બિનીત મોદી (મેરાન્યૂઝ.અમદાવાદ): દૈનિક સમાચાર પત્રના પ્રકાશક – માલિક સી.આર. પાટીલ ખુદ હવે રોજિંદા સમાચારનો હિસ્સો બની ગયા છે. હવે સમાચાર બનવા માટે, અખબારમાં સ્થાન પામવા માટે તેમણે પ્રેસ નોટ મોકલાવવી પડતી નથી. કેમ કે હવે તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ છે. અગાઉ આ પ્રેસ નોટ મોકલવાનું કામ તેમની સુરત સ્થિત ઑફિસના કર્મચારીઓ સંભાળતા હતા.

રાજકારણમાં સક્રિય થતા અગાઉ વ્યવસાયીની ઓળખ ધરાવતા ચંદ્રકાંતભાઈ રઘુનાથ પાટીલ એ કામ માટે ઑફિસ ધરાવતા હતા. પરંતુ 2009માં નવસારી લોકસભા બેઠક પર પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને સંસદસભ્ય થયા પછી તેઓએ ઑફિસનો વસ્તાર વધાર્યો. મતવિસ્તારના નાગરિકોના પ્રશ્નો પરત્વે તેઓ સાંસદ થયા એ પહેલાથી જાગૃત હતા પરંતુ હવે એ તેમની નૈતિક જવાબદારીનો હિસ્સો બન્યું હતું. વિસ્તારના નાગરિકને – મતદારને તેના પ્રશ્નનો – સમસ્યાનો જવાબ તેમજ એનું નિરાકરણ મળવા જોઇએ એવો એમનો સ્પષ્ટ ખ્યાલ હતો. કેટલાક પ્રશ્નોનું સમાધાન સમય માગી લેતું કામ હોય તો એ બાબતની જાણકારી પણ સંબંધિત વ્યક્તિને મળવી જોઇએ એમ તેઓ માનતા હતા.

ઑફિસ તો હતી જ તેમની પાસે. વધારાનો સ્ટાફ રોકીને, વ્યવસાયી તાલીમ આપીને તેમને પોતાની જરૂરિયાત મુજબ તૈયાર કર્યા. રૂબરૂ રજૂઆત, મૌખિક પ્રશ્નો, લેખિત રજૂઆત, પત્ર – ફરિયાદ, ફોન, ઇ-મેઇલ વિ. દ્વારા મળતા પ્રશ્નોના તેમની ઑફિસ યથાયોગ્ય જવાબો આપતી. કેટલીક બાબતોને તેઓ સંસદમાં પ્રશ્નરૂપે પુછતા અને જવાબો મેળવતા. ટેક્ષ્ટાઇલ ઉદ્યોગનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતા સુરતની સમસ્યાઓ માટે તેઓ સુરતના સાથી સાંસદ દર્શનાબહેન જરદોશ મારફતે પ્રશ્નો પુછાવતા હતા. 2010માં સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના કારીગરોના હક-હિત સંબંધી જાત માહિતી મેળવવા કેન્દ્ર સરકારના ટેક્ષ્ટાઇલ સચિવ સુરતની મુલાકાતે આવ્યા હતા.


 

 

 

 

તેમની સાથેની ટીમે સી.આર.પાટીલની ઑફિસની મુલાકાત લીધી તો તેઓ તેનું વ્યવસ્થા તંત્ર જોઇને નવાઈ પામી ગયા. અસલમાં તેઓને સી.આર. પાટીલે જણાવ્યું હતું કે મારી રજૂઆતો કે પ્રશ્નો સંબંધી એક પણ કાગળ તમારે નવી દિલ્લીથી લઇને આવવાની જરૂર નથી. મારી ઑફિસ સુરતમાં તમને એ સઘળું ઉપલબ્ધ કરાવશે જે વિગતોની તમને જરૂર પડશે. ઑફિસની વ્યવસ્થા અને કર્મચારીઓની કાર્યશૈલી જોઇને અચરજ પામેલા અધિકારીઓએ તેમના સચિવ સમક્ષ આ ખાનગી ઑફિસના બે મોંઢે વખાણ કર્યા. તેમની ટીમમાંથી જ કોઇકે આ વખાણ સાંભળીને સૂચન કર્યું કે, ‘પાટીલજી, તમારે તો ઑફિસ માટે ISO સર્ટીફિકેશન મેળવવું જોઇએ.’

