બિનીત મોદી (મેરાન્યૂઝ.ગાંધીનગર): ચૂંટણી ટાણે કે એ સિવાયના સંજોગોમાં રાજકારણીઓએ આપેલા વચનોનું ઝાઝુ મૂલ્ય નથી હોતું. સત્તાનો વિયોગ કે એ મેળવવા માટે તલપાપડ થયા હોય ત્યારે મોં-માથા વિનાના વચનો પણ આપે જે નિભાવવા લગભગ અશક્ય હોય. જો કે આજે આપણે જે વાત કરવી છે તે રાજકારણીના તો ખરા જ પણ એક વડાપ્રધાને આપેલા વચનની અને તે કેવા સંજોગોમાં નિભાવી જાણ્યું તેની છે. જેના કારણે ગુજરાતને, ગુજરાતના દલિત સમાજને એક મહિલા ધારાસભ્ય મળ્યા.

એમનું નામ ચંદ્રાબહેન શ્રીમાળી. શનિવાર 10મી ઑક્ટોબર 2020ની સવારે ગાંધીનગરમાં અવસાન પામ્યા ત્યારે સિત્તેર વર્ષના હતા. બી.એની ડીગ્રી મેળવીને એલ.એલ.બીના ચાલુ અભ્યાસ સાથે જ્યારે તેઓ ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગની નોકરીમાં જોડાયા ત્યારે ઉંમર હતી પચીસ – ત્રીસની વચ્ચે. એ સમયે 1982માં ગુજરાત સરકાર આયોજિત એક જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ગાંધીનગર આવ્યા હતા. સરકારી નોકરીની બપોરની રિસેસમાં ચંદ્રાબહેન પણ કાર્યક્રમના સ્થળે પહોંચી ગયા – ટાઉન હોલ, ગાંધીનગર.


 

 

 

 

 

વડાપ્રધાનની હાજરી હતી અને મહિલાઓના સશક્તિકરણ સંબંધી કોઈ કાર્યક્રમ હતો. ભીડ તો હોય જ. તેઓ સીધા જ સ્ટેજ પર પહોંચી ગયા. ઇન્દિરાજીની નજીક જઇને કહે, “મુઝે પોલિટીક્સ મેં આના હૈ. આપકા મશવરા ચાહિએ.” વડાપ્રધાનના સહાયક અથવા તો કૉંગ્રેસ પક્ષમાંથી દિલ્લીથી આવેલા કોઈ આગેવાન હોદ્દેદારે તેમને બાજુ પર લઈ જઈ થોડી વાતચીત કરી. નામ – સરનામું નોંધીને કહે, ચંદ્રાબહન આપ સમય નિકાલકર દિલ્લી આ જાઇએ. તેમને આ રીતે સીધા વડાપ્રધાનને મળતા જોઈ ગુજરાત કૉંગ્રેસની સ્થાનિક નેતાગીરી ધૂંઆપૂંઆ થઈ હતી પણ ચંદ્રાબહેન એ નેતાઓને ગણકારે એવા નહોતા. નવી દિલ્લી ગયા. માતા-પિતા અને જીવનસાથી સુરેશભાઈને લઇને પહોંચ્યા. ઇન્દિરાજીને મળ્યા. વાતો કરી – ફોટા પડાવ્યા અને ગાંધીનગર આવી ફરી પાછા નોકરીમાં લાગી ગયા. રાજકારણમાં સક્રિય થવું હોય, ચૂંટણી લડવી હોય તો નિયમ લેખે સરકારી નોકરી છોડી દેવી પડે એવું પણ મશવરા કહેતા માર્ગદર્શનમાં સામેલ હશે તે નોકરી મુકી દીધી, રાજીનામું આપ્યું. પતિ સુરેશભાઈ તેમના જ વિભાગમાં નોકરી કરતા હતા એટલે આર્થિક મોરચે ખાસ વાંધો આવે તેમ ન હતું. આમ એટલા માટે કરી શક્યા કેમ કે વાતચીતના અંતે ઇન્દિરા ગાંધી બોલ્યા હતા કે, “ચંદ્રા, ગુજરાત કે અગલે ચુનાવ મેં આપકા ટિકટ પક્કા સમજો.”

નોકરીમાંથી મુક્ત થયેલા ચંદ્રાબહેન હવે રાજકીય કાર્યક્રમોમાં જવા લાગ્યા. સભા – મિટીંગોમાં તેમની હાજરી હોય. ઘણા બધાની હાજરી હોય એટલે તેમની નોંધ ન લેવાય અને તેની જરૂર પણ નહોતી. કૉંગ્રેસી નેતૃત્વનો એક વર્ગ તેમનાથી કતરાતો, અંતર રાખતો હતો જેની તેઓ પરવા નહોતા કરતા. અહીં એક વળાંક આવ્યો. તેમના જીવનમાં નહીં પણ ભારતના રાજકારણમાં વળાંક આવ્યો. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પદ પર રહેતા જ હત્યા થઈ.ભારતના રાજકીય આકાશમાં થોડા સમય માટે બધું ઉપર-તળે થઈ ગયું. જેમના ભરોસે રાજકીય કારકિર્દી ઘડવા નોકરી મુકી દીધી હતી એ જ હવે આ દુનિયામાં ના રહ્યા. હવે કંઈ ચૂંટણી ટિકિટ મળે એવી આશા ચંદ્રાબહેનથી રખાય એમ નહોતું. પરંતુ તેમની ચિંતા થોડા જ વખતમાં ખોટી પડી.

