મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ભાજપના પુર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનપશાળી કેસના લાંબા સમયથી ફરાર આરોપી મનિષા અને તેના સાથી સુજીત ભાઉને ઉત્તર પ્રદેશથી ઝડપી લેવામાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની રેલવે પોલીસને સફળતા મળી છે. ચાલુ વર્ષે જયંતિ ભાનુશાળી કચ્છથી અમદાવાદમાં ટ્રેનમાં આવી રહ્યા હતા ત્યારે તેમને રેલવે કોચમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. રેલવે પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે મનિષા અને જયંતિ ભાનુશાળીને મિત્રતા હતી. જે પૈસાને કારણે દુશ્મનાવટમાં બદલાઈ હતી. જ્યારે આ કેસના બીજા સુત્રધાર ભાજપના પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ જયંતિના રાજકીય હરિફ હતા. આમ મનિષા અને છબીલ પટેલે જયંતિનો કાંટો કાઢી નાખવા માટે હાથ મીલાવ્યો હતો અને સાથે મળી મહારાષ્ટ્રના ભાડૂતી મારાઓ લાવી તેમની હત્યા કરાવી નાખી  હતી.

જયંતિ ભાનુશાળીની હત્યા કરતા પહેલા મનિષાએ કચ્છ છોડી દીધુ હતું અને છબીલ પટેલ પહેલા જ અમેરિકા જતા રહ્યા હતા. આમ તેમણે આ હત્યા સાથે કોઈ સંબંધ નથી તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ રેલવે પોલીસની તપાસમાં જે હકિકત સામે આવી તેમાં હત્યારાઓ હત્યાના બનાવ પહેલા છબીલ પટેલના ફાર્મમાં રોકાયા હતા. તેમજ હત્યારાઓ મનિષાના સંપર્કમાં હોવાનું પણ બહાર આવ્યુું હતું. આમ છબીલ પટેલ અને મનિષા તેમજ ભાડૂતી હત્યારા લાવનાર મનિષાના નવા મિત્ર સુજીત ભાઉને પોલીસ શોધી રહી હતી, ગુજરાત અને દેશમાં કરોડોની સંપત્તી ધરાવતા છબીલ પટેલને અંદાજ આવી ગયો કે જો કે ફરાર રહેશે તો પોલીસ તેની સંપત્તી ટાંચમાં લેશે એટલે માર્ચ મહિનામાં તે અમેરિકાથી પરત ફરતા પોલીસે એરપોર્ટ ઉપરથી તેમની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ કચ્છની જેલમાં છે.

જયારે આ ઘટના અન્ય બે સુત્રધાર મનિષા અને સુજીત ભાઉ પોલીસને થાપ આપી ભાગતા રહેવામાં સતત સફળ રહ્યા હતા. દરમિયાન રેલવે પોલીસને જાણકારી મળી હતી કે, તેઓ ઉ્ત્તર પ્રદેશમાં સંતાયા છે. જેના આધારે એક ટીમ છેલ્લાં એક સપ્તાહથી ઉત્તર પ્રદેશ જઈ વોચમાં હતી. જ્યારે ગત રાત્રે તેઓ ગુજરાત રેલવે પોલીસને હાથ લાગી ગયા હતા. સુત્રોની જાણકારી પ્રમાણે જયંતિ ભાનુશાળીએ મનિષાનો ઉપયોગ કરી અનેક નેતાઓ-અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની હનીટ્રેપ કરાવી હતી. જેના પૈસામાં જ જયંતિ અને મનિષાને વાંધો પડયો હતો. હવે જ્યારે મનિષા પકડાઈ ગઈ છે ત્યારે અને નેતાઓ-અધિકારીઓ અને ઉદ્યોગપતિઓના પગ નીચેથી જમીન સરકી રહી છે કયાંક મનિષા પોતાના નામનો ઉલ્લેખ કરે નહીં તેવો ડર તેમને સતાવી રહ્યો છે.