ચોક્કસ માપદંડોને આધારે ચાલતી ઑફિસ કે ઉત્પાદન સ્થળોને આપવામાં આવતું ISO સર્ટીફિકેશન માત્ર અરજી કરવાથી મળી જતું પ્રમાણપત્ર નથી. એ મેળવવા માટે એક લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આઇઝો સ્ટાન્ડર્ડ સર્ટીફિકેટ આપતી પ્રમાણિત એજન્સીની ટીમ એ માટે સારું એવું પેપરવર્ક તૈયાર કરાવડાવે છે. એ કાગળો – દસ્તાવેજી મુસદ્દો પણ તેમણે નક્કી કરેલા ધારાધોરણો મુજબનો હોવો જોઇએ. એ સઘળું કેવી રીતે, કઈ ભાષામાં, કયા ટાઇપના ફોન્ટમાં અને ફોન્ટ સાઇઝમાં તેમજ રજૂઆત – સબમીશન કેવી ફાઇલ દ્વારા કરવાનું છે તેવી પણ સૂચના તેમાં આપવામાં આવે છે.

વ્યવસાયી કામકાજના સ્થળ લેખે તમારી જગ્યા પુરતી હવા-ઉજાસવાળી છે, આબોહવા ધરાવતી છે, કર્મચારીઓની શૈક્ષણિક તેમજ શારીરિક સ્થિત, તેમના પગાર – અન્ય હકો પરત્વે માલિકનું વલણ, તેમને અપાતી અન્ય સવલતો, ઑફિસના સંચાલનમાં સરકારી રાહે જરૂરી બનતી કાર્યવાહીની પૂર્તતા જેમ કે કરવેરાની ચુકવણી, હિસાબોની પધ્ધતિ, એ કેટલી પારદર્શક છે, ઑફિસ કે ઉત્પાદિત ચીજ વસ્તુના સંદર્ભમાં કામના સ્થળની સલામતી વ્યવસ્થા, એ માટે લેવાયેલા પગલા– આ અને આવી અગણિત બાબતો આઇઝો સર્ટીફિકેશનમાં સમાવિષ્ટ પામે છે. એજન્સી ટીમ દ્વારા તેની જાત ચકાસણી કરવામાં આવે છે. એ પ્રક્રિયાની સત્તાવાર વીડિયોગ્રાફી – ફોટોગ્રાફી કરવામાં આવે છે જે તેમના આખરી અહેવાલનો હિસ્સો બને છે. સર્ટીફિકેટ આપતા પૂર્વે તેમને ઉપરોક્ત તમામ બાબતોની ઓન પેપર અને ઓન સાઇટ ખાતરી થાય એ પછી જ આપવામાં આવે છે –ISO 9001 સર્ટીફિકેટ.

આમ સી.આર. પાટીલની ઑફિસને – સંસદસભ્યના મતવિસ્તારના કાર્યાલયને ISO 9001: 2008 સર્ટિફિકેટપ્રાપ્ત થયું છે. સર્ટીફિકેટ એક વાર પ્રાપ્ત કરી લેવાથી ભયો ભયો થઈ ગયો એમ માની લેવાની જરૂર નથી. કેમ કે ઉપરોક્ત સર્ટીફિકેટ એક વર્ષથી લઇને ત્રણ વર્ષના મર્યાદિત સમયગાળા માટે જ માન્ય હોય છે. એ સમયગાળાને અંતે અથવા તો સર્ટીફિકેટની મુદતના વર્ષ દરમિયાન જ્યારે પણ ચકાસણી કરવામાં આવે ત્યારે તે ઉપરોક્ત માપદંડોને અનુસરતું હોય એ જરૂરી બને છે. અન્યથા ISO 9001 ની માન્યતા રદ કરી દેવાય છે.


