મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન રેલીઓ અને ટોળે ટોળા કરી મુક્યા પછી ભાજપના ઘણા આગેવાનો, નેતાઓ, કાર્યકરો, ધારાસભ્યો વગેરે કોરોના સંક્રમિત થયા હોવાના સમાચારો સામે આવ્યા હતા. આ દરમિયાનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ કોરોના સંક્રમિત બન્યા હતા. જોકે જ્યારે તેઓના કોરોના સંક્રમિત થવા પર લોકોએ તેમના પર ફિટકાર વરસાવ્યો હતો ત્યારે ઘણા લોકોએ તેમને તુરંત સાજા થાઓ તેવી પ્રાથનાઓ પણ કરી હતી. આજે તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાને આવતીકાલે રજા મળશે તેવી જાણકારી આપી છે.

તેમણે સોશિયલ મિડાયા પર લખ્યું છે કે, મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે. મારા સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું. ઉલ્લેખનીય છે કે ગતરોજ જ એવી માહિતી સામે આવી હતી કે તેમનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ હોવાને કારણે તેમને વધુ દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડશે. જોકે તેમણે આ વાતને રદીયો જાહેર કર્યા વગર આડકત્રી રીતે પોતે સ્વસ્થ થઈ કાલે જ (બુધવારે) હોસ્પિટલમાંથી રજા મળી જશે તેવું કહ્યું છે.