ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): વાતચીત માટે પ્રયત્ન તો બીજી ઓક્ટોબરે જ કરેલો, પણ એ દિવસે ગાંધીજીને આખો દિવસ એટલી હેડકી આવતી હોય કે વાત કરવાનું તો બાજુ પર રહ્યું, તે શ્વાસ પણ માંડ લઈ શકે બિચારાં, બા ને મહાદેવભાઈ દેસાઈ કહી કહીને થાક્યાં કે હવે તમે ભારત જોડે આટલું સીધું જોડાણ ન રાખો કે ત્યાં તમને ગમે તેવા લોકો યાદ કરે, તો પણ તમને હેડકી શરૂ થઈ જાય. સરદાર પટેલ તેમના અંદાજમાં સમજાવે કે હવે તો પેલા અમેરિકન અલેલટપ્પુએ તેના ભારતના સમોવડિયાને (પછી અટકીને ઉમેરે પણ ખરા, હોદ્દાની રીતે) 'ફાધર ઓફ ધ નેશન' જાહેર કરી દીધા છે. હવે તમે આરામ કરો.

પણ ગાંધીજી માને?  તેમને એમ કે હરિલાલ તેમનું સૌથી દુઃખદ પ્રકરણ હશે ને પોતાના જીવનની સાથે તેનો અંત આવશે. પણ પછી તેમને સમજાવા લાગ્યું કે ગોડસેએ મારેલી ત્રણ ગોળી તો તેમની હત્યાની લાંબી સિરીયલનો પહેલો હપ્તો હતી.  કાકાસાહેબ કાલેલકર વ્યથિત થઈને બોલ્યા, 'આના કરતાં તો પેલો ગોળીવાળો હત્યારો સારો...’ એટલે સરદારે તેમને અધવચ્ચેથી રોક્યા અને કહ્યું, ‘તમારા કહેવાનો અર્થ હું સમજું છું, બાપુ સમજે છે, પણ ગોડસેવાળા તમારી વાતનો પ્રમાણપત્ર તરીકે પ્રચાર કરવા માંડશે અને કહેશે, જોયું? ફક્ત અમે જ નહીં, ગાંધીજીના અનુયાયીઓ પણ કબૂલે છે કે ગોડસે સારો હતો.’

પંડિત નહેરુ ચૂપચાપ બેઠા હતા. થોડી વારે મૌન તોડીને કહે, ‘સરદાર, આ લોકો બાપુનું શું કરશે? મને બહુ ચિંતા થાય છે.’  સરદાર કહે, 'આમ તો ઈંદુએ અને કોંગ્રેસે ઝાઝું કંઈ બાકી રહેવા દીધું નથી. છતાં ખરું કહું તો ચિંતા મને પણ થાય છે. એમાંય જ્યારથી મારા નામે પેલું સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બનાવી દીધું, ત્યારથી તો ખાસ.’

ખોંખારો ખાઈને ગોળવેલકરે કહ્યું, ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નહીં, યુનિટી. તમારા માટે. ખાસ.’

સરદાર કહે, 'આવડું મોટું તોસ્તાન ઊભું કરી દીધું ને નામ પાડવામાં પરદેશની નકલ? આ કઈ જાતનો રાષ્ટ્રવાદ?’

સાવરકરે ગહન સ્મિત કરીને કહ્યું,  ‘આ જ તો અમારી વિશેષ વ્યૂહરચના છે. તમે જોજો, ધીમે ધીમે લોકોના મનમાંથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી નીકળવા માંડશે ને તેને બદલે સ્ટેચ્યુ ઓફ યુનિટી દૃઢ થતું જશે. એમ કરતાં કરતાં એક દિવસ એવો આવશે જ્યારે લોકો સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની વાત કરવી હશે ત્યારે ભૂલથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બોલી જશે. એ દિવસ ભારતીય સંસ્કૃતિ માટે ધન્ય દિવસ હશે.’

સરદાર કહે, ‘આમાં સંસ્કૃતિ ક્યાં આવી? અને પ્રવાસીઓની સંખ્યાથી જ વટ પાડવો હોય તો ડિઝનીલેન્ડ ખોલવું હતું ને? આના કરતાં પણ વધારે પ્રવાસીઓ આવત... નકામો મને આવા બધી પૂતળાબાજીમાં શું કામ ઘસડ્યો?’

નહેરુ એકરારના સ્વરમાં બોલ્યા, ‘ભૂલ તો આપણાથી પણ થઈ. આપણે બાપુને ચલણી નોટ પર મૂકવાની જરૂર ન હતી. ભ્રષ્ટ લોકોએ બાપુની બે આંખની શરમ ભર્યા વિના ભ્રષ્ટાચાર આચર્યો ને હજુ આચરી રહ્યા છે. કોણ જાણે, બાપુની આ કઠણાઈનો ક્યારે અંત આવશે?’

‘ચિંતા ન કરો જવાહર. અત્યારે જે રીતે ખાતું ચાલે છે એ ચલણી નોટ પર બાપુની સાથે મારો નંબર લાગે ને પછી સાવરકરનો પણ લાગી જાય તો કહેવાય નહીં. એવું છે કે સાવરકર સુધી પહોંચવું હોય તો મારાથી શરૂઆત કરવી પડે, મને તમારા વિરોધી ને હરીફ તરીકે ચિતરવો પડે ને પછી વાતો એવી કરવાની કે મારું બહુ મોટું માન કર્યું... આ લોકો ઇતિહાસ-બિતિહાસ વાંચતા હશે કે પછી આપણી વખતે જેમ ઝીણાસાહેબ બધું અદ્ધરતાલ ચલાવતા હતા, એમ જ?’

મહાદેવભાઈ વાતમાં દાખલ થયા. કહે, ‘આપણા વખતમાં ખોટા ખબરો ફેલાવવા માટે સરકાર પાસે ફક્ત છાપાં જ હતાં. હવે તો સાંભળ્યું છે કે અનેક ગણી વધારે ઝડપથી ને જથ્થામાં ખોટા ખબર ફેલાવવાનું ચાલે છે. બાપુના નામે કે તેમના વિશે એવાં એવાં જૂઠાણાં ચાલે છે કે આપણને લાગે, આટલી હદે તો અંગ્રેજ સરકાર પણ જતી ન હતી. ’

સરદાર હસ્યા અને કહે, ‘બાપુને અને જવાહરને ઝેરથી મારવાનો કાર્યક્રમ હતો ને મને ગોળથી. પણ હવે લાગે છે કે બાપુ પણ ગોળથી મારવાની કેટેગરીમાં આવતા જાય છે. શું કહો છો બાપુ?’

‘મને બંદૂકની ગોળીથી બીક ન લાગી, તો ઝેરની બીક શી? અને ગોળનો પ્રયોગ પણ છે તો જૂનો. તેના કરનારા ને તેમના આશયો બદલાતા રહે છે એટલું જ.  પણ હવેનો પ્રયોગ ગોળમાં ભેળવેલા ઝેરનો છે. એ મોંમાં મૂકતી વખતે લાગે કે ગોળ છે અને અસર સંપૂર્ણ થઈ જાય, ત્યારે જે અપાયું તે ઝેર હતું, એ જાણી શકવાની હાલતમાં આપણે ન હોઈએ ને હોઈએ તો પણ છેલ્લી ઘડીઓ જ ગણતા હોઈએ.’ આટલું બોલીને ગાંધીજી અટક્યા અને કહે, ‘એક જણ ક્યારનો ઇન્ટરવ્યુ માટે ફોન કરે છે, પણ મારે વાત કરવી નથી. નકામું આવું કંઈક બોલાઈ જાય. મેં મહાદેવને કહી દીધું છે કે એને લખી દેઃ માહિતી વિકૃત કર્યા વગરનું, સાચેસાચી વિગતો ધરાવતું મારું જીવન એ જ મારો સંદેશ.’

અચાનક એસએમએસના ટોનના અવાજથી ઉંઘ ઉડી ગઈ. જોયું તો ગાંધીના નામે થનારા કરોડોના ધુમાડાના સમાચાર હતા.