જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): સરહદી જિલ્લા કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી બેઝ ઓઇલનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે પશ્ચિમ કચ્છમાં એક 'અજીબ' પેટ્રોલ પમ્પ ઉપર શુક્રવારે રાતે કાર્યવાહી કરવામાં આવી છે. દિવસે બંધ રહેતા અને રાતે ધમધમતા પશ્ચિમ કચ્છનાં દેશલપલ ત્રણ રસ્તા પાસે પોલીસ ચેક પોસ્ટની બરાબર પાછળ આવેલા આ 'બેનામ' પમ્પ ઉપર પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક માનકુવા પોલીસ દવારા બેઝ ઓઇલ જેવા પેટ્રોલિયમ પદાર્થને સીલ કરવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો આ એક સામાન્ય કાર્યવાહી છે. પરંતુ આની પાછળ એક દિલચસ્પ 'સ્ટોરી' છે. 

આમ તો બેઝ ઓઈલનો બેફામ કારોબાર પૂર્વ કચ્છનાં પોલીસ બેડાના તાબા હેઠળનાં વિસ્તારોમાં ચાલી રહ્યો છે. તેવામાં પશ્ચિમ કચ્છમાં પણ ઓઈલના આ બે નંબરી વ્યવસાયમાં નામી લોકો જોતરાયા છે. પૂર્વની સરખામણીએ પશ્ચિમ કચ્છમાં આવા બે નંબરનાં ધંધા માટે એસપી સૌરભસિંઘ કડક છે. એટલે 'ટેસ્ટિંગ' કરવાનાં આશયથી માનકુવા પોલીસની હદમાં આવતા દેશલપર ત્રણ રસ્તા પાસે બાયો ડિઝલનાં નામે એક નામ વગરનો પેટ્રોલ ખોલવામાં આવ્યો હતો. પરંતુ આશ્ચર્યજનક રીતે આ પમ્પ દિવસે બંધ જ રહેતો હતો. જેવું અંધારું થાય કે અહીં ટ્રકની લાઈન લાગતી હતી. સુત્રોનું માનીએ તો અહીં બાયો ડીઝલના નામે સફેદ બેઝ ઓઈલનો કાળો કારોબાર ચાલતો હતો. જેને પોલીસની મહતપૂર્ણ કહી શકાય તેવી શાખાનો પણ આશીર્વાદ હતો. પરંતુ કહેવાય છે ને કે, ચોરી વધુ દિવસ છુપાવી રાખી શકાતી નથી. અજીબ અને બેનામ પેટ્રોલ પમ્પની વાત કડક અને પ્રામાણિક એવા એસપી સૌરભસિંઘનાં કાન સુધી પહોંચતા તેમણે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. સાહેબનો ઓર્ડર હોય એટલે કાર્યવાહી તો કરવી જ પડે. પરિણામે શુક્રવારે રાતે પોલીસ ચેક પોસ્ટની પાછળ આવેલા રાતે જ ધમધમતા પમ્પ ઉપર કાર્યવાહી કરવામાં આવી હતી. 


 

 

 

 

 

કાર્યવાહીને સમર્થન આપતા માનકુવાનાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી.વિહોલે જણાવ્યું હતું કે, 3500 લીટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલું દ્રવ્ય બેઝ ઓઇલ છે કે નહીં તેની ચકાસણી માટે તેને એફએસએલમાં મોકલવામાં આવ્યું છે. જાણવા જોગ કાર્યવાહી થઈ છે એટલે કોઈની અટકાયત કરવામાં આવી નથી એવું પીઆઇ વિહોલે વધુમાં ઉમેર્યું હતું. બીજી તરફ સુત્રોનો દાવો હતો કે આ પમ્પ ઉપર રોજ એક ટેન્કર ખાલી થતું હતું. એટલે કે, 20 હજાર ઓઇલ આવતું હતું. મોટા જથ્થા સામે મામુલી ઓઇલ કેમ હોય શકે તે જાણવા પશ્ચિમ કચ્છ એસપી સૌરભસિંગનો સંપર્ક કરતા તેમણે સમગ્ર પ્રકરણમાં તલસ્પર્શી તપાસનો કોલ આપ્યો હતો અને જરૂર જણાય તો કડક કાર્યવાહી કરવાની પણ ખાતરી આપી હતી. નલિયા જવાના નેશનલ હાઇવે ઉપર રાત આખી ધમધમતા પમ્પ ઉપર દબાણ આવતા કાર્યવાહી થઈ છે ત્યારે આમાં સંડોવાયેલા શખ્સો તથા 'પલળેલા' ખાખીધારીઓ ઉપર પણ 'કામ' થાય છે કે નહીં તે આગામી દિવસોમાં ખબર પડશે.

પરવાનો બાયો ડિઝલનો, વેચવાનું બેઝ ઓઇલ અને લાવવાનું એડીબલ ઓઈલનાં ટેન્કરમાં

રસપ્રદ કહી શકાય એવા આ 'બેનામ' પેટ્રોલ પમ્પની એક એક વાત વિચિત્ર અને નવાઈ લાગે તેવી છે. દિવસનાં અજવાળામાં આ પમ્પ ઉપર ગાંધીધામથી આવતું બેઝ ઓઇલ ઠાલવવામાં આવતું હતું. જે એડીબલ ઓઇલ એટલે કે જેમાં ખાદ્ય તેલ લાવવાનું હોય તેમાં બેઝ ઓઇલ ભરીને લાવવામાં આવતું હતું. એટલે પરવાનો બાયો ડિઝાલનો અને વેચવાનું બેઝ ઓઇલ અને તે પણ એડીબલ ઓઈલનાં ટેન્કરમાં લાવીને. સુત્રોનું માનીએ તો પોલીસ અને તંત્રનાં અમુક પલળેલા કર્મચારી અને બાબુ આ વાત સારી રીતે જાણતા હતા. પરંતુ પમ્પ ઉપર લાગતી લાંબી લાઇનને લીધે વાત ભુજ એસપી કચેરી સુધી પહોંચતા કાર્યવાહી કરવામાં આવી હતી.