ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): ધર્મમાં ન માનનારા ઘણા ખરા લોકો પ્રસાદમાં માનતા હોય છે અને મનથી ધર્મ ન પાળનારા ઘણાખરા હાથેથી પ્રસાદ વહેંચતા પણ હોય છે. ઈશ્વરે માણસને બનાવ્યો કે માણસે ઈશ્વરને, એ સવાલ જૂનો થયો. ફિલસૂફીને બદલે વ્યવહાર પર ધ્યાન આપીએ તો પૂછવું પડે, ‘ધરમે પ્રસાદને બનાવ્યો કે પ્રસાદે ધર્મને?’ આ વિધાનમાં 'ધર્મ'ની વ્યાખ્યામાં સંપ્રદાયોનો ને ઇતર પ્રકારના ધર્માભાસી પ્રભાવોનો સમાવેશ પણ થઈ જાય છે.

ધર્મની વાત આવે એટલે ગાડી પાટો બદલીને ભારતીય સંસ્કૃતિ પર જતી રહે છે. ભારતીય સંસ્કૃતિ એટલે શું, એ બાબતે મતમતાંતરો પ્રવર્તે છે. કોઈને જ્ઞાનમાર્ગની ચર્ચા સંસ્કૃતિ લાગે છે, તો કોઈને ભક્તિમાર્ગનાં ભજનો. નવા જમાનામાં તો મોબ લિન્ચિંગ અને મિથ્યા ગૌરવ પણ કેટલાકને ભારતીય સંસ્કૃતિનો પર્યાય લાગે છે. લાગણી દુભાવી એ ભારતીય સંસ્કૃતિના નામે થતી સૌથી લોકપ્રિય અભિવ્યક્તિ છે. આ બધાની વચ્ચે ભારતીય સંસ્કૃતિનું સૌથી બિનવિવાદાસ્પદ સ્વરૂપ જો કોઈ હોય તો એ છે પ્રસાદ. જમાનો બદલાયો તેમ ધર્મ-સંપ્રદાયોના અનુયાયીઓ ભલે વધુ ને વધુ દુભાઉ થયા હોય, પણ પ્રસાદવૈવિધ્ય પ્રત્યેની તેમની સહિષ્ણુતામાં ઘણો વધારો થયો છે એ કબૂલવું જોઈએ. પહેલાં શૈવો ને વૈષ્ણવો વચ્ચે કટ્ટર વેર હતાં. હવે કૉસ્મોપોલિટન સંપ્રદાયો ને સ્યુડો-ધર્મગુરુઓના જમાનામાં પ્રસાદવિષયક સંકુચિતતા મટી ગઈ છે. અનુયાયીઓને અનૈતિકતાની જેમ પ્રસાદનો પણ બાધ રહ્યો નથી.  ફક્ત ધાર્મિકોની શા માટે વાત કરવી? એક જમાનામાં સત્યનારાયણની કથાના પ્રસાદનો શીરો જોઈને મોં મચકોડતા નાસ્તિકો હવે પડિયો ભરીને શીરો ઝાપટ્યા પછી બર્ટ્રાન્ડ રસેલ શું કહી ગયા ને રીચાર્ડ ડોકિન્સે શું કહ્યું છે, તેની ચર્ચા કરી શકે છે. આ શિરાની કે પ્રસાદની જ નહીં, ભારતીય સંસ્કૃતિની પણ જીત છે.

'પ્રસાદ'શબ્દની વ્યુત્પત્તિ ને તેનાં અર્થઘટન વિશે વિવાદ છે.  કેટલાક માને છે કે જે ખાધા પછી પોતાના ફિરકા વતી મોટા સાદે ઘાંટાઘાટ, લડાલડ કરવાની શક્તિ આવી જાય એવો પદાર્થ એટલે પ્ર-સાદ. ધર્મને (સંસ્કૃતિના લાભાર્થે જ વળી) સુઆયોજિત સ્વરૂપ આપનારામાંથી કેટલાક માને છે કે જે વેચવાથી કે વહેંચવાથી પ્રાસાદ (મોટા મહેલ-મહોલાત) ઊભા કરી શકાય, એવો પદાર્થ એટલે પ્રસાદ. સંસ્કૃત વાક્યરચના પ્રમાણે કહીએ તો, જે પ્રાસાદ બનાવી આપે છે તે પ્રસાદ છે. બોલચાલની ભાષામાં તે 'પરસાદ'કહેવાય છે. તેમાં 'પર'એટલે કે બીજાનું--તેની પર ભાર છે. કેટલાક લોકો ને ફિરકા બીજાનું ઓળવી પાડે છે અને તેને પ્રભુના પ્રસાદ તરીકે ગણાવી દે છે. એક વાર કોઈ ચીજ પ્રસાદ જાહેર થઈ ગઈ, એટલે ખલાસ. પછી તેની સાથે ધર્મ અને ધાર્મિક લાગણી સંકળાઈ જાય છે. કાયદો અને ન્યાય પણ તેની સામે, જાણે પ્રસાદ લેવા માટે હાથ ધરીને ઊભાં હોય એવાં, લાગે છે.

