જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જીલ્લા એ.આર.ટી.ઓ કચેરીમાં જાણે કોઈ રણીધણી ન હોય એમ રેઢિયાળ તંત્રને લઈને લોકો પરિવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે એજન્ટોના નેટવર્કમાં અહીં આવતા સામાન્ય માણસને લાયસન્સ થી લઈ અન્ય પ્રક્રિયામાં પસાર થતા નાકે દમ આવી જાય છે એવું નથી કે અહીં કોઈ અધિકારી નથી,અધિકારી તો છે પણ તેમની ચેમ્બરમાંજ એજન્ટોનો અડિંગો જોવા મળતો હોય છે અધિકારીઓની મિલીભગતના પગલે સામાન્ય અરજદારો લૂંટાઈ રહ્યા હોવાની બૂમો ઉઠી હતી ત્યારે આરટીઓ કમિશનર મોડાસા ખાતે આવેલ એઆરટીઓ કચેરીમાં ઓચીંતી મુલાકાત લેતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો હતો કચેરીમાં અડિંગો જમાવી બેઠેલા દલાલો અને એજન્ટોમાં ભારે નાસભાગ મચી હતી કેટલાક નાસી છૂટવામાં સફળ રહ્યા હતા જયારે કેટલાક એજન્ટ અને દલાલો કચેરીમાં જ ઝડપી લેવામાં આવ્યા હતા અને એક રૂમમાં નજર કેદ કરી ૧૪ જેટલા એજન્ટ અને દલાલને ટાઉન પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર, મોડાસા ખાતે જીલ્લા સેવાસદન સામે આવેલી અરવલ્લી જીલ્લા એ.આર.ટી.ઓ કચેરીમાં એજન્ટો અરજદારો સામે અધિકારી જેટલો રોફ જમાવતા હોય છે. એજન્ટ રાજમાં અરજદાર અધિકારી કે કર્મચારી કોણ એ પણ પારખવામાં થાપ ખાઈ રહ્યા છે એજન્ટો ભલેને લોકોના ખિસ્સા ખંખેરી લેતા હોય છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એ.આર.ટી.ઓ ને લગતા તમામ કામોમાં અહીં આવનારા મોટા ભાગના લોકોના અનુભવ બહુ ખરાબ છે કારણ કે અહીં લાગવગ એ જ લાયકાત હોય તેવો સિદ્ધાંત લાગુ પડી રહ્યો છે. એજન્ટના સંપર્ક વગર સીધા કચેરીના કામકાજ માટે આવનાર લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ભ્રસ્ટાચારના દલદલમાં ફસાયેલી એ.આર.ટી.ઓ કચેરીની બૂમો છે કે ગાંધીનગર સુધી પહોંચતા શુક્રવારે સાંજે કમિશનર ખુદ પહોંચ્યા હતા. કમિશ્નરને જોઈ એજન્ટ અને દલાલોના મોતિયા મરી ગયા હતા અને આઇઆરટીઓ કચેરીમાં ભારે નાસભાગ મચી હતી. કેટલાક દલાલો અને એજન્ટ કચેરીમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા તો જે એજન્ટ અને દલાલ કમિશનરના હાથે ચઢી ગયા તેમને એક રૂમમાં નજર કેદ કરી વધુ તપાસ હાથધરી હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનો કાફલો પણ એઆરટીઓ કચેરીમાં પહોંચ્યો હતો ત્યારે એજન્ટ અને દલાલોથી ઘેરાયેલા રહેતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી થશે કે નહીં .....?? કે પછી એજન્ટ અને દલાલો સામે જ કાયદેસરની કાર્યવાહી કરાશે સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.