મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા આજે સંસદમાં અંતરિમ બજેટ રજુ કરવામાં આવ્યું છે. કાર્યવાહક નાણા મંત્રી પીયૂષ ગોયલે બજેટની જાહેરાત કરી હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સદનમાં હાજર હતા. સરકારે મોટી જાહેરાતો આ બજેટમાં કરી છે. ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો માટે રૂ. 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવા એટલે કે ઈન્કમ ટેક્સનો સ્લેબ રૂ 5 લાખ સુધી વધારી દેવામાં આવ્યો છે. ઉપરાંત જો રોકાણ કરવામાં આવે તો પણ 6.5 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહીં ભરવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સરકારે 4 વર્ષ સુધી કમર તોડ જીએસટી, નોટ બંધી સહિતના ઘણા નિર્ણયોને કારણે લોકોમાં ત્રાહીમામ હતો. જેને પગલે આ બજેટને રાજકીય પંડીતો ચૂંટણી લક્ષી બજેટ તરીકે જોઈ રહ્યા છે. હવે વાત કરીએ કે આ બજેટમાં લોકો માટે શું છે અને શું નહીં.

પિયુષ ગોયલે કહ્યું કે, આ ફક્ત બજેટ નહીં પણ દેશના વિકાસની યાત્રાનું માધ્યમ છે. જીએસટીમાં સતત ઘટાડાથી ગ્રાહકોને રૂ. 80 હજાર કરોડ રૂપિયાની રાહત અપાઈ છે. જો 6.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર પ્રોવિડંડ ફંડ અને અન્ય ઈક્વિટિઝમાં રોકાણ કરે છે તો કોઈ ટેક્સ નહીં આપવો પડે. સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40 હજાર રૂપિયાથી વધારીને 50 હજાર કરી દેવાયું છે. 5 લાખ સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં. 2019-20માં નાણાકીય નુકસાન જીડીપીના 3.4 ટકા રહેવાનું અનુમાન છે.

તેમણે વધુમાં કહ્યું કે, પીએમ કિસાન યોજના અંતર્ગત નાના ખેડૂતો (એટલે કે બે હેટ્કરથી ઓછી જમીન ધરાવતા)ના બેન્ક ખાતામાં દરેક વર્ષે 6 હજાર રૂપિયા અપાશે. દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના આયુષ્યમાન ભારત અંતર્ગત 10 લાખ બિમાર લોકોનો ઈલાજ થઈ ચુક્યો છે. આગામી પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રીલ્યન ડોલર હશે અને અમે આગામી 8 વર્ષમાં તેને વધારીને 8 ટ્રીલ્યન ડોલર કરવા માગીએ છીએ. ઉપરાંત સરકાર રાષ્ટ્રીય કામધેનું યોજના શરૂ કરશે. ગૌ માતા માટે સરકાર પીછે હટ નહીં કરે. પશુપાલન અને મત્સ્ય પાલન માટે દેવામાં 2 ટકાના વ્યાજની છૂટ આપવામાં આવી છે.

નોટબંધી બાદ 1 કરોડ લોકોએ પહેલી વાર ટેક્સ ફાઈલ કર્યો છે. નોટબંધી દરમિયાન 1 લાખ 36 હજાર કરોડનો ટેક્સ સરકારને મળ્યો છે. રક્ષા બજેટને પણ વધારીને 3 લાખ કરોડ રૂપિયાથી વધુ કરી દેવાયું છે. દૈનિક વપરાશની મોટાભાગની વસ્તુઓ પર 0 ટકાથી 5 ટકા જીએસટી લાદવામાં આવશે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત 15.56 કરોડ લાભાર્થીઓને 7.23 લાખ રૂપિયાની લોન અપાઈ છે. 34 કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે. ઓછી આવક ધરાવતા શ્રમીકોને પેન્શનની યોજના અમલી કરાઈ છે. આ શ્રમીકોને ગેરંટિડ પેન્શન સરકાર આપશે. 100 રૂપિયા પ્રતિ માસ અંશદાન પર 60 વર્ષની વય બાદ રૂ. 3000 રૂપિયા પ્રતિ મહિના પેન્શનની સુવિધા અપાઈ છે. તમામ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. શ્રમિકોને ઓછામાં ઓછું પેન્શન રૂ. 1000 સુધી નક્કી કરાયું છે. શ્રમિકોના મોત પર હવે રૂ.2.5 લાખને બદલે રૂ. 6 લાખ સહાય અપાશે. શ્રમિકોનું બોનસ વધારીને રૂ. 7000, 21 હજાર રુપિયા સુધીના વેતન ધરાવતા લોકોને મળશે.

તેમણે કહ્યું કે, રેલવે યાત્રા સુરક્ષિત કરવા, બ્રોડગેજ પર તમામ માનવ હિત ક્રોસિંગ્સને ખત્મ કરી દેવામાં આવશે. હાઈવે નિર્માણ ભારતમાં સૌથી ફાસ્ટ છે. દરેક દિવસ 27 કિલોમીટર હાઈવે નિર્માણ થાય છે. તેમણે ઉમેર્યું કે, ગ્રેજ્યુઈટિની સીમા 10 લાખથી વધારીને 20 લાખ સુધીની કરી દેવામાં આવી છે. મનરેગા માટે 2019-20માં 60 હજાર કરોડ રૂપિયા આપવાનું પ્રાવધાન અને પ્રધાનમંત્રી સડક યોજનાને 19 હજાર કરોડ રૂપિયા ફાળવાયા. હરિયાણાને ભેટ આપતાં હવે 22મી એઈમ્સની સ્થાપના હરિયાણામાં કરવામાં આવશે. સૌભાગ્ય યોજના અંતર્ગત તમામ ઘરોમાં મફત વીજ કનેક્શન, માર્ચ 2019 સુધી ઘરોમાં વીજ કનેક્શન્સ નાખવામાં આવશે.

ઉપરાંત ગરીબો માટે શૈક્ષણિક સંસ્થાનો અને નોકરીઓમાં 10 ટકા અનામત, આ સંસ્થાનોમાં 25 ટકા સીટોમાં વૃદ્ધી કરવામાં આવશે. અમે કમરતોડ મોંઘવારીની કમર જ તોડી નાખી છે.