સાતમી ગુજરાત વિધાનસભા માટે 1985માં ચૂંટણી યોજાવાની હતી ત્યારે નવી દિલ્લીમાં ગુજરાતના કૉંગ્રેસ પક્ષના ઉમેદવારોની યાદી તૈયાર થઈ રહી હતી. વડાપ્રધાન અને કૉંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીની હાજરીમાં આગેવાન દલિત નેતા બુટા સિંહે રાજીવ ગાંધીને યાદ અપાવતા ભલામણ કરી કે, “ચંદ્રાબહન કો પ્રત્યાશી બનાના હોગા, માતાજીને ખુદ ઉનકા નામ સુઝાવ દિયા થા.” આમ ચંદ્રાબહેન સુરેશભાઈ શ્રીમાળીનું નામ ગુજરાતના ઉમેદવારોની યાદીમાં સામેલ થયું. બુટા સિંહ એટલા માટે તેમના નામની ભલામણ કરી શક્યા કેમ કે ચંદ્રાબહેનની ઇન્દિરા ગાંધીની મુલાકાત સમયે પક્ષના શિડ્યુલ કાસ્ટ સેલના વડા તરીકે તેઓ વાતચીતમાં હાજર હતા – માધ્યમ હતા.


 

 

 

 

 

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડાની અનામત બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જનતા પાર્ટીના કાળુભાઈ રાઠોડને અગિયાર હજાર ઉપરાંત મતના તફાવતથી પરાજિત કરી, વિજેતા થઈ પાંત્રીસ વર્ષની યુવાન વયે વિધાનસભા પહોંચ્યા ત્યારે અમદાવાદમાં રહેતા હતા. વર્ષો પછી ગાંધીનગરના કાયમી નિવાસસ્થાને એ સમયને સંભારતા કહેતા હતા કે, ધારાસભ્ય બન્યા તેના કરતા પણ એમને વિશેષ આનંદ એ વાતનો હતો કે ઇન્દિરાજીએ આપેલું વચન તેમના પુત્રએ–વડાપ્રધાન રાજીવ ગાંધીએ નિભાવી જાણ્યું હતું. આજના કે એ સમયના ભારતમાં પણ આ પ્રકારના વ્યવહારની કલ્પના કરવી મુશ્કેલ હતી જેનો તેમણે જાત અનુભવ કર્યો હતો.

ધારાસભ્ય લેખે તેઓ દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા પરંતુ પાંચ વર્ષના સમયગાળાની તેમની એ સંબંધી કામગીરીનો કોઈ ચોક્કસ આલેખ મળતો નથી. તેમણે પોતે પણ એવી કોઈ કામગીરી કર્યાનો રેકોર્ડ રાખ્યો ન હતો એવું છ મહીના પહેલાની વાતચીતમાં જણાવ્યું હતું. પણ એક ઘટના એમને બરાબર યાદ હતી. તે એ કે એ સમયે સયાજીગંજ-વડોદરાના અપક્ષ ધારાસભ્ય તરીકે પેટાચૂંટણી દ્વારા ચૂંટાઈ આવેલા અને વડોદરા શહેરના પોલીસ કમિશનર રહી ચૂકેલા જસપાલસિંઘે વિધાનસભા ગૃહની કાર્યવાહી દરમિયાન તેમની સામે જોઈ જાતિ વિષયક ટિપ્પણી કરી હતી. ચંદ્રાબહેન શ્રીમાળીએ તેમની સામે ચંપલ ઉગામી જસપાલસિંઘને વિધાનસભા ગૃહની ગરિમા જાળવવાનું, સાથી ધારાસભ્યનું માન જાળવવાનો વિવેક શીખવાડ્યો હતો. તેમની આ પધ્ધતિ પણ ગરિમાપૂર્ણ નહોતી પરંતુ એ એમનો મિજાજ સમજવા માટે પુરતી થઈ પડે એમ છે.

ધારાસભ્ય લેખે તેઓ 1985 – 1990ના પાંચ વર્ષ જ સક્રિય રહ્યા. પછીની બે વિધાનસભા ચૂંટણીઓમાં કૉંગ્રેસે તેમને ટિકિટથી જ વંચિત રાખ્યા હતા. ધારાસભ્ય હતા ત્યારે એમના પરિચયનો હિસ્સો જ નહોતો એવા સાહિત્ય સર્જન તરફ તેઓ આકસ્મિક પણે વળ્યા. ટૂંકી વાર્તાના લેખનથી શરૂઆત કરી. ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈથી પ્રકાશિત થતા ‘સમકાલીન’ દૈનિક આયોજિત 1995ની વાર્તા સ્પર્ધામાં તેમની ‘ચણીબોર’ વાર્તાને રૂપિયા 7000નું પહેલું ઇનામ મળ્યું. એ પછી તેઓ નિયમિત લેખન તરફ એવા વળ્યા – પલોટાઈ ગયા કે લેખિકા – સર્જક હોવું એ તેમની મુખ્ય ઓળખબની ગયું. રાજકારણમાં નામ માત્રના સક્રિય રહ્યા. જુદા જુદા રાજકીય પક્ષોમાં દાખલ થયા પણ પહેલો પ્રેમ શબ્દ અને સાહિત્યનો રહ્યો.

