ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ) : સફળ વેપારી એ કહેવાય જે ઉત્તમ માહિતી સૌપ્રથમ મેળવીને તેનું પોતાના ઉપયોગ માટે પૃથ્થકરણ કરે. સોનાના ભાવ નીચે જવા પ્રયાસ કરી રહ્યા છે ત્યારે, બજારમાં એવા સમાચાર આવ્યા છે કે બોઇંગ ૭૩૭ વિમાન ભરીને ૨૯૭ લાખ ઔંસ (પ્રત્યેક ૩૧.૧૦૩૫ ગ્રામ) સોનું ત્રણેક મહિના દરમિયાન ન્યુયોર્કની વોલ્ટમાં ઠલવાયું છે. આનો અર્થ એ થયો કે અંદાજે ૯૨૫ ટન સોનું જે તાજેતરમાં ખરીદાયુ નથી, તેને અમેરિકા ખાતે સ્થળાંતરીત કરવામાં આવ્યું છે. આથી એમ ન કહી શકાય કે સોનામાં લેવાલીનું આકર્ષણ પેદા થયું છે કે થશે.

ગોલ્ડ પરિવહનને સિક્યોરીટી પૂરી પાડતી કંપની માલ્કા-અમિતના કોમોડીટી ડીરેક્ટર એલન ફીન કહે છે કે આખી દુનિયામાંથી સોનું અમેરિકામાં ઠલવાયું છે. ન્યુયોર્ક પહોચેલું આટલું બધું સોનું, એક અસામાન્ય ઘટના છે. સ્પેક્યુંનોમીસ્ટ કુશલ ઠાકર કહે છે કે કોરોના મહામારીનાં આ સમયમાં કરોડો લોકો નોકરી ગુમાવી રહ્યા છે અથવા પગાર કાપ સ્વીકારી રહ્યા છે એ સ્થિતિમાં લોકો પોતાની લોનના હપ્તા ચૂકવવા, ઘર ખર્ચ કાઢવા, અને બાળકોના શિક્ષણ ખર્ચા કાઢવાના ફાંફા હોય ત્યારે સોનું ખરીદવા કોણ નીકળે?

ભારત અને ચીન જેવા બે મોટી બુલિયન માંગવાળા દેશની ફીઝીકલ માંગ ન નીકળે ત્યાં સુધી ભાવ વૃદ્ધિ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડશે. મહત્વના ગ્રાહક દેશ ભારતમાં ફીઝીકલ માંગ સાવ તળિયે ગઈ છે. કુશલ ઠાકર કહે છે કે આ સમાચાર સોનાના ભાવને ટેકા કરવાના પ્રયાસમાં ફેલાવાયા છે, તમે હવે જુઓ કે આગામી દિવસોમાં આંતરપ્રવાહ કઈ રીતે બદલાય છે.

તેઓ કહે છે કે હું વ્યક્તિગત રીતે માનું છું કે આગામી ત્રણ વર્ષ સોનાની તેજીના છે. પણ આ સમાચાર તેજીનું ટ્રીગર બનવા લાયક તો નથી જ, તેથી મોટી તેજી ધ્યાને સોદા કરવા વાજબી નથી. અલબત્ત, આંતરપ્રવાહ ક્યારેય પણ એકાએક બદલાઈ શકે છે. દક્ષિણ પૂર્વ એશિયન દેશ, દક્ષિણ અમેરિકન દેશ અને ચીનના લોકો રોકડ પ્રવાહિતા જાળવવા સોનું વેચવા દુકાનોની બહાર લાઈન લગાવીને ઉભા હોવાના સમાચાર આવી રહ્યા છે. ભારતીય લોકો કોરોના બંધ ખુલ્યા પછી વેચવા આવશે.

મહત્તમ દેશોની સેન્ટ્રલ બેંકો તેમની કરન્સીને સ્થિર કરવામાં પડી છે, અત્યારે તો સોનાના મુખ્ય ગ્રાહકો માત્ર ઈટીએફ અને હેજ ફંડો જ છે. વાયદામાં ખાસ કરીને હેજ ફંડો ધરખમ લેણ કરીને બેસ્યા છે, તેમની વેચવાલી ગમ્મે ત્યારે આવી શકે છે. અહી એ નોંધવું જોઈએ કે હાલની આર્થિક કટોકટીમાં પણ સોનું રોકાણકારોનું સલામત સ્વર્ગની પરાપુર્વની આબરૂ જાળવીને બેઠું છે. ૨૦૧૯ અને આ વર્ષનાં પ્રથમ બે મહિના સુધી, જાગતિક હેલ્થ ઈમરજન્સી ન હોય તેવી તમામ ગતિવિધિનો પડઘો ભાવમાં ઝીલાતો રહ્યો હતો.

કોરોના વાયરસે સોનાની તેજીમાં ઉમ્બાડીયા કરવાનું કામ કર્યું છે. આને લીધે ભાવ ૧૭૦૦ ડોલરની ઉપર મુકાવા લાગ્યા છે, છેલ્લા ૧૨ મહિનામાં ભાવ ૧૫ ટકા વધ્યા છે. શુક્રવારે ભાવ ૧૭૪૨ ડોલર મુકાયો હતો. ઓવર બોટ શેરબજારમાં ગમ્મે ત્યારે પીછેહઠ થવાની શક્યતા, અર્થતંત્રમાં અનિશ્ચિતતા જેવા કારણો રોકાણકારોને સોનામાં સલામતી લેવાની ફરજ પાડી શકે છે, આ બધું જોતા અત્યારે તો બુલીયન બજાર તેજીમંદીનું બેલેન્સીંગ કરી રહી છે.        

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)