 

 

 

 

સી.આર. પાટીલનું સંસદસભ્ય તરીકેનું કાર્યાલય ઉપરોક્ત માપદંડોને 2010થી અનુસરતું આવ્યું છે. દેશભરમાં અનેક ધારાસભ્યો – સંસદસભ્યોના તેમના મતવિસ્તારમાં કાર્યાલય છે. કચ્છ કે અમદાવાદ શહેર મતવિસ્તાર જેવા વિશાળ ક્ષેત્રના લોકપ્રતિનિધિએ એકથી વધુ કાર્યાલય પણ શરૂ કરવા પડે. આ સઘળી ઑફિસોમાં આપણે હવે જેમને ‘પાટીલ ભાઉ’ કહીએ છીએ તેમના કાર્યાલયનો સમાવેશ થાય છે. બલકે એમ કહેવું જોઇશે કે દેશભરના 545 સંસદસભ્યોમાં તેમનું એકલાનું કાર્યાલય જ આ પ્રકારનું વિશિષ્ટ પ્રમાણપત્ર ધરાવતું પહેલું કાર્યાલય બન્યું છે. વેપાર – ઉદ્યોગની ભાષામાં જેને જાયન્ટ કંપનીઓ કહેવાય એમના માટે પણ એક સમયે મેળવવું વિકટ ગણાતું આ પ્રમાણપત્ર મળી શક્યું એમાં સી.આર. પાટીલના વર્ષો જૂના કર્મચારીઓનો મોટો ફાળો છે. મતવિસ્તારના અને એ સિવાયના ઘણા બધા પરિચિતોનો તેઓ ડિજિટલ સંપર્ક કરી શકે એટલો ડેટા – વિગતો તેમના ભંડાર ઉર્ફે સર્વરમાં છે.

આ તો થઈ સી.આર. પાટીલની ઉપલબ્ધિની વાત કે જેને જાળવી રાખવા માટે તેમને પોતે અને ઑફિસ સાથે સંકળાયેલા સૌએ નિયમિત કેટલાક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમ કે ઑફિસ સુધી પહોંચતા એક પણ પત્રને પછી ભલે તે ઇ-મેઇલના સ્વરૂપે કેમ ન હોય, તેને ‘અનરિપ્લાય’ની કેટેગરીમાં રાખી શકાતો નથી. સુરક્ષાના માપદંડોને અવારનવાર ચકાસતા રહેવું પડે છે. અવારનવારનો અર્થ થાય છે દર ત્રણ મહિને. હિસાબો જાળવવામાં સહેજ પણ ચૂક થઈ શકતી નથી અને થાય તો એ બાબતનો દંડ ચૂકવ્યો છે કે નહીં એ બાબતની તકેદારી પણ લેવી પડે છે. આ સઘળું એક માહિતી સ્વરૂપે સર્ટીફિકેશન એજન્સીને જણાવવું પડે છે. કશું છુપાવી શકાતું નથી અને એમ કરાય તો એ બાબત તમારી વિરૂધ્ધમાં જાય છે.

