ઈબ્રાહીમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): વૈશ્વિક ફુગાવો માથું ઊચકી રહ્યો છે અને આ ભૂત જલદી બાટલામાં પુરાવાનું નથી, એવું આખરે સોનાચાંદી બજારને સમજાઈ ગયું છે. સપ્ટેમ્બરના અંતિમ તબક્કામાં સોનાએ તેજીની સાયકલ કાઢી હતી અને ગત સપ્તાહે ચાંદીના ભાવ છ સપ્તાહની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. ઇતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે ગ્રાહકો અને ઉત્પાદકો કોમોડિટીના ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી જાય ત્યારે બુલિયન જેવી કીમતી ધાતુમાં રોકાણકારો હેજિંગ (સલામતી) ગોતતા આવે છે. અલબત્ત, ક્રિપટોકરન્સીએ સોના ચાંદીના સંગ્રહ મૂલ્યને થોડી જાંખપ જરૂર લગાડી છે.

ફુગાવાના હેજ તરીકે કદાચ ચાંદી, સોનાને ઝાંખું પાડી દેશે. આવું ૧૯૭૦ના દાયકામાં બન્યું હતું, જ્યારે બંકર હંટ બંધુઓએ બજારમાંથી ચાંદી કોર્નર કરવાની શરૂઆત કરતાં, ભાવ જાન્યુઆરી ૧૯૮૦માં ૫૦.૩૬ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ)ની ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હતા.  ત્યારબાદ વર્ષો સુધી ભાવ દબાણમાં રહ્યા પછી, એપ્રિલ ૨૦૧૧માં ફરી ૪૯.૮૨ ડોલર થયા. તાજેતરની ઊંચાઈ ૩૦.૩૫ ડોલર ફેબ્રુઆરી ૨૦૨૧માં જોવા મળી હતી.

Advertisement


 

 

 

 

 

ત્યાર પછી ચાંદીમાં લોઅર હાઇ અને લોઅર લો બનતા ચાલ્યા, પરંતુ ભાવ સતત ૨૦ ડોલરની ઉપર સપ્તાહો સુધી જળવાઈ રહ્યા. હવે ચાંદીનો આંતરપ્રવાહ સ્ફોટક બની ગયો છે. ૨૦૨૧મા અત્યાર સુધી કોમેક્સ ચાંદી વાયદો, દરેક રોકડા (નિયર મંથ) વાયદામાં ભાવ ૨૧.૪૧ ડોલરથી ૩૦.૩૫ ડોલર વચ્ચે અથડાતો રહ્યો, ઊંચા ભાવ ફેબ્રુઆરીમાં અને નીચા સપ્ટેમ્બરમાં જોવાયા.

૨૦૨૧માં રોકાણકારોને અન્ય એસેટ્સ ક્લાસ રોકાણની તુલનાએ બુલિયનમાં ખાસ વળતર મળ્યું નથી. અલબત્ત, આજે પણ કેટલાંક ટ્રેડરો એવી દલીલ સ્વીકારવા તૈયાર નથી કે ૧૯૭૦ના દાયકામાં હંટ ભાઈઓએ ચાંદીમાં કૃત્રિમ તેજી કરાવી હતી. પણ આવા લોકોએ એ ભૂલવું ના જોઈએ કે ચાંદીમાં આવનાર દિવસોમાં જબરી જાગતિક માંગ અને તીવ્ર અછત સર્જાવાનો ભય ઝળૂમબે છે. ચાંદીની હવે પછીની તેજીમાં વાયદા બજારનો એકલાનો હિસ્સો નહીં હોય.

તાજેતરમાં વાયદા બજારના કેટલાંક મંદીવાળાઓએ આંધળુંકયું શોર્ટ સેલ (મંદીના સોદા) કરીને ચાંદીના હાજર ભાવને કૃત્રિમ રીતે મજબૂતીથી દબાવી દેતા, કેટલાંક યુવા રોકાણકારોએ સામે પૂરે તરીને ચાંદીમાં તેજી આણવાનો પ્રયાસ કર્યો હતો. પણ તેમને મંદિવાળાએ કચડી નાખ્યા હતા. હવે અન્ય ફાયનાન્સિયલ એસેટ્સ સામે ચાંદી પ્રમાણમાં સસ્તી થઈ ગઈ છે. માર્ચ ૨૦૨૦માં સોના સામે ચાંદીના તુલનાત્મક ભાવ (૧૪.૨૫ ડોલર) ઐતિહાસિક તળિયે ગયા હતા, પરિણામે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧ ઔંસ સોના સામે ૧૩૦ ઔંસ ચાંદીનો થઈ ગયો હતો.

શુક્રવારે ગોલ્ડ સિલ્વર રેશિયો ૧:૭૩.૫૧ હતો. બુલિયન બજાર તેજીની સાયકલ પર સવાર થશે ત્યારે ચાંદીની તરફેણમાં આ રેશિયો વધુ સંકળાવાની શક્યતા છે. ૧૯૮૦માં આવેલી આવીજ તેજી વખતે ગોલ્ડસિલ્વર રેશયો ૧:૧૬નો થઈ ગયો હતો, જેને પુરાતનકાળમાં જઈને જોઈએ તો આ એક અનોખો કે આગવો રેશિયો ગણાવાય છે.

Advertisement


 

 

 

 

 

દરમિયાન આખા વિશ્વની સોના અને ચાંદીના ખાણનો ઉત્પાદન રેશિયો ૧:૭નો છે. અર્થાત પ્રત્યેક ૧ ઔંસ સોના સામે ૭ ઔંસ ચાંદીનું ઉત્પાદન થાય છે. ચાંદી એ ઇન્વેસ્ટમેન્ટ માંગને આધારે ઉછળકૂદ કરતી સટ્ટાની એક પ્રિય કોમોડિટી છે. સોનું, ચાંદી, કોપર, ઝીંક અને લેડ ખાણોની બાય પ્રોડક્ટ છે. પ્રાયમરી સિલ્વર ખાણોમાંથી તો માત્ર ૨૮ ટકા ચાંદી જ ઉપલબ્ધ થાય છે, બાકીની ૭૨ ટકા ચાંદી અન્ય મેટલ ખાણોની બાય-પ્રોડક્ટ તારીકે ઉત્પાદિત થાય છે.

ટૂંકાગાળા માટે ચાંદીના તેજીવાળાનો હાથ ઉપર છે. છેલ્લા ત્રણ સપ્તાહથી ભાવ અપટ્રેન્ડ થયો છે. તેજીવાળા હવે ડિસેમ્બર વાયદાને ૨૫ ડોલર ઉપરના ટેકનિકલ રેસિસ્ટન્સ ઉપર લઈ જવાના પ્રયાસમાં છે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)