્યારે ચંદ્રકાંત પાટીલને 182 બેઠકો જીતવી છે ત્યારે પોતાના કાર્યકરો અને નેતાઓને તો ઓળખવા જ પળશે. જુઓ તેમના ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાનનો વીડિયો અને તમે નક્કી કરો...