જયેશ શાહ (મેરાન્યૂઝ.કચ્છ) : ભારતની પશ્ચિમી કમાન્ડનાં મહત્વપૂર્ણ એવા ભુજનાં ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન ઉપર હુમલો થાય છે. અને ત્યાર પછી ભારત તેનો કેવો જડબાતોડ જવાબ આપે છે તે અંગેની યુદ્ધ કવાયત કચ્છનાં દરિયાઈ વિસ્તારમાં યોજાઈ હતી. કચ્છના ક્રીક એરિયામાં કદાચ પ્રથમ વખત થયેલી આ હાઈટેક વોર મોક ડ્રિલમાં ઇન્ડિયન ડિફેન્સની ત્રણેય પાંખો આર્મી, નેવી અને એરફોર્સ ઉપરાંત ઇન્ડિયન કોસ્ટગાર્ડ સહિત બીએસએફ અને સ્થાનિક પોલીસે પણ યુદ્ધ થાય તો કેવી રીતે તાલમેલ રાખીને દુશ્મન દેશને ધૂળ ચાટતો કરી દેવામાં આવશે તેનું પ્રદર્શન કર્યું હતું. એરફોર્સનાં ફાઇટર પ્લેન, ચોપરની સાથે સાથે સ્પેશિયલ કમાન્ડો ફોર્સ, સ્પીડબોટ અને બૉમ્બ બ્લાસ્ટને પગલે કચ્છનાં ક્રીક વિસ્તારમાં જાણે આબેહૂબ યુદ્ધ ખેલાઈ રહ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતી.
Advertisement
 
 
 
 
 
ભારત ઉપર દુશ્મન દેશ દ્વારા હુમલો કરવામાં આવે તો તેને કેવી રીતે વળતો જવાબ આપવો તે માટે છેલ્લા કેટલાય દિવસથી રાજસ્થાન અને ગુજરાતમાં યુદ્ધ કવાયત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાતનાં બોર્ડર ડિસ્ટ્રીકટ કચ્છમાં પણ 'સાગર શક્તિ' વોર મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ત્રીજા દિવસે સોમવારે સવારે ક્રીક એરિયામાં ભારતીય સુરક્ષા દળો અને એજન્સીઓને એક જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભુજ એરફોર્સ સ્ટેશન ઉપર થયેલા હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. દુશ્મન દેશને દરિયાઈ વિસ્તારમાં ભારતીય સેના અને નેવીના મારકોસ કમાન્ડો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ જોઈન્ટ એટેકમાં જયાં એક તરફ ભારતીય વાયુ સેનાનાં ફાઇટર પ્લેન અને હેલિકોપ્ટર આકાશથી ઘેરી લઈને હુમલો કરે છે ત્યારે બીએસએફની ફ્લોટિંગ બોટમાં આવેલા મરીન કમાન્ડો ક્રીકમાં દુશ્મન દેશના સૈનિકોને પડકારે છે. ક્રિકમાં ખેલાયેલા આ સંયુક્ત યુદ્ધમાં ભારતીય તટરક્ષક દળ અને ભારતીય નૌસેનાનાં યુદ્ધ જહાજો ભાગતા હુમલાખોરોને કોર્ડન કરીને પડકારે છે.
આકાશ, ધરતી અને દરિયામાંથી પડકાર ફેંકતા ભારતીય સુરક્ષા દળોનાં જવામર્દ જવાબને જોઈને દરેક ભરતીયની છાતી ગજ ગજ ફૂલે તેવો આ મોકડ્રિલનો નજારો હતો. આ યુદ્ધ કવાયતમાં ઇન્ડિયન આર્મીની સધર્ન કમાન્ડના લેફ્ટેનન્ટ જનરલ પી.એસ.મીનહાસ સહિત બોર્ડર રેન્જનાં ઇન્સ્પેક્ટર જનરલ (આઈજી) જશવંત મોથાલીયા, સાઉથ વેસ્ટ એર કમાન્ડ (સ્વાક)નાં એર કોમોડોર નાગેશ કપૂર, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના કમાન્ડર કે.આર.દિપક, બોર્ડર સિક્યોરિટી ફોર્સની ઇન્ટેલિજન્સ 'જી'બ્રાન્ચ ફ્રનટીયરનાં ડીઆઈજી એમ. એલ.ગર્ગ, કચ્છ બીએસએફ સેક્ટરનાં ડીઆઈજી સંજય શ્રીવાસ્તવ, કચ્છમાં તૈનાત આર્મીના બ્રિગેડ કમાન્ડના સેનાપતિ સુધાનશુ શર્મા સહિત પશ્ચિમ કચ્છ પોલીસનાં એસપી સૌરભસિંઘ અને અન્ય ઇન્ટેલિજન્સ અને સુરક્ષા દળના ઉચ્ચ અધિકારીઓ આ જોઈન્ટ ઓપરેશન ડ્રિલને સફળ બનાવી હતી.
Advertisement
 
 
 
 
 
COR (કોર) મિટિંગમાં થયું હતું હુમલાનું પ્લાનિંગ
ભારત દ્વારા કોઈપણ હુમલાને પહોંચી વળવા માટે છેલ્લા કેટલાય સમયથી થિયેટર કમાન્ડનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. થિયેટર કમાન્ડ ડિફેન્સની તમામ પાંખો દ્વારા કેવી રીતે સંકલન કરીને હુમલો કરી શકાય તેવું આયોજન કરવામાં આવે છે. થિયેટર કમાન્ડ પહેલા કચ્છ જેવા બોર્ડર ડિસ્ટ્રીકટમાં સેન્ટ્રલ ઓપરેશન રૂમ (Central Operation Room-COR) મિટિંગમાં હુમલા સહિત ઇન્ટેલિજન્સ શેરિંગ કરવામાં આવે છે. સોમવારે ક્રિકમાં કરવામાં આવેલી જોઈન્ટ વોર મોક ડ્રિલ અંગે પણ ભુજ આર્મી સ્ટેશન ખાતે COR મિટિંગમાં આ યુદ્ધ કવાયતનું પ્લાનિંગ થયું હતું. જેને બે દિવસ બાદ સોમવારે ક્રીક એરિયામાં અંજામ આપવામાં આવ્યું હતું.