એકથી વધુ પુસ્તકો પ્રકાશિત થયા. જેમાં ‘ચણીબોર અને બીજી વાર્તાઓ’, ‘ચકુનો વર’, ‘ચુડલા કરમ’, ગુજરાતી દલિત શોર્ટ સ્ટોરીઝનું સંપાદન, મનીષ પરમારની ગઝલોનું સંપાદન, ‘મિજાજ’–‘ઓવારણાં’ અને ‘વલોણું’ નામે ત્રણ કાવ્ય સંગ્રહો, ‘એમ તે કેમ ભુલાય’– નિબંધ સંગ્રહ, ‘સ્મરણ મંજૂષા’ તેમજ ‘મારી કથા મારી વ્યથા’ નામે આત્મકથાનો સમાવેશ થાય છે. આમ ચંદ્રાબહેન શ્રીમાળી એક શબ્દસેવી સાહિત્યકાર તરીકે એવી ઓળખ પામ્યા કે રાજકારણમાં હતા, ધારાસભ્ય હતા એ ઓળખ સદંતર ભુલાઈ ગઈ. જો કે અંગત વાતચીતમાં કહેતા હતા કે તેઓએ કોઈ પ્રયોગ કરવાને ખાતર જ ચૂંટણીઓ લડવાનું ચાલુ રાખ્યું હતું.


 

 

 

 

 

એમ કરતા તેઓએ 1996માં પાટણ લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉમેદવારી કરી માત્ર 1,224 મત મેળવી ડિપૉઝિટ ગુમાવી હતી. એ પછી 1998ની દસમી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં દસાડા બેઠક પર જનતા દળના ઉમેદવાર લેખે માત્ર 394 મત મેળવીને ડિપૉઝિટ ગુમાવી હતી. આમ કેમ કરતા હતા તો એનો જવાબ આપતા વાતને હસી કાઢતા હતા. પાટણ લોકસભાની તેમની ઉમેદવારી ‘ડૉ. ચંદ્રાબહેન શ્રીમાળી’ એવા નામથી નોંધાઈ હતી. તેઓ પી.એચડી હતા કે કેમ એનો પણ જવાબ તેમની પાસે આખરી દિવસોમાં નહોતો. એક માહિતી લેખે ઉમેરવાનું કે તેઓએ પી.એચડીની ડીગ્રી તો નહોતી મેળવી. પરંતુ એક સમયે ગુજરાતના કેટલાક લોકોમાં હોમિયોપેથિકની પોસ્ટલ ડીગ્રી મેળવીને નામની આગળ ‘ડૉ.’નું છોગું મારવાનો શોખ વિક્સિત થયો હતો. ચંદ્રાબહેને પણ આમ જ કર્યું હોઈ શકે એવું અનુમાન તેઓ પોતે જ મુકતા હતા. એક સમયે રાજકારણમાં સક્રિય હતા, ભરપૂર લખતા હતા એ ચંદ્રાબહેનને આખરી દિવસોમાં કશું યાદ નહોતું રહેતું. જૂના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાનો પણ યાદ કરતી વખતે રંગીન લાગે તેવો ભૂતકાળ જોઈ ઘડીક આનંદમાં રહેતા પરંતુ 2002ના પ્રારંભે જ જીવનસાથીની વિદાયે તેમને અંદરથી બહુ ખળભળાવી મુક્યા હતા. એ કાયમી પીડા સાથે છએક મહિનાની માંદગી પછી ચંદ્રાબહેન શ્રીમાળી શનિવાર 10મી ઑક્ટોબર 2020ના રોજ ગાંધીનગર ખાતે અવસાન પામ્યા. બે પુત્રોના પરિવાર સાથે રહેતા તેઓ ગુજરાત એક્સ એમ.એલ.એ કાઉન્સિલ,ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી લેખક મંડળના આજીવન સભ્ય હતા.

જાહેરજીવનમાં ધારાસભ્ય અને સર્જક-લેખક એવી બે ઓળખ ધરાવતા ચંદ્રાબહેન શ્રીમાળીને અલવિદા. એમને ઇન્દિરા ગાંધીના શબ્દો હોય એ જ રીતે કહેવું છે કે, ‘ચંદ્રાબહન, આપ યાદ તો બહુત આઓગે.’

માહિતી સૌજન્ય :ચંદુ મહેરિયા (ગાંધીનગર) અને દિવ્યાંગ શુક્લ (મુંબઈ)