રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): તમે ક્યારેય બેન્કની લોન લીધી છે? જાતજાતની સીક્યોરિટી માંગે. ઢગલો ડોક્યુમેન્ટ માંગે. ગેરેન્ટી આપનાર માંગે.તમારી મિલકતના વેલ્યૂએશન રીપોર્ટ માંગે. કેટલીય સજ્જડ ચકાસણી પછી લોન મંજૂર કરે ! લોન રીકવરીની નોટિસ કાઢે; અખબારોમાં જાહેરાત આપી મિલકતની હરાજી કરે. ગેરેન્ટર ઉપર કેસ કરે. તમે નાગરિક છો એટલે બેન્ક આવી કાળજી લે. પરંતુ તમે ધનાઢ્ય હો તો બેન્ક આવી કોઈ કાળજી ન લે. 1000 કરોડની લોન માંગનારને બેન્ક કહે : “1000 કરોડ શામાટે? લ્યોને 5000 -10000 કરોડ !” નાના હતા ત્યારે વશરામ ભૂવાની વાર્તા સાંભળેલી. તેને રીંગણા બહુ ભાવે. કોઈની વાડીમાં જઈને પૂછે : “વાડી રે વાડી ! રીંગણા લઉં બે-ચાર?” વાડી થોડી જવાબ આપે? રીંગણાની ચોરી કરવી પાપ ગણાય. કરવું શું? વાડીને બદલે વશરામ ભૂવા મંજૂરી આપે : “બે-ચાર શામાટે? લોને દસ-બાર !” વશરામ ભૂવા જેવું જ ભારતીય રીઝર્વ બેન્કે કર્યું છે. એમણે ખુશ થઈને 50 ડીફોલ્ટરોના 68000 કરોડ માંડવાળ-Write off કરી દીધા : “જાવ, મઝા કરો; તમારી લોન માંડવાળ કરવામાં આવે છે !”

બેન્કનું કહેવું છે : “લોન માંડવાળ-Write off એટલે લોનમાફી-Waive off નહીં. લાંબા સમયથી NPA રહેતા 50 નાદારોના ખાતા બેન્કોએ Write off કર્યા છે. લોન રાઈટ ઓફ અને લોન વેઈવ ઓફમાં બહુ મોટો ફરક છે. રાઈટ ઓફ લોન એટલે કે NPA-નોન પર્ફોમિંગ એસેટને માંડવાળ કરવી. લોન રાઈટ ઓફ કરવાથી લોન લેનારને કોઈ ફાયદો થતો નથી; તેની લોન હજી ઊભેલી રહે છે અને તે લોન વસૂલવાનાં બેન્કના પ્રયાસો ચાલુ રહે છે; જ્‍યારે તેની રીકવરી થશે ત્યારે તે બેન્‍કના નફામાં ઉમેરાશે. બેંકો દ્વારા NPA થયેલ ખાતાઓને રાઈટ ઓફ કરવા; તે તેની એક સામાન્ય પ્રક્રિયા છે. રાઈટ ઑફ એક આંતરિક ટેકનિકલ એન્ટ્રી છે.”

લોન માંડવાળ એટલે લોન માફી નહીં; એવી બેન્કની સ્પષ્ટતા સાચી છે; પરંતુ વાસ્તવમાં શું બને છે? માંડવાળવાળા મહારથીઓનો વાળ પણ વાંકો થતો નથી. વિદેશમાં જઈને જલસા કરે છે. મામૂલી ચોરી માટે IPC હેઠળ 3 વરસ; ચીટિંગ માટે 7 વરસ; લૂંટ માટે 10 વરસ અને ડેકોઈટી માટે આજીવન કેદની જોગવાઈ છે. પરંતુ આ 50 મહાડિફોલ્ટરને કોઈ ચિંતા નથી; થોડો સમય ઊહાપોહ થશે પછી કોઈ પૂછવાનું નથી. ડિફોલ્ટરો પણ વશરામ ભૂવાના વારસદારો છે. તે કહેતા હશે : “બેન્ક રે બેન્ક ! રીંગણા લઉં બે-ચાર?” બેન્કને બદલે ડીફોલ્ટર જ મંજૂરી આપતા હશે : “ બે-ચાર શામાટે? લોને દસ-બાર !” વશરામ ભૂવાની વાર્તાનો અંત કેવો હતો? ખેતરના માલિકને વશરામ ભૂવાની ચોરીની ખબર પડી ત્યારે માલિકે વશરામ ભૂવાને દોરડાથી બાંધી કૂવામાં ડૂબકી ખવડાવતા કહ્યું : “બોલો ! વશરામ ભૂવા ! ડૂબડી ખવડાવું બે-ચાર?” વશરામ ભૂવા શું બોલે? માલિકે જ કહ્યું : “બે-ચાર ડૂબકી? અરે, ખવડાવો દસ-બાર !” આપણી બેન્કો ખેતરના માલિકની જેમ યુક્તિપ્રયુક્તિ ક્યારે અજમાવશે ?