મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનીલ દેશમુખ સામે રૂપિયા 100 કરોડની વસુલી કરતાં હોવાનો આરોપ મુક્યો હતો. આ મામલે તેમણે મુંબઈ હાઈકોર્ટમાં પીટીશન કરી સમગ્ર મામલો સીબીઆઈને સોંપવાની માગણી કરી હતી. મુંબઈ હાઈકોર્ટે આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી ટીપ્પણી સાથે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે.

મુંબઈના પોલીસ કમિશનર પદેથી પરમવીર સિંહને હટાવ્યા પછી તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખી ઘટસ્ફોટ કર્યો હતો કે, ગૃહમંત્રી અનિલ દેશમુખ ઈન્સપેક્ટર સચિન વાઝેને બોલાવી મહિને 100 કરોડ રૂપિયાની હપ્તા વસુલી કરવાની સૂચના આપી હતી. મુંબઈના બાર અને રેસ્ટોરાં માલિકો પાસેથી હપ્તો વસુલી દેશમુખને મોકલવાનો હતો. પરમવીર સિંહના આ આરોપ પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો. દેશમુખની પડખે શરદ પવાર આવ્યા હતા. જ્યારે શિવસેનાએ પોતાના મુકપત્ર સામનામાં દેશમુખની ઝાટકણી કાઢી હતી.


 

 

 

 

 

પરમવીર સિંહ આ મામલે ન્યાયીક સીબીઆઈ તપાસ થાય તેવી માગણી સાથે સુપ્રિમ કોર્ટ પહોંચ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાની પાસે આવતા પહેલા પરમવીર સિંહે મુંબઈ હાઈકોર્ટ પાસે જવું જોઈએ તેવું જણાવ્યું હતું. જેથી પરમવીર સિંહે મુંબઈ હાઈકોર્ટમાં પીટીન કરી સીબીઆઈ તપાસ માગી હતી. હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ કરતાં નોંધ્યું કે, અનીલ દેશમુખ ગૃહમંત્રી છે તેને ધ્યાનમાં લેતા તપાસ નિષ્પક્ષ થાય તે હેતુથી અમે સીબીઆઈને તપાસનો આદેશ આપીએ છીએ. સીબીઆઈએ પ્રારંભીક તબક્કામાં 15 દિવસમાં આ મામલે હાઈકોર્ટને પોતાનો અહેવાલ સુપ્રત કરવાનો રહેશે.