ઇબ્રાહિમ પટેલ (મેરાન્યૂઝ.મુંબઈ): કોમોડિટી બજારમાં ગત સપ્તાહે સર્વાંગી વેચવાલીનું દબાણ જોવા મળ્યું, અલબત્ત સપ્તાહના આરંભથી ઓલ રાઉન્ડ તેજીનો આંતરપ્રવાહ જોવાયો હતો. પણ અમેરિકન બોન્ડ યીલ્ડ વૃધ્ધિએ કોમોડિટી બજાર સામે જેવો પડકાર ઊભો કર્યો કે તરતજ, તેજીવાળાના સઢમાંથી હવા નીકળવા લાગી. કોઈ નવી ઘટનાને અભાવ અને કરન્સી બાસ્કેટનો ડોલર ઇંડેક્સ મિશ્ર વલણ દાખવવા લાગ્યો તે સાથે જ બોન્ડ અને શેરબજારની ધ્રુજારીએ કોમોડીટીઓને વધુ સંવેદન બનાવીને ભાવોમાં ઉથલપાથલ મચાવી દીધી.

ગત સપ્તાહના આરંભે ક્રૂડ ઓઇલ, જાન્યુઆરી ૨૦૨૦ની ઊંચાઈએ ૬૭.૭૫ ડોલર હતું તે સપ્તાહના અંતે ઘટીને ૬૪.૪૩ ડોલરે આવું ગયું. કોપરે ઓગસ્ટ ૨૦૧૧ની ઊંચાઈ સર કરી ત્યાં તો ગભરાટ ભરી વેચવાલી આવી અને ભાવ ગબડી ૮૯૯૩ થયા. સોનું જે યીલ્ડની રિયલ ટાઈમ અસર અનુભવે છે તે પણ ઓકટોબર ૨૦૧૨ પછીના સૌથી ખરાબ માસિક ઘટાડે, જૂન ૨૦૨૦ના તળિયે ૧૭૩૨ ડોલર મુકાયુ, જેણે સપ્તાહ દરમિયાન ૧૮૧૪ ડોલરની ઊંચાઈ હાંસલ કરી હતી. આવુંજ કૈંક કરન્સી બાસ્કેટના ડોલર ઇન્ડેક્સનું હતું, માત્ર બે જ સત્રમાં ૮૯.૬૯ પોઈન્ટથી ઉછળીને ૯૦.૯૭ પોઈન્ટ થયો હતો.


 

 

 

 

 

ગ્લોબલ બોન્ડ માર્કેટનું ઇન્ડિકેટર ગણાતા ૧૦ વર્ષના અમેરિકન બોન્ડ યીલ્ડ, ઉછળીને જાન્યુઆરી ૨૦૨૦ પછીની ઊંચાઈએ ૧.૬૦૯ ટકા થયું. ૧૦ વર્ષનો જપાન બોન્ડ ૦.૧૩૫ ટકા નવેમ્બર ૨૦૧૮ પછીની નવી ઊંચાઈએ ગયો, યુકે ગિલ્ટ ૧૧ મહિનાની ઊંચાઈએ ૦.૮૨૯ ટકા, જર્મન બોન્ડ વધીને માર્ચ ૨૦૨૦ પછીની ઊંચાઈએ ૦.૨૬૧ ટકા મુકાયા હતા.

ગોલ્ડમેન સાસ કહે છે કે ઊભરતા અર્થતંત્રોના ચલણો જે આ વર્ષની કોમોડિટી તેજીને સહારો બન્યા હતા તે પણ અમેરિકન ટ્રેજરી યિલ્ડના ઉછાળે ભારત સહિતના ઊભરતા અર્થતંત્રોના ચાલણોને નબળા પાડવાની ભૂમિકામાં આવી ગયા હતા. કોપર અને ક્રૂડ ઓઇલના ભાવ હજુ પણ પ્રમાણમાં ઊંચા હોવાથી, ઇમર્જિંગ માર્કેટની કોમોડિટી બજારની કરન્સી નિર્ભરતા જોતાં ભાવને બહુ ઘટવા નહીં દે એવું માનવામાં આવી રહ્યું છે. 

ગોલ્ડમેન સાસએ એક નોંધમાં કહ્યું છે કે ૨૦૨૧માં કોમોડિટી સંવેદનશીલ ઊભરતા બજારોની કરન્સી હજુ પ્રમાણમાં મજબૂત નથી, તેવા દેશોમાં પ્રાથમિક રીતે બોન્ડ યીલ્ડ વધ્યા હોવા છતાં, કોમોડિટીના ભાવ વધવાની પૂરતી જગ્યા છે. તાજેતરના મહિનાઓમાં કેટીલીક કોમોડિટીના ભાવ ધરખમ વધ્યા હતા તેમણે જ કોર બોન્ડ યીલ્ડને વધવાની જગ્યા કરી આપી હતી. ભારતીય રૂપિયા સહિત કેટલીયે ઇમર્જિંગ કારન્સીઓએ ગત સપ્તાહમાં, છેલ્લા પાંચ મહિનામાં સૌથી ખરાબ દેખાવ કર્યો છે.


 

 

 

 

 

અમેરિકન કોમોડિટીસ ફ્યુચર્સ ટ્રેડ કમિશન અને આઇસીઇ પર થતાં ૨૦ કોમોડિટીના સોદાનો અભ્યાસ કરતાં કહી શકાય કે ૨૦૧૧ પછી પહેલી વખત સતત પાંચમા સપ્તાહે હેજ ફંડોએ કોમોડિટીમાં તેજીના ઓળીયા ગુંઠયા પછી પહેલી વખત, ગત સપ્તાહે મોટો કડાકો જોયો છે. અસંખ્ય બેન્કો હજુ ગત સપ્તાહ સુધી કહેતી હતી કે કોમોડિટી બજાર નવી માળખાગત તેજીમાં દાખલ થઈ છે. વળી કેટલાંક તો કહેતા હતા કે આપણે સુપર સાયકલના દ્વારે આવીને ઊભા છીએ.

ઊંચા યીલ્ડ એવું પ્રતિપાદન કરે છે કે નવો કોરોના વાયરસ પ્રસાર ધીમો છે અને જાગતિક અર્થતંત્રો સુધારા તરફ આશાવાદી છે. અલબત્ત ઊંચા યીલ્ડ એક તરફ ફુગાવો વધી રહ્યાનું નિદર્શન કરે છે બીજી તરફ વ્યાજ વૃધ્ધિનો આશાવાદ પણ વધારે છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં કેટલીક સેન્ટ્રલ બેન્કોએ ચલણી નોટો છાપીને બજારમાં ઉતારી દીધી તેથી પણ કોમોડિટી અને શેરબજારો તેજીના છંદે ચઢ્યા હતા. હવે આ તેજી થકી ઊંચા વ્યાજ, બોરોઇન્ગ કોસ્ટ વધારશે તેમજ ફુગાવાજન્ય ચિંતાઓ વધારશે જે તેજી સામે પડકારો ઊભા કરીને નફાશક્તિ પણ ઘટાડશે.  

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)