પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમરેલી): ગુજરાતની દારુબંધી કાગળ પર જ રહી તેનું મુખ્ય કારણ ગુજરાતના રાજકારણીઓની દાનત અને આઈપીએસ અધિકારીઓની નરમાશમાં રહેલી છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં એસપી તરીકે નિર્લિપ્ત રાયની નિયુક્તિ પછી રાજકારણીઓ ભલે આકરા પાણીએ થયા છે પરંતુ પ્રજા ખુશ છે. અમરેલી પોલીસમાં ફરજ બજાવતા ત્રણ વગદાર પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર્સ સાથે સંકળાયેલા છે તેવી માહિતીને આધારે શરૂ થયેલી તપાસને અંતે ત્રણેય કોન્સટેબલ્સ વિરુદ્ધ મળેલા પુરાવાને આધારે અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે આ કોન્સ્ટેબલને પોલીસની સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ આપ્યો છે.

ગુજરાતમાં બુટલેગર્સનું સામ્રાજ્ય પોલીસની મદદ વગર ક્યારેય ફેલાઈ શકે નહીં તે ઉઘાડું સત્ય છે. ખાસ કરીને એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા અને વહીવટદાર તરીકેની ભૂમિકા ભજવતા પોલીસ કર્મચારીઓને કારણે બુટલેગર્સ સમૃદ્ધ બને છે. જોકે તેનો હિસ્સો આઈપીએસ અધિકારીઓને પણ મળે છે પરંતુ જ્યારે પાણી નાકથી ઉપર જાય ત્યારે વહીવટદાર તરીકે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ્સને જિલ્લા ફેરબદલી કરીને આઈપીએસ અધિકારીઓ ફરજ નિભાવ્યાનો આત્મસંતોષ મેળવતા હોય છે.

આ મામલે અમરેલી ખાસ્સુ બદનામ હતું, બે વર્ષ પહેલા નિર્લિપ્ત રાયને અહીં એસપી તરીકે મુક્યા પછી તેમણે ગુનેગારોને નાથવાની સાથે પોલીસમાં રહેલા ખાખી વર્દીધારી ગુનેગારોને પણ નસીયત કરવાની શરૂઆત કરી હતી. તેમને આ દરમિયાન જાણકારી મળી કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પણ લીસ્ટેડ બુટલેગર્સ સાથે સાંઠગાંઠ ધરાવે છે. જેના પગલે તેમણે તપાસનો આદેશ આપતા અમરેલીના ત્રણ પોલીસ કોન્સ્ટેબલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે બુટલેગર સાથે સંકળાયેલા હોવાના પુરાવા તેમને મળતાં તેમણે ગુરુવારના રોજ ત્રણ પોલીસ કોન્સ્ટેબલને પોલીસની સેવામાંથી બરતરફ કરી દેવાનો આદેશ કર્યો છે. આમ જવલ્લે જ બનતી ઘટનાઓ પૈકીની આ એક ઘટના છે.