મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગાંધીનગરના સેક્ટર 10માં આવેલી ગુજરાત રાજ્ય વિકાસ નિગમની કચેરીમાં આજે ગુરુવારે સાંજે ગાંધીનગર એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ના અધિકારીઓએ દરોડો પાડીને જમીન વિકાસ નિગમના ભ્રષ્ટ અધિકારીઓને લાખો રૂપિયાની રોકડ સાથે રંગેહાથ ઝડપી લીધા છે. નિગમના જોઈન્ટ ડાયરેક્ટર સહિત અન્ય અધિકારીઓ પાસેથી કુલ રૂ. 56 લાખ ઝડપાયા છે.

એસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર જમીન વિકાસ નિગમના જમીન સંપાદન નિગમના જોઈન્ટ ડાયરેક્ટર કે સી પરમારના ટેબલના ડ્રોવરમાંથી રૂ.40 લાખ રોકડ મળી આવી છે. આ નાણાં ગણવા માટે કાઉન્ટીંગ મશીન પણ મંગાવવામાં આવ્યું છે. ગુજરાત એસીબીના ઈતિહાસમાં અધિકારીના ડ્રોવરમાંથી આટલી મોટી રકમ રોકડમાં મળી આવી હોય તેવો પ્રથમ કિસ્સો છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ડાયરેક્ટર, ફાઈનાન્સ કન્ટ્રોલર સહિતના 6થી 8 અધિકારીઓ પાસેથી કુલ રૂ. 17 લાખ મળી 56 લાખ રૂપિયા ઝડપાયા છે. જમીન વિકાસ નિગમના જોઈન્ટ ડાયરેક્ટર કે સી પરમાર પાસેથી રૂ. 40 લાખ પકડાયા બાદ અમદાવાદના ચાંદખેડા સ્થિત પરમેશ્વર બંગ્લોઝમાં દરોડાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે

જમીન વિકાસ નિગમના અધિકારી પાસેથી રૂ.40 લાખ રોકડ મળી આવ્યા બાદ અમદાવાદ એસીબીના અધિકારીઓ ગાંધીનગર દોડી આવ્યા હતા અને તપાસમાં જોડાઈ ગયા હતા. જમીન સંપાદન અધિકારી કે સી પરમાર પાસેથી રોકડ રૂ.40 લાખ મળી આવ્યા બાદ તેમના ઘરે તેમજ તેમના સગા સબંધીઓના ઘરે પણ દરોડો પાડવામાં આવશે. જમીન વિકાસ નિગમ કચેરીના અધિકારી લાખોની રકમ સાથે પકડાતા નિગમના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ગયા છે. હાલમાં દરોડાની કાર્યવાહી ચાલુ છે ત્યારે જમીન વિકાસ નિગમની કચેરીને પોલીસે કિલ્લે બંધીમાં ફેરવી દીધી છે. એસીબીના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ડી પી ચુડાસમાના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા કચ્છમાં ખેત તલાવડી મંજુર કરવાના કિસ્સામાં ફરિયાદ દાખલ થઈ હતી. તેના અનુસંધાને આ દરોડા કરવામાં આવ્યા છે. નિગમના અધિકારીઓ ખેત તલાવડી તેમજ બીજા કામોમાં સરકાર દ્વારા અપાતી સહાયમાં દસ ટકાથી માંડી ત્રીસ ટકા કમીશન લેતા હતા.