પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ડીપીએસ સ્કૂલના સીઈઓ મંજુલા પુજા શ્રોફની ( Manjula Shroff ) મુશ્કેલીઓ હજુ અટકવાનું નામ લેતી નથી. જોકે સત્તાના મદમાં મુસ્તાક મંજુલા શ્રોફનો ઘમંડ હજુ ઓછો થયો નથી. જેના પગલે હવે સ્વામી નિત્યાનંદ (Nithyanand case update) પ્રકરણની તપાસ કરી રહેલી અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાથીજણના આશ્રમમાં ચાલતા ધંધાઓની જાણકારી મેળવવા મંજુલા શ્રોફને પોલીસ સામે હાજર થઈ નિવેદન નોંધાવા સમન્સ મોકલ્યું છે.

આઈએએસ અને આઈપીએસ સહિત ગુજરાત અને કેન્દ્રના મંત્રીઓમાં પોતાની વગ હોવાને કારણે કોઈ પોતાનું કશું જ બગાડી શકે તેમ નથી તેવું માનતા મંજુલા શ્રોફ દ્વારા બનાવટી દસ્તાવેજો ઊભા કરીને સીબીએસઈની મંજુરી મેળવી હતી. ત્યાર બાદ પોતાને માટે જે આદરણીય છે તેવા નિત્યાનંદ બાબાને પોતાની જ સ્કૂલમાં આશ્રમ બનાવી આપ્યો હતો.

સીબીએસઈની મંજુરી ખોટી રીતે મેળવી એફઆરસી પ્રમાણે કરોડો રૂપિયા ફી વાલીઓ પાસેથી એઠી લીધી હતી. આ મામલે આગામી દિવસમાં કોઈ વાલી ફરિયાદ કરે તેવી સંભાવના છે.

નિત્યાનંદ બાબાના કહેવાતા ચમત્કારોથી પ્રભાવિત થયેલા મંજુલા શ્રોફે ( Manjula Shroff ) હાથીજણ આશ્રમમાં સ્કૂલ અને આશ્રમના બાળકોને જોંતરી દીધા હતા, પરંતુ આ મામલે પોલીસ ફરિયાદ થતાં નિત્યાનંદ બાબા ફરાર થઈ ગયા છે જ્યારે તેમની બે શિષ્યા પ્રાણ તત્વ અને પ્રિયા તત્વની ધરપકડ કરવામાં આવી હતી.

તાજેતરમાં જામીન પર છૂટેલી આ બંને શિષ્યાઓએ મંજુલા શ્રોફનો ભાંડો ફોડ્યો હતો અને કઈ રીતે મંજુલા શ્રોફ આ પ્રકરણમાં શામેલ છે તેની માહિતી પોલીસને આપી હતી.

ધીમી ગતિએ ચાલી રહેલી પોલીસ તપાસને કારણે મંજુલા શ્રોફ એવું માનતા હતા કે બાબાના પ્રકરણમાં પોલીસ પાસે પોતાની સામે કોઈ પુરાવા નથી, પરંતુ મક્કમ રીતે પોલીસે મંજુલા શ્રોફ સામે સંખ્યાબંધ પુરાવા મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જેને પગલે પોલીસ સામે ઊભા થયેલા અનેક પ્રશ્નોના જવાબ જે મંજુલા શ્રોફ ( Manjula Shroff ) જ આપી શકે તેમ હોય મંજુલા શ્રોફને સોમવારના રોજ પોલીસ સામે હાજર રહેવા ફરમાન થયું હોવાની જાણકારી મળી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સીબીએસઈની માન્યતા પ્રકરણમાં મંજુલા શ્રોફે સિફત પુર્વક દોષનો ટોપલો પૂર્વ ભાગીદાર હિતેન વસંત અને પૂર્વ આચાર્ય અનિતા દુઆના માથે ફેંક્યો હતો, પરંતુ નિત્યાનંદ બાબાના (Nithyanand Baba Case) મામલે સંપુર્ણ જવાબદારી મંજુલા શ્રોફની જ થાય છે.