મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના બહુ ચર્ચીત બિટકોઈન કેસમાં સીબીઆઈ દિલ્હીની એન્ટી કરપ્સન બ્રાન્ચ દ્વારા અગાઉ ગાંધીનગરમાં ઈન્સપેકટર તરીકે ફરજ બજાવતા ઈન્સપેકટર સુનીલ નાયર સામે રૂપિયા પાંચ કરોડની ખંડણી લેવાનો ગુનો નોંધ્યો છે. સીબીઆઈએ આ કેસમાં મધ્યસ્થી કરનાર કિરીટ પાલડિયાને પણ આરોપી બનાવ્યો છે. આ ઘટના ગત વર્ષે ફેબ્રુઆરી 2018માં ઘટી હતી જેમાં સુતના બીલ્ડર શૈલેષ ભટ્ટ પાસે આવેલી બિટકોઈનની રકમ અંગે એન્ફોર્સમેન્ટ અને ઈન્કમટેકસ વિભાગને જાણ નહીં રવાની ધમકી આપી બે તબક્કે 4.60 કરોડ રૂપિયા લીધાનું હોવાની સીબીઆઈની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા પછી આ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગુજરાતના બહુ ચર્ચીત બિટકોઈન કેસમાં ફેબ્રુઆરી 2018માં સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને સીબીઆઈના ગાંધીનગર સ્થિત ઈન્સપેકટર સુનીલ નાયર દ્વારા ગાંધીનગર બોલાવી કાળા નાણાનું બિટકોઈનમાં રોકાણ કરવામાં આવ્યુ છે તેવી ધમકી આપી આ મામલે ઈડી અને આઈટીને સામેલ કરવાની ધમકી આપવામાં આવી હતી આ કેસમાં જો બચવુ હોય તો પાંચ કરોડ આપવા પડશે તેવી માગણી કરવામાં આવી હતી, ખરેખર સીબીઆઈના ઈન્સપેકટર સુનીલ નાયર અને શૈલેષ ભટ્ટના નજીકના મિત્ર કીરીટ પાલડિયાએ સાથે મળી કાવત્રુ ઘડી શૈલેષ ભટ્ટને ડરાવી પૈસા પડાવ્યા હતા.

આ ઘટના બાદ શૈલેષ ભટ્ટનું અમરેલી પોલીસ દ્વારા અપહરણ કરી રૂપિયા 14 કરોડના બિટકોઈન પડાવી લેવામાં આવ્યા હતા,, આમ બે બે એજન્સીઓ દ્વારા લૂંટી લેવામાં આવતા આખરે શૈલેષ ભટ્ટે આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરતા સીઆઈડી ક્રાઈમ દ્વારા અમરેલીના એસપી જગદીશ પટેલ અને ઈન્સપેકટર અનંત પટેલ સહિત આ પ્રકરણમાં સામેલ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી, પરંતુ આ તપાસ આગળ ચાલતા નવો ઘટસ્ફોટ થયો હતો જેમાં શૈલેષ ભટ્ટે સુરતના ધવલ માવાણીને ઈન્કમટેકસ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી 150 કરોડ લૂંટી લીધા હતા, આ ફરિયાદ બાદ શૈલેષ ભટ્ટ ફરાર થઈ ગયા હતા.

જ્યારે આ મામલે ગુજરાત સીઆઈડી ક્રાઈમ સામે જે પુરાવા આવ્યા તે મામલે સીઆઈડી ક્રાઈમે સીબીઆઈ ઈન્સપેકટર સુનિલ નાયર અંગે સીબીઆઈને રીપોર્ટ કર્યો હતો જેના આધારે તુરંત સુનિલ નાયરની ગાંધીનગરથી શીલોંગ ખાતે બદલી કરી દેવામાં આવી હતી, આ મામલે દિલ્હીની સીબીઆઈની એન્ટી કરપ્સન વીંગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક તપાસમાં શૈલેષ ભટ્ટ દ્વારા કરાયેલા આરોપો અને સીઆઈડી ક્રાઈમે આપેલા પુરાવાને ધ્યાનમાં લેતા સુનીલ નાયર અને કિરીટ પાલડિયા દોષીત હોવાનું ફલીત થયુ હતું જેના આધારે સીબીઆઈએ પોતાના ઈન્સપેકટર નાયર અને વચેટીયા પાલડિયા સામે ગુનો નોંધ્યો છે. આમ બીટ કોઈન કેસમાં સતત નાટકીય વળાંક આવ્યા કરે છે.