પ્રાથમિક સમજ ધરાવતા લોકોની પ્રસાદની કલ્પના લાડુડી કે ઠોર કે લાડુ કે મોહનથાળથી આગળ વધી શકતી નથી.  બાકીના લોકોને સમજાય છે કે પ્રસાદ તરીકે ખાનગી કે સરકારી કોન્ટ્રાક્ટથી માંડીને ચૂંટણીની ટિકિટ સુધીનું કંઈ પણ મેળવી શકાય છે--બધો આધાર તમે કોની અને કેટલી ભક્તિ કરો છો તેની પર હોય છે. થોડીઘણી નીતિમત્તામાં માનતા લોકો પ્રસાદની સમાજવાદી વહેંચણીનો આગ્રહ રાખે છેઃ પ્રસાદ ગમે તેટલો હોય, પણ તે વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે જોવું. પરંતુ સૌ જાણે છે કે સમાજવાદ હવે ભૂતકાળ બન્યો છે. એટલે બીજાને વહેંચવાના પ્રસાદ માટેના ખાસ 'નેનો પેંડા'અલગ આવે છે. નાનો લાડુ 'લાડુડી'કહેવાય છે, પણ નાનો પેંડો 'પેંડી'કહેવાતો નથી. તેથી ચુસ્ત નારીવાદીઓ લાડુડીનો બહિષ્કાર કરી શકે છે અને પેંડાને નારીવાદમાન્ય પ્રસાદ તરીકે અપનાવી શકે છે.

પ્રસાદ સાથે સંકળાયેલી ધાર્મિક લાગણીને કારણે 'નેનો પેંડો'તો શું, તેની કરચ પણ કોઈને 'પ્રસાદ છે’ એમ કહીને આપવામાં આવે, તો ભારતના સરેરાશ નાગરિકની જેમ ગુણવત્તા, જથ્થો,  સ્વાદ, ભેદભાવ કશાની ફરિયાદ કર્યા વિના તેને નસીબ ગણીને સ્વીકારી લેશે.  બલ્કે, 'અમને પ્રસાદમાં યાદ તો કર્યા'એમ માનીને ધન્યતા અનુભવશે. ઘણી વાર પ્રસાદ ન હોય એવી ચીજ પણ ઓછી માત્રામાં કે ખરાબ ગુણવત્તા ધરાવતી હોય તો તેને પ્રસાદ તરીકે વહેંચી દેવાથી કામ થઈ જાય છે. સદીઓથી ભારતમાં ટકી રહેલી જ્ઞાતિપ્રથા એવો જ 'પ્રસાદ’ લાગે છે.

સામાન્ય ભક્તો પ્રસાદની નાની કરચને બદલે મોટી કરચ કે અડધા પેંડાને બદલે આખો પેંડો મેળવવામાં જિંદગીનાં કિમતી વર્ષો ખર્ચી નાખે, ત્યારે ઉત્ક્રાંત ભક્તો પ્રસાદ કોણ બનાવે છે અને તેનો કોન્ટ્રાક્ટ અથવા તે વેચવાનો પરવાનો ક્યાંથી મળી શકે, તેના માટે પ્રયત્નશીલ હોય છે. તે ભક્તિનો ઉપલો તબક્કો છે. તેમનાથી પણ એક સ્તર ઉપર, સમાજના ત્રિકોણની સૌથી ટોચે રહેલા લોકો જેમનો-જ્યાંનો પ્રસાદ બહુ લોકપ્રિય છે, તેમના ભાવતાલ તપાસી જુએ છે અને શક્ય હોય તો તેમને જ હસ્તગત કરી લે છે. હવે તો સરકાર પણ પ્રસાદની ગુણવત્તાનું ધ્યાન રાખવાની છે, એવા સમાચાર હતા. સરકારે નોટબંધી દ્વારા કાળાં નાણાંનું અને એકંદરે અર્થતંત્રનું જે રીતે ધ્યાન રાખ્યું છે, એ જોતાં પ્રસાદ વિશેની ચર્ચા પણ ભવિષ્યમાં દેશવિરોધી તરીકે ખપી જાય, તેના માટે તૈયાર રહેવું પડશે.