પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાત પોલીસના કેટલાક લેભાગું પોલીસવાળાઓ સામાન્ય લોકોને ખાખીનો રુઆબ બતાવી લૂંટી લેતા હોવાની ફરિયાદ આમ બની ગઈ છે, પરંતુ નેપાળના એક સરકારી અધિકારી પોતાની ભારત મુલાકાત વખતે ગત મહિને સોમનાથના દર્શને જઈ રહ્યા હતા ત્યારે ચેકિંગના બહાને ત્રણ પોલીસ કોન્સ્ટેબલએ તેમના રૂપિયા લૂંટી લીધા હતા. આ મામલો ડીજીપી શિવાનંદ ઝાના ધ્યાને આવતા તે ત્રણેય કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

૧૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ નેપાળ સરકારમાં ફરજ બજાવતા એક અધિકારી સોમનાથના દર્શને ટ્રેન મારફતે અમદાવાદથી સોમનાથ જવા નિકળ્યા હતા. આ દરમિયાન મોડી રાત્રે સુરેન્દ્રનગર પાસે રેલવે પોલીસના ત્રણ કોન્સ્ટેબલએ ચેકિંગના બહાને નેપાળના આ સરકારી અધિકારીની જડતી લીધી હતી અને તેમની પાસે રહેલી રોકડ રકમમાંથી દસ હજાર રૂપિયા લૂંટી લીધા હતા.

ખુદ પોલીસ જ જ્યારે લૂંટારુ બને તે આઘાત સહન નહીં કરી શકનાર નેપાળના આ અધિકારીએ ડીજીપી શિવાનંદ ઝાને પોતાની સાથે થયેલી ઘટનાની જાણકારી આપી હતી. જેના પગલે સુરેન્દ્રનગર પોલીસ હરકતમાં આવી હતી અને તેમણે નેપાળના અધિકારીને લૂંટી લેનાર ત્રણ કોન્સ્ટેબલને શોધી કાઢ્યા હતા. નેપાળના અધિકારીએ પણ પોતાને લૂંટી લેનાર કોન્સટેબલ્સને ઓળખી લીધા પછી કોન્સ્ટેબલ્સે તેમને દસ હજાર રૂપિયા પરત આપ્યા હતા. પોતે નેપાળ સરકારના અધિકારી હોવાના કારણે તેમને ભારત પરત આવવું સંભવ નહીં બને તેવા કારણસર તેમણે ફરિયાદ આપી ન હતી.

જોકે આ મામલે રેલવે ડીઆઈજી ગૌતમ પરમારે કરેલી તપાસમાં નેપાળના અધિકારીની રજૂઆતને સમર્થન આપતી અનેક બાબતો હાથ લાગી હતી. જેના આધારે સરકાર તરફથી ગુનો દાખલ કરી ત્રણ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવેમાં મુસાફરી કરનાર મુસાફરોને વિવિધ પ્રકારની ધમકીઓ આપીને પોલીસ દ્વારા લૂંટી લેવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો મળી રહી છે, પરંતુ આ મામલે કોઈ ફરિયાદ આપતું નથી જેનો લાભ પણ લેભાગુ પોલીસ કર્મચારીઓ ઉઠાવતા હોય છે. આ ઘટના પછી રેલવે પોલીસ દ્વારા આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તી કરનાર ૨૫ કરતાં વધુ પોલીસ કોન્સ્ટેબલ્સને જિલ્લાની બહાર બદલી આપવામાં આવી છે.