આ સઘળા નિયમપાલનની સામે શિર્ષાસન કરવાનું કામ, નિયમોથી મોં ફેરવી લેવાનું કામ પણ સી.આર. પાટીલ દ્વારા જ થયું છે એ આજકાલ કરતાં બે મહિનાથી તેમની ગુજરાત ખાતેની સક્રિયતાથી જોઈ શકાય છે. હવેનો પ્રશ્ન અગત્યનો અને તે સંસદસભ્ય સી.આર. પાટીલ માટે નહીં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ માટે બહુ મહત્ત્વનો છે. એક સર્ટીફિકેટ મેળવવા માટે લેવાતી કાળજીની ઉપરોક્ત વિગતો જોઈ – વાંચી ગયા પછી એક અને માત્ર એક જ પ્રશ્ન થાય છે કે કોરોના વાઇરસને કારણે ફેલાયેલી વૈશ્વિક મહામારીના સમયમાં ભારત સરકાર – ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી આરોગ્ય વિષયક ગાઇડલાઇનની મહત્તમ બાબતોનું પાલન કેમ તેઓ કરતા નથી? કેમ કે તેઓ હવે કોઈ હોદ્દા પર છે માટે? નિયમો હોદ્દાથી પર છે ?


 

 

 

 

વીસમી જુલાઈ 2020ની સાંજે સી.આર. પાટીલનું નામ ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યું. બીજા દિવસથી તેમણે કામગીરી સંભાળી લીધી. એ સાથે જ બહુમતી પ્રસંગોએ જોવામાં આવ્યું છે કે તેઓ ટોળાંમાં ફરી રહ્યા છે. સરકારની, આરોગ્ય વિભાગની ગાઇડલાઇન જેનો મોટા પાયે અનેક માધ્યમોમાં ગાઇ-વગાડીને પ્રચાર થાય છે – લોક જાગૃતિ માટે થવો જ જોઇએ તેની પ્રત્યે તેઓ બેદરકાર બની રહ્યા છે. તેના અનેક પ્રમાણો ઉપલબ્ધ છે અને તેમનાથી અજાણ પણ નથી.

સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવાનું જેમના શિરે છે એ પોલીસ ખાતામાં એક સમયે નોકરી કરી ચૂકેલા પ્રમુખ છે. કોરોના વાઇરસના સંક્રમણ પ્રત્યે બેદરકારી દાખવવાનું સૌથી મોટું પરિણામ પણ આપણી સામે છે – ભરતસિંહ સોલંકી. આ પૂર્વ સંસદસભ્ય – કેન્દ્રિય મંત્રીને અંબાજી મંદીરના પ્રવેશ દ્વાર પરની ફરજપરસ્ત મહિલાએ તેમનું ટેમ્પરેચર માપીને અંદર જતા અટકાવવાનો પ્રયત્ન કર્યો પણ સત્તા આગળ લાચાર બની ગઈ. હવે લાચાર બનવાનો વારો ઉભય પક્ષે છે. સારવારનું બિલ સાત આંકડામાં પહોંચ્યું છે અને આગળ ઉપર ફરતું રહે છે. આ વાસ્તવિકતા છે.

સી.આર. પાટીલ તમે કોરોનાને તમારાથી છેટો રાખવાની તક ગુમાવી ચુક્યા છો, પરંતુ હજુ મોડું નથી થયું. તમે ગુજરાત પ્રદેશ ભાજપના બારમા પ્રમુખ છો અને કોરોના વાઇરસને તમારે ગળે વળગાડવાનો નથી બલકે એની સાથે ‘બારમો ચંદ્રમા’ કરી બતાવવાનો છે. તમારે એ માટેના ઉદાહરણો લેવા બહાર જવાની પણ જરૂર નથી. પ્રમાણપત્ર તમારી ઓફિસની પ્રત્યેક દિવાલે લટકે છે. વાઇરસ પ્રત્યે આગળ ઉપર બેદરકાર બનતા પહેલા વધુ એક વાત પણ તમારે યાદ રાખવી જોઇશે. તમે તબીબી ભાષામાં અને રાજકારણની ભાષામાં એમ બન્ને રીતે ‘હેવી વેઇટ’ છો. પછી તમારા વાણી – વર્તનનું વજન બી તો પડવું જોઇએ કે નહીં.