જયેશ શાહ (મેરાન્યુઝ. કચ્છ) : કાશ્મીર અને ચીન સાથેના તંગ વાતાવરણ વચ્ચે ભારત અને પાકિસ્તાનની બોર્ડર ઉપર હાઇએલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે ગુજરાતમાં જયાં સૌથી વધુ સીમા વિસ્તાર આવેલો છે તેવા સરહદી જિલ્લા કચ્છમાં બોર્ડર ઉપર હાઈ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. હાઈએલર્ટને પગલે બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)નાં જવાનોને હેડક્વાર્ટરથી ખસેડીને સીમા ઉપર વધુ સંખ્યામાં તૈનાત કરવાની પણ સૂચના આપવામાં આવી છે. 

સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, કચ્છની ઇન્ડો પાક બોર્ડર ઉપર હાઈએલર્ટને પગલે રણ તેમજ ક્રિકમાં બીએસએફ દ્વારા જાપતો વધારી દેવામાં આવ્યો છે. સૂત્રોએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, એલર્ટને પગલે બીએસએફનાં અધિકારીઓ અને જવાનોની રજાઓ પણ રદ્દ કરવામાં આવી છે. તાજેતરમાં કાશ્મીરમાં બોર્ડર પારથી આવતા ડ્રોન તેમજ આંતકી ઘટનાઓ અને ચીન સાથે લડાખ સહિતની બોર્ડર ઉપર ચાલી રહેલા તંગ વાતાવરણ વચ્ચે બોર્ડર ઉપર આપવામાં આવ્યું હાઈ એલર્ટ સૂચક છે.

આ અંગે ગુજરાતનાં સીમા સુરક્ષા દળના વડા એવા બીએસએફ ફ્રન્ટીયારનાં આઈજી જી.એસ.મલિકે કહ્યું કે, આ એક રૂટિન એલર્ટની પ્રક્રિયા છે. દર વખતે 15મી ઓગસ્ટ પહેલા આ પ્રકારનું એલર્ટ આપવામાં આવતું જ હોય છે.

Advertisement


 

 

 

 

 

ભારતીય સેનાનાં છ જવાનને BSFએ ક્રીકમાં ડૂબતા બચાવ્યા

હાઇએલર્ટ વચ્ચે કચ્છ સીમાએ બીએસએફ ઉપરાંત ઇન્ડિયન આર્મી તૈનાત છે તેવામાં એક દુર્ઘટના બની હતી. જેમાં ભારતીય સેનાનાં છ જવાનને સીમા સુરક્ષા દળના જવાનોએ જીવના જોખમે બચાવ્યા હતા. ઘટના અંગે બીએસએફના આઈજી જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, આ બનાવ ગઈકાલે રવિવારે કચ્છની કોરી ક્રીકમાં બન્યો હતો. આર્મીના છ જવાનો સેનાને આપવામાં આવેલી નવી બોટને લઈને ક્રીકમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોટ ઊંઘી વળી ગઈ હતી. જેમાં એક જવાનના પેટમાં પાણી ભરાઈ જતા તેની સ્થિતિ ગંભીર હતી. પરંતુ સીમા સુરક્ષા દળની ટીમને આ ઘટના અંગે ખબર પડતાં ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને સેનાનાં જવાનોને બચાવી લેવામાં આવ્યા હતા.