મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ:  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આમ તો તેની કામગીરીને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ અમદાવાદના સાહિત્ય રસીકો દ્વારા દર વર્ષે કોપોર્રેશન દ્વારા કરવામાં આવતા પુસ્તક મેળામાં ચાલુ વર્ષે દુષ્કર્મ મામલે જેલમાં રહેલા આસારામના પુસ્તકો માટે પણ સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. આ પુસ્તક મેળાનું ઉદ્ધાટન ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગત તા. 24મી નવેમ્બરના રોજ કર્યું હતું. આ પુસ્તક મેળામાં આવનાર અમદાવાદ અને ગુજરાતના સાહિત્ય રસીકોને આસારામનો સ્ટોલ જોઈ આઘાત લાગી રહ્યો છે છતાં ત્યાં આવતા નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓને આ વાત ખટકતી નથી.

ગુજરાત સહિત દેશના અનેક શહેરમાં આશ્રમ ધરાવતા આસારામ ઉપર દુષ્કર્મ સહિત મેલી વિદ્યા, જમીન પચાવી પાડવી અને હત્યા જેવા ગંભીર આરોપો છે અને હાલમાં આસારામ રાજસ્થાનની જેલમાં છે અને તેમનો પુત્ર નારણસાંઈ સુરત જેલમાં છે. આ પાંખડી પિતા-પુત્ર સામે સમગ્ર દેશમાં રોષ છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત પુસ્તક મેળામાં આસારામને પણ સ્ટોલ નંબર 137 અને 138 ફાળવવામાં આવ્યો છે. આ પુસ્તક મેળામાં રાજ્ય અને દેશના નાના મોટા તેમજ ઉચ્ચ સાહિત્યકારોના પુસ્તક મળી રહે તે માટે વિવિધ પ્રકાશનો દ્વારા પોતાના સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે. આ સ્ટોલની ફાળવણી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી. ત્યા સુધી કે આસારામના મોટો પોસ્ટરમાં ત્યા મુકવામાં આવ્યા છે.

આ પુસ્તક મેળામાં અનેક લેખકો પણ આવે છે જેઓ તેમના વાંચકો સાથે સીધો સંવાદ કરી શકે તે માટે ગોષ્ટી કાર્યક્રમોનું પણ આયોજન થાય છે. આ તમામ કાર્યક્રમોમાં આવતા લોકો જયારે સ્ટોલ નંબર 137 પાસેથી પસાર થાય ત્યારે સંત શ્રી આશારામજી  સત્સાહિત્યનું મંદિરનું બોર્ડ વાંચી વિચારમાં પડી જાય છે. પરંતુ ત્યાં હાજર અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓને કોઈ ફેર પડતો નથી.  આ પુસ્તક મેળો ખુલ્લો મુકયા બાદ વિજય રૂપાણી અને અમદાવાદ કમિશનર વિજય નહેરાએ પણ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી પણ તેનો તેમને પણ ફેર પડ્યો ન્હોતો.