જયેશ શાહ (મેરાન્યૂઝ. કચ્છ): ભારતનાં કુળભુષણ જાધવની જેમ કચ્છનાં ઇસ્માઇલ નામનાં વ્યક્તિને જાસૂસીનાં આરોપમાં કેદ કરેલા પાકિસ્તાને આખરે તેને મુક્ત કર્યો છે. ઢોર ચરાવવાતા ભૂલથી કચ્છની બોર્ડર ક્રોસ કરી ગયેલા કચ્છનાં ભુજ તાલુકાનાં નાના દીનારા ગામનાં ઇસ્માઇલ સમા નામનાં વ્યક્તિને પાક રેંજરે બાર વર્ષ પહેલા ઓગસ્ટ,2008માં પકડી લીધો હતો.

ઇસ્માઇલ સામે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી વતી જાસૂસી કરવાના આરોપ અંગે  કેસ ચલાવવામાં આવ્યો હતો. અને વર્ષ 2011માં તેને પાંચ વર્ષની સજા સજા પણ કરવામાં આવી હતી. પરંતુ સજા કાપ્યા પછી પણ ઇસ્માઇલને મુક્ત કરવામાં આવ્યો ન હતો. એટલે ભારતીય વિદેશ મંત્રલાયે અંગે રજુઆત પણ કરી હતી. જેને પગલે પાકિસ્તાન ઉપર દબાણ આવતા છેવટે કચ્છનાં ઇસ્માઇલને મુક્ત કરવામાં આવ્યો છે. વિંગ કમાન્ડર અભિનંદનની જેમ તેને પણ પંજાબની વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કરવા દેવાયો છે.


 

 

 

 

 

ઇસ્માઈલને સમા લેવા માટે તેના પરિજનો હાલ વાઘા બોર્ડર ગયેલા  છે. ભારતીય એજન્સીઓ અને ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઇસ્માઇલને કચ્છ આવવાની અનુમતિ આપવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પાકિસ્તાન જેટલી જ ચકાસણી ભારતમાં

બાર વર્ષ સુધી પાકની જેલમાં રહેલા ઇસ્માઇલને સિંધ પ્રાંત સહિત અનેક જગ્યાએ ફેરવવામાં આવ્યો હતો. આઈએસઆઈથી માંડીને પાક આર્મી અને રેંજર્સ દ્વારા તેની ખૂબ જ આકરી કહી શકાય તેવી પૂછપરછ કરવામાં આવી હતી. બાર વર્ષ પાક જેલમાં રહેવાની કારણે ભારત પણ ઇસ્માઇલની બાબતે ચિંતિત છે. એટલે હાલમાં વાઘા બોર્ડરે તેની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. જેને પગલે ઇસ્માઇલને કચ્છ આવતા હજુ બે ત્રણ દિવસ લાગી શકે છે.