મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર એસપી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ  બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરી રહી છે. જીલ્લામાં લિસ્ટેડ બુટલેગરોને સતત ઝડપી પાડી જેલમાં ધકેલી રહી છે. જીલ્લામાં કુખ્યાત બુટલેગરો સામે પાસાનું શસ્ત્ર ઉગામી કાબુમાં લેવા દોડાદોડી કરી રહી છે જીલ્લામાં દારૂની રેલમછેલ કરનાર બુટલેગરો એક પછી એક પોલીસ દબોચી લઈ જેલમાં ધકેલી દેતા જીલ્લામાં દારૂના વેપલા અને હેરાફેરીમાં મહદંશે પોલીસ સફળ રહી છે.

અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી પોલીસે જ પોષીને મોટા કરેલા બુટલેગરો બેફામ બન્યા હતા અને પોલીસ પર જ હુમલો કરી ખાખી પર ભારે પડી રહ્યા છે, ત્યારે એસપી સંજય ખરાતના આગમન પછી નાયબ પોલીસ અધીક્ષક ભરત બસીયાના દોરી સંચાર હેઠળ જીલ્લા પોલીસતંત્ર બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના પગલે ફાટીને ધુમાડે ગયેલા અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ભિલોડ પીઆઈ મનીષ વસાવાએ બુટલેગરો પર તવાઈ બોલાવી છે. ભિલોડા પોલીસે હત્યામાં સંડોવાયેલ અને ખૂંખાર બુટલેગર જેશીંગપુરના નરેશ અમરત ખરાડીના પાસા મંજુર થતા નાસતો ફરતો હતો. પોલીસને થાપ આપનાર નરેશ ખરાડીને પાદરા ગામ નજીકથી દબોચી લઈ સૂરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો.