ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): ઇન્ડોનેશિયાથી ચીન તરફ જતાં કોલસા અને અન્ય દેશોના આયર્ન ઓર માટેના માલવાહક જહાજોની માંગમાં વધારો થવાથી કેપસાઈઝ, પનામેક્સ અને સુપ્રામેક્સ જેવા બલ્ક જહાજોના નૂર વધી જતાં આ જહાજોનો સંયુક્ત બાલ્ટિક ડ્રાય ઇંડેક્સ છેલ્લા ૯માંથી ૮ સપ્તાહ સુધી સતત વધતો રહ્યો હતો. તમામ જહાજી રુટ પર નૂર વધી આવતા, છેલ્લા એક જ સપ્તાહમાં ઇંડેક્સ ૩.૨ ટકા વધીને શુક્રવારે ૧૮૧૦ પોઈન્ટ થયો હતો. છેલ્લા એક વર્ષમાં ઇંડેક્સ ૧૨૮ ટકા જ્યારે ડિસેમ્બર આરંભથી અત્યાર સુધીમાં ૬૦ ટકા વધ્યો હતો.

ઔધ્યોગિક રીતે જોવા જઇએ તો ચીન એ વિશ્વનો સૌથી મોટો નિકાસકાર દેશ પણ છે. આને લીધે શિપિંગ લાઇન ઉધ્યોગમાં પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ થયું છે અને જહાજી કંપનીના નફાના ગાળિયા પણ વધ્યા છે. સામાન્ય રીતે નૂરમાં વધારાનો અર્થ થાય છે, રિટેઈલ ભાવ અને ફુગાવામાં વધારો. બોન્ડ યીલ્ડમાં વધારાએ પણ ફુગાવાદર પર અસર છોડી છે. પણ શિપિંગ નૂર વધારાની બહુ અસર ફુગાવા વૃધ્ધિમા હજુ સુધી જોવાઈ નથી.

એક શીપ બ્રોકરનું કહેવું છે કે નૂર ભાડામાં વધારનો અમુક હિસ્સો પ્રથમ તો રિટેઈલ માર્જિનમાં સરભર થઈ જવાનો. નૂર વૃધ્ધિની અસર ફુગાવામાં નહીં જોવા મળે, તેનું બીજું કારણ છે ગ્રાહક ભાવાંક બાસ્કેટમાં ડ્રાય માલવહન થતી કોમોડીટીનો હિસ્સો સાવ મામૂલી હોય છે.


 

 

 

 

 

નબળા ડોલરને લીધે બિન-અમેરિકન આયાતકાર દેશોમાં ઊંચું નૂર ભાડું આપોઆપ સરભર થઈ જતું હોય છે. વળી ૧૨ ફેબ્રુઆરીથી શરૂ થતી ૭ દિવસની ચીન નવા લ્યુનાર વર્ષની ઉજવણી વખતે મહત્તમ ફેકટરીઓ બંધ થઈ જતી હોવાથી આયાત નિકાસ વેપાર પણ ઘટી જશે. અને લીધે ઊંચે જતાં નૂરમાં બ્રેક લાગશે. ગ્રાહકો પોતાના ખર્ચમાં વધારો કરવા તત્પર થયા છે, ત્યારે સૌથી મોટી રાહત તો કોરોના મહામારીના અંતના આરંભને લીધે થશે.

સુપ્રામેક્સ જહાજોનો ઇંડેક્સ ૯ પોઈન્ટ વધી ૧૧૪૭  થયો, જે ગત સપ્તાહે ૫.૨ ટકા વધી ૧૫ મહિનાની નવી ઊંચાઈએ મુકાયો હતો. કેપસાઈઝ ઇંડેક્સ સતત પાંચમા સપ્તાહે વધ્યા પછી ૧૯૭ પોઈન્ટ અથવા ૩.૫ ટકા ઘટી ૨૯૦૭ પોઈન્ટ મુકાયો હતો. અલબત્ત, ગત સપ્તાહે ૨.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. કેપસાઈઝ જહાજનું દૈનિક સરેરાશ નૂર ૮૮૪ ડોલર ઘટીને ૨૪,૬૩૧ ડોલર બોલાયું હતું.

પનામેક્સ ઇંડેક્સ ૨૦ પોઈન્ટ વધીને ૧૬૫૯ પોઈન્ટ મુકાયો હતો. ગત સપ્તાહે તે ૨.૭ ટકા વધ્યો હતો. તેનું દૈનિક સરેરાશ નૂર ૧૮૫ ડોલર વધી ૧૪૯૪૩ ડોલર ક્વોટ થયું હતું. ચીનમાં અત્યંત ઠડું હવામાન અને વિક્રમ વીજળી માંગને લીધે કેપસાઈઝ જહાજોના નૂરમાં ઉછાળો આવ્યો હતો. અલબત્ત, આવી ઉછળકુદ લાંબાગાળા માટે જળવાઈ રહે તેવી શક્યતા ઓછી છે.

૨૦૨૧માં પ્રવેશ સાથે જ ડ્રાય બલ્ક નૂર માર્કેટના ફંડામેન્ટલસ મજબૂત થઈ ગયા છે. ૨૦૨૦ના વર્ષમાં ડ્રાય બલ્ક જહાજોની ઉપલબ્ધિ વધવા સાથે માંગમાં વધારો થતાં નૂરબજારે સારો વિકાસ કર્યો હતો, આ આંતરપ્રવાહ આ વર્ષે પણ જળવાઈ રહેશે. એલાઇડ શીપબ્રોકિંગ કંપની તેના અહેવાલમાં કહ્યું હતું કે ૨૦૨૦માં નોંધાયેલી ડ્રાય બલ્ક કોમોડિટીની તેજી નવા વર્ષમાં પણ જળવાઈ રહેશે.    

સીબોર્ન આયર્ન ઓર વેપાર મોટાપાયે વધ્યો છે અને ભાવ પણ વધી રહ્યા છે તે દાખવે કહે કે માત્ર માંગ જ નથી વધી પણ પુરવઠો પણ વધવાની ધારણા રાખવામાં આવી છે. આયર્ન ઓર વહન માટે બનેલા કેપસાઈઝ જહાજો જે ખાસ કરીને બ્રાજીલની ખાણ કંપનીઓની ક્ષમતાની પારાસીસી ગણવામાં આવે છે, તેવા જહાજોની સંખ્યામાં પણ સારો એવો વધારો થયો છે.            

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)