ઈબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : ચાંદીના ભાવ ૨૦૧૧ની ઊંચાઈ ૫૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ભલે પ્રાપ્ત ના કરી શકે, પણ અત્યારે સોના કરતાં ચાંદીના મજબૂત ફંડામેન્ટલ્સ હોવા છતાં કોઈ ઉપયોગી નથી ઠરતા. વર્તમાન ફંડામેન્ટલ્સ સ્થિતિમાં ચાંદીની તેજી ૩૦ ડોલર આસપાસ તો હોવી જોઈતી હતી. આખી દુનિયાના દેશો અત્યારે કરન્સી નોટો છાપીને બજારમાં ઠાલવી રહી છે ત્યારે ચાંદી ૨૨ ડોલરની નીચે જવા ઉતાવળી થઈ છે. તો પછી વધુ પડતાં ડેટ સાધનોનો ઉપયોગ અને ધરખમ નાણાં બજારમાં ફરી રહ્યાના મજબૂત ફંડામેન્ટલ્સ છતાં, સોના ચાંદીમાં તેજી કેમ નથી જોવાતી?

આને જ તો બજાર કહેવાય, અહી સોનાચાંદીના તેજી-મંદીવાળાનો પ્રેમ શું કહે છે અથવા શું વિચારે છે તે કોઈ વિસાતમાં નથી. ગત સપ્તાહે ચાંદીના ભાવ આડેધડ ઘટયા અને જૂન ૨૦૧૭નું તળિયું ૨૨.૩૨ ડોલર બનાવ્યું. હવે તમારે અમેરિકન ડોલર સામે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જે આપણને દાખવશે કે ચાંદીના ભાવ અહીથી કયા જવાના છે, કારણ કે આ બજારને ડોલર નકારાત્મક દોરવણી આપે છે. ગત સપ્તાહે આરંભમાં ચાંદી સુધારાના પ્રયાસ કર્યા પણ આખરે તૂટી પડી.

Advertisement


 

 

 

 

 

અમેરિકન રિટેલ સેલના અંદાજિત અનુમાનો પર બુલિયન બજારને આધાર રાખવાનું કોઈ કારણ નથી. અમેરિકન રિટેલ સેલને સોના ચાંદીના ભાવ સાથે કોઈ લેવાદેવા નથી કે નથી કોઈ સંબંધ. જો અમેરિકન રિટેલ સેલના આંકડાને આધાર બનાવીને સોના ચાંદી ઘટયા હોય તો પછી, જૂનના આ આંકડા સાવ નબળા આવ્યા હતા, ત્યારે ભાવ વધવા જોઈતા હતા, જે સાચું નથી. અને ત્યારે ભાવ ઘટયા હતા.

ચાંદી જૂન ૨૦૧૭નું બંધ ભાવનું તળિયું બનાવી લીધું છે. નિશ્ચિત પણે ૨૨ ઓગસ્ટે ઇન્ટ્રાડે લો ૨૨.૯૪ ડોલરનો બન્યો હતો અને તેને બોટમ ગણવામાં આવી હતી, પણ તેને બંધ ભાવની બોટમ ગણાવામાં ન આવી હતી. તેણે ચાંદી મંદીની સાયકલમાં દાખલ થયાના મજબૂત સંકેત આપ્યા હતા. તમે ચાંદીના ભાવનો સપ્તાહો, મહિનાઓ કે વર્ષોનો અભ્યાસ કરો તમને ક્યારેય જાણવા નહીં મળે કે કયા ભાવએ બજારને નીચે જવા કે ઉપર જવાનું ટ્રિગર પ્રાપ્ત થયું હોય.

આપણે ક્યારેક નાના ફંડામેન્ટલ સમાચારને વેગથી પકડી લેતા હોઈએ છીએ, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે સટ્ટોડિયા ઈચ્છે તો, સાવ નાના સમાચાર પકડીને બજારને તેજી મંદીના રવાડે ચઢાવી દેતા હોય છે. તમે જુઓ ૨૦૧૧ની તેજી ચાંદી ક્યારેય હોલ્ડ કરી શકી નથી. તમે આવું કદી વિચારી શકો?

Advertisement


 

 

 

 

 

ચાંદી અત્યારે ગંભીર પ્રકારની નકારાત્મકતાથી પીડાઈ રહી છે. આ સ્થિતિમાં જો અમેરિકન ડોલર સતત મજબૂત થશે તો ચાંદીમાં મંદિવાળાઓ ગંભીરતાથી હેમરિંગ કરવાનું વિચારશે. આવો જરા જુદી રીતે વિચારી, જો આખું વિશ્વ અનાપસનાપ નાણાં છાપવા લાગેશે તો એક તબક્કો એવો આવશે જ્યાં જગતને સ્ટેગફલેશન (ફુગાવાથી વિપરીત સ્થિતિ)માં જવાનો વારો આવશે, ત્યાર પછીના વર્ષમાં સોના અને ચાંદીની તેજીની રોકેટ સવારી શરૂ થશે, જે આપણે ૧૯૭૦ના દાયકામાં જોયું હતું.

છેલ્લા દોઢ બે વર્ષથી આખું જગત કોરોના મહામારીમાં પીડાય છે, સાથે જ આડેધડ કરન્સી નોટ છપાઈ રહી છે, તેથી કહી શકાય કે સ્ટેગફલેશનના દ્વારે આપણે આવી ગયા છીએ. આવી સ્થિતિમાં સોના ચાંદી મજબૂતી ધારણ કરવી જોઈએ. ગોલ્ડ સિલ્વર રેશિયો હાલમાં ૧:૭૭ના લેવલ આસપાસ ફરી રહ્યો છે. જો આ રેશિયો ઓગસ્ટ ઊંચાઈ ૧:૭૭.૬૫ તરફ આગળ વધશે તો તે સંયોગમાં ચાંદીને મંદીમાં જવાના દરવાજા ખૂલી જશે.

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)