જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): ચાર વર્ષ પહેલા જયારે કાશ્મીરમાં તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નાં જવાન તેજ બહાદુરે સીમા સુરક્ષા દળમાં નબળા ભોજનનો આક્ષેપ કરીને પાતળી દાળવાળો વિડિઓ વાયરલ કર્યો હતો ત્યારે સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ કચ્છનાં ગાંધીધામમાં આવેલી BSFની 150મી બટાલિયનનાં નવરત્ન ચૌધરી નામનાં જવાને ભોજન સહિત ગેરકાયદેસર દારૂ વેચવાની વાત કરીને વિડિઓ વાયરલ કર્યો તો છેક દિલ્હીમાં ગૃહમંત્રાલય સુધી આંચકો આવ્યો હતો. હવે આજ બટાલિયનનાં રાશન ઇન્ચાર્જ દવારા 26 લાખનો માતબર કહી શકાય તેવો ગોટાળો કરતા ગાંધીધામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જેને કારણે ભૂતકાળમાં નવરત્ન ચૌધરી નામનાં જવાને કરેલો આક્ષેપ કયાંક ને કયાંક વજૂદવાળો હોય તેવું પ્રાથમિક રીતે લાગી રહ્યું છે.

કચ્છનાં ગાંધીધામમાં આવેલી બીએસએફની 150મી બટાલિયનનાં ડેપ્યુટી કમાન્ડડન્ટ કાલુસિંહ શંભુસિંહ ચૂંડાવત દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદ મુજબ, તેમની બટાલિયનનાં સહાયક રાશન ઇન્ચાર્જ મહોમ્મદ ઉમર યાસીને તારીખ ૦૩-૦૧-૨૦૧૬થી રાશન ખરીદવાને બહાને આશરે 26 લાખની ઉચાપત કરી હતી. )આ એજ સમયગાળો છે જયારે બીએસેફમાં નબળા ભોજન ઉપરાંત સિવિલિયન લોકોને દારૂ વેચવાનો આક્ષેપ થયો હતો ) ત્યારબાદ તે ભાગી જતા તેને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. ભાગેડુ જાહેર થયા પછી તેની સામે ડિપાર્ટમેન્ટલ તપાસ કરવામાં આવી હતી. જેમાં તે કસૂરવાર નીકળતા તેની સામે રવિવારે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે બીએસએફના રાશન ઇન્ચાર્જ એવા મૂળ ઉત્તરપ્રદેશનાં રહેવાસી એવા મહોમ્મદ ઉમર યાસીન સામે ઇન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 409 અને 420 મુજબ ગુન્હો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


 

 

 

 

ભ્રષ્ટ અને નબળા અધિકારીઓને કારણે BSF બદનામ

એક સમય એવો હતો જયારે કચ્છમાં બીએસએફનું નામ પડતા જ લોકોની છાતી ફૂલી સમાતી ન હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટ અને નબળા અધિકારીઓની કચ્છમાં તૈનાતીને કારણે બીએસએફને શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું છે. ખાસ કરીને સીમા સુરક્ષા દળમાં જેની આવી ઘટનાઓ ઉપર નજર રાખવાની જવાબદારી છે તેવી જનરલ બ્રાન્ચ (G Branch)માં બિન અનુભવી અને ભ્રષ્ટ તથા નબળા ઓફિસરની પોસ્ટિંગ થવાને કારણે કચ્છમાં સીમા સુરક્ષા દળમાં આવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગાંધીનગરમાં ફ્રન્ટિયાર લેવલે સક્ષમ અધિકારીઓ છે પરંતુ કચ્છમાં સેક્ટર કક્ષાએ બિન અનુભવી અને નબળા ઓફિસર્સને કારણે સુવર્ણ ઇતિહાસ ધરાવતા સીમા સુરક્ષા દળને ઝાંખપ લાગી રહી છે. જે રીતે છેલ્લા કેટલાક મહિનાઓથી કચ્છનાં ક્રિક એરિયામાંથી ચરસ મળી રહ્યું છે તેના પાછળ પણ આ અધિકારીઓની કાર્યશૈલી જ જવાબદાર હોવાનું ખુદ બીએસએફનાં સૂત્રો દાવો કરી રહ્યા છે.