જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ): ગઈકાલ સુધી ગુજરાતમાંથી શ્રમિકોનું પલાયન અટકાવતી ગુજરાત સરકાર આજે શનિવારે રાત સુધીમાં તેમને વતનમાં મોકલવા તૈયાર થઈ ગઈ છે. સુત્રોનાં જણાવ્યા સીએમઓ દ્વારા એકાદ કલાક પહેલા જ રાજ્યનાં તમામ કલેક્ટરને તેમના જિલ્લામાં રહેલા ગુજરાતનાં અન્ય જિલ્લાનાં તથા પરપ્રાંતિય મજૂરોનું લિસ્ટ તૈયાર કરાવીને એસટી અથવા અન્ય ખાનગી બસમાં બેસાડીને રવાના કરવાની તૈયારી કરી રહી છે. આ અંગે તમામ કલેક્ટર દ્વારા તેમના પ્રાંત અધિકારીઓને આદેશ પણ કરવામાં આવ્યો છે. સરકારનાં આ ઓચિંતા યુ ટર્ન પાછળ એક વાત એવી પણ ચર્ચાઈ રહી છે કે, લોકડાઉનનો સમય 21 દિવસથી આગળ વધી શકે છે. આવી સ્થિતિમાં આજ રાત પૂરતી આ છૂટ આપવામાં આવી છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ગઈકાલે જે પ્રાંત અધિકારીઓ તથા પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાંથી પલાયન કરી રહેલા શ્રમિકોને રોકવામાં આવ્યા હતા તે ઓફિસર્સ દ્વારા જ હવે આવા લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમને આજ રાત સુધીમાં એસટી અથવા તો અન્ય કોઈ ખાનગી વાહનમાં તેમને વતનમાં મોકલવામાં આવશે. આ જો કે આ અંગે કોઈ અધિકારી સત્તાવાર વાત કરવા તૈયાર નથી. બીજી બાજુ કચ્છનાં કલેક્ટર પ્રવીણા ડી. કે. દ્વારા મજૂરોને ખસેડવા અંગેની વાતથી સાફ ઇનકાર કર્યો હતો. સરકાર દ્વારા માત્ર સર્વે કરવાના આશયથી આ પ્રકારની માહિતી માંગવામાં આવી રહી હોવાનું વધુમાં જણાવ્યું હતું.

અન્ય રાજ્ય સ્વીકારશે નહીં તો ?

ગુજરાતમાં જ રહેતા મજૂરોને માઈગ્રેટ કરવામાં કોઈ તકલીફ પડશે નહીં. પરંતુ જે મજૂરો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે યુપી જેવા રાજ્યનાં હશે તેમને ગુજરાતની બોર્ડર ઉપર છોડી દેવામાં આવશે તેમ એક ઉચ્ચ સરકારી અધિકારીએ જણાવ્યું હતું. આવા સંજોગોમાં જો અન્ય રાજ્ય તેમને તેમની સીમામાં દાખલ થવા દેશે કે જેમ તે એક મોટો પ્રશ્ન છે. જો આવું થશે તો આજે મધરાતથી રાજ્યની બોર્ડર ઉપર અરાજકતા જેવી પણ સ્થિતિ પણ સર્જાઈ શકે છે તેમ આ અધિકારી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.