જય અમિન (મેરાન્યૂઝ.મોડાસા): શનિવારે અરવલ્લી જીલ્લામાં યમદૂતે પડાવ નાખ્યો હોય તેમ ત્રણ ગમખ્વાર અક્સમાતની ઘટનામાં ૫ થી વધુ લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી બસ સ્ટેન્ડ નજીક કેબીન બનાવી ધંધો કરતા ધંધાર્થીઓ અને રાહદારીઓ માટે શનિવારની સાંજ ગોઝારી નીવડી હતી. રાજસ્થાન તરફથી આવતું ૧૬ ટાયર વાળું ટ્રક-કન્ટેનરનું ટાયર ફાટતા શામળાજી બસ સ્ટેન્ડ નજીક પલટી જતા હાઈવે નજીક આવેલ ૬ જેટલા કેબીન અને દુકાનો પર ફરી વળતા દબાઈ જતા કેબીન ધારકો અને રાહદારીઓ દટાતા ભારે ચકચાર મચી હતી. સ્થાનિકોએ 2 મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ ક્રેનના અભાવે ટ્રક-કન્ટેનર હટાવવાનું મુશ્કેલ હોવાથી નિઃસહાય બન્યા હતા. મોડાસાથી ક્રેન બોલાવવા તજવીજ હાથધરી હતી. અકસ્માતના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.

શામળાજી બસસ્ટેન્ડ નજીક રાજસ્થાન તરફથી પુરઝડપે આવતું ૧૬ ટાયર વાળા ટ્રક-કન્ટેનરનું ટાયર ફાટતા ચાલકે ટ્રક-કન્ટેનર પરથી કાબુ ગુમાવતા ભારે ભરખમ કન્ટેનર પલ્ટી ખાઈ રોડ નજીક આવેલ કેબીન (દુકાનો) પર ખાબકતા કેબીન દટાતા જોરદાર ધડાકો અને પછી કાળજા ચીરી નાખે તેવી વેદનાસભર ચિચારીઓ થતા સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો હતો.

ધડાકાભેર અવાજ સાંભળી દોડી ગયેલા લોકોના પણ વેદનાસભર ચિચારીઓ પણ બંધ થઇ જતા શ્વાસ થંભી ગયા હતા. સ્થાનિકોએ ટ્રક-કન્ટેનર નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા ભારે જહેમત આદરતા 2 મૃતદેહ હાથલાગતાં સ્થાનિકો શોક્ગ્રસ્ત બન્યા હતા. ૬ જેટલી કેબીન અને અન્ય રાહદારીઓ પણ દટાયા હોવાની અને મૃત્યુ આંક વધે તેવી આશંકા સ્થાનિકોએ દર્શાવી હતી. શામળાજી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટ્રક-કન્ટેનર હેવી હોવાથી હટાવવું મુશ્કેલ જણાતા મોડાસાથી ક્રેન બોલાવવાની ફરજ પડી હતી. અકસ્માતના પગલે ટ્રાફિકજામ સર્જાતા ૨ કલાકથી વધુનો સમય થવા છતાં ક્રેન ન પહોંચતા સ્થાનિકોએ આક્રોશ સાથે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

મોડાસામાં નજીક હીટ એન્ડ રનની ઘટના: કારે બે બાઈકને અડફેટે લેતા એકનું મોત 

અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે. મોડાસાના નહેરુંકંપા પાસે હીટ એન્ડ રનની ઘટનામાં કારચાલકે બે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. અન્ય એક ગમખ્વાર અકસ્માત કોલીખડ પાસે સર્જાયો હતો. જેમાં કાર અને પીકઅપ ડાલુ સામસામે ભટકતા કાર સવારનું ઘટનાસ્થળે મોત નિપજતા હાહાકાર મચ્યો હતો. બે જુદા-જુદા અકસ્માતમાં બે લોકોના મોત નિપજતા મોડાસા રૂરલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ , મોડાસા-હિંમતનગર રોડ પર આવેલા નહેરુપુરા કંપા નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં આઈ-૨૦ કારના ચાલકે બે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર એક શખ્શનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી ગઢા ગામના મંગાભાઇ કોદરભાઈ રાવળ તેમની બાઈક લઈ મોડાસાથી તેમના ઘર તરફ પરત ફરી રહ્યા હતા    મોડાસા તરફથી આઈ-૨૦ કારના ચાલકે તેમની બાઈકને પાછળ થી ટક્કર મારી અન્ય બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાતા મંગાભાઇ રાવળના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અન્ય બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે મૃતકના સગા-સંબંધીઓ દોડી આવી આક્રંદ કરી મૂક્યું હતું અકસ્માતના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શનિવારે સાંજના સુમારે મોડાસા નજીક અમદાવાદ-મોડાસા રોડ પર કોલીખાડ ગામ નજીક કોલીખડ પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો પીકઅપ જીપ ડાલું અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ખંભાતના કારમાં પસાર થતા પરિવારના સદસ્યને અકસ્માતમાં  મોત નીપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જયારે કારમાં સવાર અન્ય ત્રણ વેક્તિ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા મોડાસા પોલીસે ડાલાના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.