જયેશ શાહ (મેરાન્યુઝ. કચ્છ) : માતાના મઢ ખાતે વર્ષોથી કરવામાં આવતી ચામર-પત્રી વિધિ અંગે ભુજ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં આ વિધીનો એકમાત્ર અધિકાર કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાના પત્ની એવા પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે. તેઓ ઈચ્છે તો આ વિધિ જાતે કરી શકે પરંતુ તેઓ કોઈને અંગે નિયુક્ત કે આદેશ ન કરી શકે તેવો કોર્ટે હુકમ કર્યો છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં માત્ર ને માત્ર પ્રીતિદેવી ને જ આ અધિકાર આપવાની વાતને પગલે તેમના પછી કચ્છમાં પત્રી વિધિની પરંપરા જ સમાપ્ત થઈ જશે. જો કે કોર્ટના આ આદેશ સામે ઉપલી કોર્ટમાં અપીલ થાય તેવી પણ સંભાવના છે.
વર્ષ ૨૦૧૦માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેઓએ માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવી માં આસાપુરના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે. જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે. જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા સહિત તેમના નાના ભાઈ હનુવંતસિંહજી મદનસિંહજી જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જોરાવરસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.
Advertisement
 
 
 
 
 
આ સમયગાળા દરમિયાન કચ્છનાં રાજવી પરિવારનાં જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાનું અવસાન થયું હતું. જેને પગલે એમના પત્નિ પ્રીતિદેવીએ એકલાએ કોર્ટમાં આ કેસ સંદર્ભે અપીલ કરી હતી. પ્રીતિદેવીની એકલાની અપીલ ઉપરાંત જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમિયાન કુંવર તરીકે જેમની જાહેરાત કરી હતી તેવા ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજા સહિત તેરાના મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજા પણ આ મામલામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જોકે કોર્ટે ત્રણેયની અપીલ કાઢી કાઢી હતી. અને પ્રીતિદેવીને આજીવન ચામર પત્રી વિધિ માટેનો હક હોવાનો ચુકાદો આપ્યો હતો. ભુજનાં દસમાં અધિક જિલ્લા જજ રસિકકુમાર વી. મંડાણી દ્વારા આ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો. રાજવી પરિવારનાં હનુવંતસિંહજી જાડેજા વતી ભૂતપૂર્વ ડીજીપી યોગેશ ભાંડારકર દ્વારા કેસ સંદર્ભે દલીલ કરવામાં આવી હતી.
તો કુંવર માત્ર બિરુદ પૂરતા જ ?
કચ્છનાં રાજવી પરિવારને લઈને છેલ્લા કેટલાય સમયથી માધ્યમો સામસામે નોટિસ આપવામાં આવી રહી છે. દરમિયાન કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ નલિયાનાં ઇન્દ્રજીતસિંહ જુવાનસિંહ જાડેજાને કુંવર તરીકે નિયુક્ત કર્યા હોવાની જાહેરાતો મીડિયામાં ચમકી હતી. અને તેઓ પ્રાગમલજી સાથે અવાર-નવાર જાહેર પ્રસંગો દરમિયાન જોવા પણ મળતા હતા. જેને પગલે કચ્છનાં લોકોમાં એવી છાપ પડી હતી કે તેઓ પ્રાગમલજી ત્રીજાના વારસદાર છે. જો કે આ કેસ દરમિયાન કચ્છનાં રાજવી પરિવારનાં જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાનાં અવસાન બાદ પ્રીતિદેવીએ એકલાએ ચામર-પત્રી વિધિ અંગે અપીલ કરતા રાજવી પરિવાર ઉપરાંત કચ્છમાં આ વાત ચર્ચાનો વિષય બની હતી. અને પછી કુંવર બનેલા ઇન્દ્રજીતસિંહ અને અન્ય બે દ્વારા પક્ષકાર તરીકે સામેલ થયા હતા.