મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ લાલચ બૂરી ચીજ છે. એક વખત અવળે રસ્તે ચડી ગયા પછી એ રસ્તો મૂકવાનું કપરું થઈ પડે છે. બસ આવું જ કાંઇક બન્યું છે સ્મીમેર હોસ્પિટલના પરિસરમાં. જ્યાં રૂ. 1.20 લાખના પગારદારને રૂ. અઢી હજારની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યૂરોની ટીમે પકડી પાડ્યો હતો. પરિણામે માત્ર અઢી હજાર રૂપરડીમાં હવે આ અધિકારીએ નોકરી ગુમાવવાનો વખત આવ્યો છે.

સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ક્લાસ ટુ અધિકારી દીપક વિનોદભાઇ ગઢિયા પાસે એક વ્યક્તિએ કોવિડ-10 રેપિડ એન્ટીજન ટેસ્ટ કરાવવાની વાત લઈને પહોંચી, એ વ્યક્તિને જેવો જોઇતો હોય તેવો રિપોર્ટ મળી જશે તેના બદલામાં રૂ. 6 હજાર આપવા પડશે તેમ ગઢિયાએ કહ્યું હતું. આ વ્યક્તિ લાંચની રકમ આપવા માગતી ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો. એસીબીના સુરત વિભાગના મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન તળે પોઈ એન.કે. કામળિયા અને કે. જે. ચૌધરીએ લાંચના છટકાનું આયોજન કર્યું જેમાં દીપક ગઢિયા આબાદ ઝડપાઈ ગયા હતા.

એસીબીના અધિકારીઓ અને લાંચ ન આપવાનું ઇચ્છતી વ્યક્તિ વચ્ચે થયેલી વાત મુજબ પહેલા તબક્કામાં લાંચની રકમ રૂ. 2,500 સ્મીમેર હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે જાહેર રોડ પર આપવાની હતી. જેથી દીપક ગઢિયા રૂ. 2,500 લેવા પોતાની ઓફિસમાંથી ત્યાં આવ્યા હતા. જ્યાં પહેલેથી જ એસીબીની ટીમ હાજર હતી. જેને રંગેહાથ લાંચની રકમ સ્વીકારતા પકડી પાડવામાં આવ્યા હતા.

જ્યારે રિપોર્ટ કઢાવવા ઇચ્છતી વ્યક્તિએ ગઢિયાનો સંપર્ક કર્યો ત્યારે ગઢિયાએ રૂ. 6 હજારની લાંચ માગી હતી. ત્યાર બાદ પેહલા રૂ. 2,500 આપવાનું અને બાકીનાં નાણાં રિપોર્ટ આપે ત્યારે આપવાનું નક્કી થયું હતું. આ બધી વાત દીપક ગઢિયાએ મોબાઇલ ફોન પર કરી હતી. જે તમામ વાતનું રેકોર્ડિંગ કરી લીધું હતું. લાંચની રકમ નક્કી થયા બાદ દીપક ગઢિયાએ આધાર કાર્ડ વોટ્સ એપ પર મોકલી આપવાનું કહ્યું હતું. એ મુજબ રિપોર્ટ કરાવવા ઇચ્છતી વ્યક્તિએ આધાર કાર્ડ વોટ્સ એપ પર મોકલી આપ્યું હતું. આ તમામ પુરાવાના કારણે કેસ મજબૂત બન્યો હતો.