જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : કચ્છનાં ક્રીક એરિયામાંથી શનિવારે ચરસના વધુ ૧૩ પેકેટ મળી આવ્યા છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ની મરીન બટાલિયનની સર્ચ ઓપરેશન ટીમ દ્વારા શેખરાનપીર નામના વિસ્તારમાંથી આ પેકેટ મળી આવ્યા હતા. ગયા મહિને વીસમી તારીખે પશ્ચિમ પોલીસ દવારા ૧૬ પેકેટ પકડવાથી શરૂ થયેલા આ ઘટનાક્રમમાં અત્યાર સુધી ૧૭ દિવસમાં ચરસના કુલ ૬૨ મળી આવ્યા છે. પેકેટ પકડાયાની આ પાંચમી ઘટનામાં એક વખત નેવલ ઇન્ટેલિજન્સને પણ સફળતા મળી ચુકી છે.

કચ્છનાં દરિયાઈ વિસ્તારમાંથી ચરસ મળવાની ઘટનાને પગલે સીમા સુરક્ષા દળ દ્વારા ક્રીક એરિયામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતું. શનિવારે બીએસએફની મરીન યુનિટની ટીમ   શેખરાનપીર એરિયામાં તલાશી અભિયાન કરી રહી હતી ત્યારે 13  પેકેટ ચરસના મળ્યા હતા. અગાઉની જેમ આ પેકેટ પણ અવાવરું સ્થિતિમાં પ્લાસ્ટિકમાં લપેટાયેલા મળ્યા હતા. શનિવારે મળેલા 13 પેકેટ સાથે અત્યાર સુધી કચ્છનાં દરિયાઈ વિસ્તારમાંથી મળેલા પેકેટની સંખ્યા 62ની થઈ છે. જેની કિંમત આશરે દોઢેક કારોડને આંબી જાય છે.

17 દિવસમાં 62 પેકેટ આ રીતે મળ્યા

(૧) માછીમારી કરી રહેલા સોર્સ મારફતે મળેલી ટિપ્સને આધારે પશ્ચિમ કચ્છ પોલીસે શેખરાનપીર વિસ્તારમાંથી ૨૦ મે નાં રોજ 24 લાખની કિંમતના 16 પેકેટ ઝડપ્યા હતા. પોલીસની આ કાર્યવાહી બાદ કચ્છ સ્થિત સુરક્ષા દળો તેમજ ઇન્ટેલિજન્સ એજન્સીઓ હરકતમાં આવી હતી. 

(૨) પોલીસે ક્રીક એરિયામાંથી ચરસ પકડતા BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા કોટેશ્વર સ્થિત યુનિટને 22મી મેં ના રોજ મોટા પીર પાસેથી એક પેકેટ ચરસ મળ્યું હતું.

(૩) કચ્છમાં પંદરથી વધુ એજન્સીઓ કાર્યરત છે. તેમાં નેવલ ઇન્ટેલ એજન્સી ભાગ્યેજ પ્રકાશમાં આવે છે. ચરસના આ ઘટનાક્રમમાં પોલીસ અને બીએસએફ પછી અચાનક નેવલ ઇન્ટેલિજન્સ ચિત્રમાં આવે છે. અને તેમને કોટેશ્વર ક્રીક એરિયામાંથી પહેલી જૂનના રોજ 19 પેકેટ મળે છે. જેની પોલીસમાં ફરિયાદ થાય છે અને તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ને સોંપવામાં આવે છે.

(૪) હજુ પેકેટ પકડાવાનાં ઘટનાક્રમમાં તપાસ ચાલુ છે ત્યાં જ બીએસએફને બીજી જુનનાં રોજ 13 પેકેટ મળે છે.

(૫) મામલો ગંભીર બને છે. ગાંધીનગરથી દિલ્હી સુધી આ મામલો ચર્ચામાં આવે છે. દરમિયાન સીમા સુરક્ષા દળની મરીન યુનિટને શનિવારે જયાંથી સૌ પ્રથમ ચરસ મળ્યું હતું ત્યાંથી જ 13 પેકેટ મળે છે. આમ માત્ર 17 દિવસમાં પાંચ જુદી જુદી ઘટનમાં અલગ અલગ એજન્સીને કુલ 62 પેકેટ મળી આવે છે.

સવારે એસપી જખૌ ગયા અને બપોરે BSFને ચરસ મળ્યું

યોગાનુયોગ કહો કે ગમે તે પરંતુ શનિવારે પશ્ચિમ કચ્છનાં એસપી સૌરભ તોલંબિયા એસઓજી તથા એલસીબી સાથે જખૌ જાય છે. અને બપોરે બીએસએફને ક્રિકમાંથી ચરસ મળે છે. બન્ને ઘટનાને આમ જોવા જઈએ તો સીધો કોઈ સંબંધ નથી. પરંતુ જયારે પોલીસે સૌ પ્રથમ વખત વીસમી તારીખે ચરસ પકડ્યું હતું ત્યારે બીએસએફના અશિકારીઓને પણ ખબર ન હતી કે પોલીસ દ્વારા તેમનાં એરિયામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. આમ પ્રથમ દ્રષ્ટિએ સરળ લાગતા આ ઘટનાક્રમ કોઈ ભેદી વાત હોવાનું બોર્ડર સિક્યોરિટી સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.