મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ આજે જ્યારે ચૂંટણીપંચે ગુજરાતની 8 વિધાનસભા સહિત અન્ય રાજ્યો માટેની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે પેટા ચૂંટણીની જાહેરાત સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાત ભાજપનું સંગઠને ચૂંટણીને લઈને પૂરી તૈયારીઓ કરી લીધી છે. આ સાથે ભાજપના તમામ કાર્યકર્તાઓ ચૂંટણી માટે તૈયાર હોવાનું પણ તેમણે જણાવ્યું.

પ્રદેશ પ્રમુખે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓ એટલા માટે ઉત્સાહી છે કે દિવાળી પહેલા પ્રચાર પણ પુરો થઈ જશે, મતદાન પણ પૂર્ણ થઈ જશે અને પરિણામ પણ આવી જશે. ભાજપ કાર્યકર્તા તમામ 8 બેઠકો પર ભગવો લહેરાવીને દિવાળી મનાવશે. આ સાથે તેમણે કહ્યું કે, ચૂંટણીપંચે જાહેર કરેલા નિયમો હેઠળ ચૂંટણી પ્રચાર કરવામાં આવશે.

ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો 16 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે 19 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે હાલમાં કૃષિબીલ, મજુરબીલ, કોરોના, લોકડાઉનમાં થયેલા ધંધા પાણીમાં લોકોની હાલાકીઓ સહિતના મુદ્દાઓ ભાજપ માટે ચેલેન્જ બની રહેશે.