મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ નેતાઓ પાંચ વર્ષ સુધી શું કરે અને મત માગતી વખતે શું શું કરે તેની સહુને ખબર છે, જોકે જનતાનો પિત્તો ભમે અને તે જ્યારે નેતાને સવાલ કરતી થાય ત્યારે નેતા માટે કેટલું આ આકરું બની જાય છે તેનો નમુનો માળિયા ખાતે જોવા મળ્યું છે. હાલ ગુજરાતની 8 બેઠકો પર પેટા ચૂંટણીના પ્રચારના પડઘમ જોરથી વાગી રહ્યા છે.
મોરબીના માળિયા વિસ્તારમાં મત માગવા નીકળેલા ભાજપના ઉમેદવાર કે જેમના પક્ષ પલ્ટાને કારણે ફરી ચૂંટણી યોજાવા જઈ રહી છે તેઓનો લોકોએ ઉધડો લઈ નાખ્યો હતો. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે ફોન પણ નથી ઉપાડતા તેવું કહી બ્રિજેશ મેરજાને જનતાએ જાહેરમાં ખખડાવી નાખ્યા હતા.

વાયરલ થયેલો વીડિયો મોરબીના માળિયા વિસ્તારનો હોવાનું કહેવાય છે અહીં પ્રચાર માટે આવેલા બ્રિજેશ મેરજાને સ્થાનિકોએ કામ ન કરતાં હોવાનું અને ફોન પણ ઉપાડતા ન હોવાનું કહી ઉધડો લઈ નાખ્યો હતો. સ્થાનીક એક વ્યક્તિનું કહેવું હતું કે કાંઈ પણ કામ હોય તમને ફોન કરીએ તો તમે ફોન પણ નથી ઉપાડતા, ઓફીસ પર જઈએ તો ઓફીસમાં નથી હોતા. ચલો કામથી બહાર હોવ તો પણ ફોન પણ ન ઉપાડો. ખેડૂતોના કામ પડે ત્યારે કાંતિભાઈ તરત આવી પહોંચતા હોય છે. તમને ફોન ઉપાડવાનો સમય નથી. 

સ્થાનિકે એવું પણ કહ્યું કે, કોરોનાના સમયમાં અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે તમે લેખિત રજૂઆત કરવાનું કહ્યું અમે એ પણ અરજી કરી પણ તમે કયાંય દેખાતા નથી. અહીં સ્થાનીકોનો પાણીથી માંડી ખેતી સહીતના પ્રશ્નોનો મુદ્દો હતો. એક સ્થાનીકે કહ્યું કે ડીડીઓ કચેરીમાં હું છેલ્લા કેટલાક વર્ષોથી ધક્કા ખાઉં છું પણ મારું કામ થતું નથી. જોકે મામલા અંગે બ્રિજેશ મેરજાએ સહુ કોઈને આશ્વાસન આપ્યું હતું કે તેમના પ્રશ્નોનું તેઓ નિરાકરણ લાવશે. જોકે હવે સ્થાનીકોના પ્રશ્નોના ઉકેલ ક્યારે આવશે તેની કોઈ તીથી નક્કી નથી પરંતુ જ્યારે આવશે ત્યારે મેરજાએ પોતાનું વચન નિભાવ્યું કહી શકાશે. હવે જોવું એ રહ્યું કે મેરજા પોતાનું વચન નિભાવે છે કે દર વખતની જેમ જનતાને નેતાના વાયદા ઠાલા નિવડે તેવી સ્થિતિનો ઘાટ ઘડાશે.