જયેશ શાહ (મેરાન્યુઝ. કચ્છ) : કોરોના માટેનું ઇન્જેક્શન રેમડેસિવિર આપવાનો ગુજરાત ભાજપનાં અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલનો વિવાદ હજુ શમ્યો પણ ત્યાં કચ્છમાં પણ 'પાટીલવાળી' થવા જઈ રહી છે. કચ્છ ભાજપના યુવા મોરચાના એક અતિ ઉત્સાહી કાર્યકરે કોરોના માટેની રસી આપવાની વાતે વહીવટી તંત્ર ઉપરાંત ભાજપમાં પણ ખળભળાટ મચી ગયો છે. રવિવારે આયોજિત કરવામાં આવેલા વેકસીનેશનના આ કેમ્પ રજિસ્ટ્રેશન માટે બાકાયદા એક મોબાઇલ નમ્બર પણ આપવામાં આવ્યો છે.

ભારતીય જનતા યુવા મોરચા કચ્છના મંત્રી મીત કાંતિલાલભાઈ ઠક્કર દ્વારા આ વેક્સીન કેમ્પની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 18 કે તેથી વધુ ઉંમરના લોકોને રવિવારે સવારે 9:30 વાગ્યાથી કોરોના માટેની રસી આપવામાં આવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ માટે સી.આર.પાટીલની રેમડેસિવિર ઈન્જેક્સન મોડેસ ઓપરેન્ડી જેમ વેક્સીન કેમ્પમાં રજિસ્ટ્રેશન કરવા માટે 98794 36877 નંબરનો મોબાઈલ પણ દર્શાવવાવમાં આવ્યો છે અને એ પણ ભુજ કોલેજ રોડ ઉપર આવેલા હોન્ડાના શો રૂમમાં આ કેમ્પનું આયોજન કરવાની વાત પણ કરવામાં આવી છે. 


 

 

 

 

 

એક તરફ સરકાર તરફથી છેલ્લા કેટલાક દિવસથી સતત જાહેરાત થઈ રહી છે કે, 18 પ્લસ વાળી વ્યક્તિઓ માટે www.cowin.gov.in વેબસાઈટ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે ત્યારે કેન્દ્ર સરકારની સમાંતર કહી શકાય તેવા આ કૃત્યને કોણે મંજૂરી આપી તે એક મોટો પ્રશ્ન છે. કારણ જે સરકારી વેબસાઈટ, એપ્લીકેશન્સમાં કે રૂબરુ આધિકારીક હોસ્પિટલ કે સેન્ટર પર રજિસ્ટ્રેશન કર્યા વિના રસી આપવાની શક્ય જ નથી. તેવામાં એક ખાનગી મોબાઈલ નમ્બર ઉપર કેવી રીતે રજિસ્ટ્રેશન થઈ શકે તે શંકા ઉપજાવે તેમ છે. ભાજપનાં પાટીલ દ્વારા ઇન્જેક્શન આપવાને મામલે રાજ્ય સરકાર ભીંસમાં મુકાઈ ગઈ છે અને આ મામલે હાઇકોર્ટમાં રિટ પણ કરવામાં આવી છે તેવામાં કચ્છમાં આ પ્રકારે સરકારની સમાંતર કોરાના રસી કેમ્પનો મામલો આગામી દિવસોમાં વિવાદ સર્જી શકે છે. 

આ મામલે કચ્છનાં ઇન્ચાર્જ કલેક્ટર એવા ડીડીઓ ભવ્ય વર્માનો સંપર્ક કરતા તેમણે આવી કોઈ બાબત ધ્યાનમાં ન હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તંત્ર દ્વારા આવી કોઈ મંજૂરી આપવામાં આવી નથી. હાલમાં માત્ર સરકારી હેલ્થ સેન્ટર ઉપર જ રસી આપવાની વાત છે. 

બીજી બાજુ કચ્છ ભાજપનાં અધ્યક્ષ કેશુભાઈ પટેલે આ પ્રકારનાં કેમ્પ આયોજનની વાતનો સ્વીકાર કર્યો હતો. તેમને કહ્યું કે, લોકોમાં જાગૃતિ લાવવા માટેનો આ પ્રયાસ છે. રસીનો હાલ જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે કેમ્પ હાલ મુલતવી કરવામાં આવ્યો હોવાનું તેમને ઉમેર્યું હતું. જો કે તેમણે એમ પણ કહ્યું જે રસી તો તંત્ર જ આપશે અમે તો ખાલી પ્રચાર પ્રસાર અને લોકોમાં જાગૃતિ આવે તેના માટે કાર્ય કરી રહ્યા છે.


 

 

 

 

 

સરકાર-તંત્રની સમાંતર ચાલતી આવી પ્રવૃત્તિ ઘાતક

ઇન્જેક્શનની વાત હતી ત્યારે સરકાર અને ભાજપનાં સંગઠનમાં તાલમેલ નથી અને એક સમાંતર વ્યવસ્થા તંત્ર ચાલતું હોવાની વાતે જબરો વિવાદ થયો હતો. ખુદ સીએમ વિજયભાઈ રૂપાણી પણ આ અંગે નારાજ હોય તેવી તેમની બોડી લેન્ગવેજ હતી. 'પૂછો સીઆર ને' કહેવાને પગલે તેઓ ટીકાનો પણ ભોગ બન્યા હતા. તેવામાં ચંદ્રકાન્ત પાટીલનાં ભાજપનાં સંગઠનના નેજા હેઠળ કચ્છમાં પણ આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ થઈ છે. જેને લઈને આગામી દિવસોમાં ભાજપ અને લોકોમાં આ મામલે ઘેરા પ્રત્યાઘાત પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ MeraNews.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.