ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): માનો કે ન માનો, ભેટવું એ ભારતીય સંસ્કૃતિ નથી. પરંતુ, 'માનો કે ન માનો' એવું કહેવામાં આવે, ત્યારે મોટા ભાગના લોકો એ વાત નથી જ માનતા. એટલે તમે પણ નહીં માનો. વધારે પુરાવા આપવા જ પડશે. તો હે ઉત્તરોત્સુક જનો, ભારતીય સંસ્કૃતિના એક વર્ઝનમાં જ્ઞાન કે ભક્તિ નહીં, સ્પર્શ (એટલે કે તેનો અભાવ) કેન્દ્રસ્થાને છે. તેનું મૂળ સુત્ર છે 'ડોન્ટ ટચ' (તેનું સંસ્કૃત સૌએ પોતાની રીતે કરી લેવું). નમસ્કાર, ચરણસ્પર્શ, દંડવત્ પ્રણામ...ત્યાં સુધી બધું ઠીક છે, પણ અડવાની મસ્તી નહીં. ક્યાંય કોઈએ અડવાનું નહીં. માણસોને પણ નહીં ને મ્યુઝીયમની ચીજવસ્તુઓને પણ નહીં. જ્યાં અડવા માત્રનો વાંધો હોય, ત્યાં હાથ મિલાવવા એ પરંપરાભંગ થયો અને ભેટવું? એ તો ક્રાંતિ કે વિદ્રોહની પરિસીમા.

કોઈ ઘટના ક્રાંતિ છે કે વિદ્રોહ, તેનો આધાર ઘટના પર નહીં, જોનાર પર હોય છે. એવું જ ભેટણને લાગુ પડે છે. હા, ભેટવા માટે બીજો શબ્દ ક્યાં લેવા જવો? ભાંડવાની ક્રિયા ભાંડણ કહેવાય, તો ભેટવાની ક્રિયા ભેટણ. તેના માટે આલિંગનથી માંડીને બીજા અનેક શબ્દો વપરાતા હોય છે. પણ શેક્સપિયરે કહ્યું છે કે શબ્દ ગમે તે વાપરો, તેનાથી ભેટણ ભારતીય સંસ્કૃતિનું અંગ બની જતું નથી. ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં, ખાસ કરીને એનઆરઆઇ સંસ્કૃતિનો પ્રભાવ વધ્યો ત્યારથી, ભેટણનું ચલણ વધ્યું છે. સામાન્ય ગુજરાતીઓ બોલતાં ખચકાય તેવો શબ્દ ભેટણ માટે છૂટથી વપરાય છે. હવે ‘હગ’ કરવાની નવાઈ નથી રહી.

પહેલાં ભેટણ અસામાન્ય સંજોગો સૂચવતું હતું. વિદાય વખતે કન્યા પિયરિયાંને ભેટે, બહુ વખતે મળેલા યારોદોસ્તો એકબીજાને ભેટે...બીજી તરફ, મહાભારતમાં ધૃતરાષ્ટ્ર ભીમના પૂતળાને ભેટે, શિવાજી અફઝલખાનને ભેટે. હવે ભેટણપ્રવૃત્તિ એવી ફૂલીફાલી છે કે કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને કશા કારણ વગર ભેટી શકે અને ભેટણક્રિયા નિર્દોષ જ નહીં, પોઝિટિવ થિંકિંગનું પ્રતિક છે એવું પણ સિદ્ધ કરી શકે. ‘જાદુકી ઝપ્પી’ અકારણ ભેટણનું જ ફિલ્મી સ્વરૂપ છે. રૂઢિચુસ્ત લોકો ભલે તેના પ્રત્યે નાકનું ટીચકું ચઢાવે, પણ ઘણા લોકોને જુદાં જુદાં કારણસર આ પાશ્ચાત્ય રિવાજ બહુ માફક આવી રહ્યો છે. કોલેજિયનો તેમનાં કારણસર રાજી છે ને નેતાઓ તેમનાં કારણસર.

ભેટણપ્રવૃત્તિની લોકપ્રિયતાના વધેલા વ્યાપને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય મંત્રીમંડળમાં તેનું અલાયદું ખાતું ખોલવામાં આવે, તો તેના પ્રધાન તરીકે સૌથી લાયક નામ કોનું ગણાય? ભલભલા મોદીવિરોધીઓ પણ આ બાબતમાં વડાપ્રધાન મોદીની લાયકાત સામે શંકા નહીં ઉઠાવે. કેમ કે, તેમણે કમ સે કમ આ એક બાબતમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. કોઈ કવિ કલ્પી શકે છે કે વડાપ્રધાન તેમના ખિસ્સામાં ભેટણની ખણખણતી ઇચ્છા જોડે લઈને જ ફરે છે. જેવી તક મળી નથી કે ઇચ્છાનો અમલ કર્યો નથી. તક ન હોય ત્યાં તક ઊભી કરતાં પણ તે ખચકાતા નથી. (રવીશકુમાર જેવા પત્રકારને અનસ્ક્રીપ્ટેડ--આગોતરી ગોઠવણ વગરનો--ઇન્ટરવ્યુ આપવા સિવાયની મોટા ભાગની બાબતોમાં હવે તે ખચકાતા નથી.)

ચંદ્રયાન-૨ના લેન્ડરની નિષ્ફળતા પછી આવેલી એક વિડીયોમાં વડાપ્રધાન જે રીતે ઇસરોના ચેરમેનને ગરદનેથી ઝાલીને નજીક લાવે છે અને તેમનું માથું પોતાના ખભામાં ખુંપાવી દે છે, એ દર્શાવે છે કે શા માટે વડાપ્રધાન ઉત્તમ ભેટણપ્રધાન પુરવાર થઈ શકે છે.  કેટલાક ફિલ્મી અભ્યાસીઓના મતે, વડાપ્રધાને 'જાદુકી ઝપ્પી'ના ખ્યાલને વધુ પડતી ગંભીરતાથી લઈ લીધો છે. માટે તેમની ભેટણલીલા માટે રાજકુમાર હીરાણીને જવાબદાર ગણવા જોઈએ. આંતરરાષ્ટ્રીય અભ્યાસીઓ માને છે કે ભૂતકાળમાં જવાહરલાલ નહેરુએ તેમની બૌદ્ધિક પ્રતિભાથી આંતરરાષ્ટ્રીય સ્તરે મૂઠી ઉંચેરા રાજદ્વારી-સ્ટેટ્સમેન તરીકે છબિ ઉપસાવી હતી, તેમ વર્તમાન વડાપ્રધાન ભેટણ-ડીપ્લોમસીથી આગવી છબિ ઉપસાવી રહ્યા છે. બિનસત્તાવાર અહેવાલો પ્રમાણે, વડાપ્રધાનની કચેરીમાં વિશાળ કદનો એક નકશો લટકાવવામાં આવ્યો છે ને તેમાં જુદા જુદા દેશો પર લાલ ટપકાં કરવામાં આવ્યાં છે.

ના, તમારી ધારણા ખોટી છે. વડાપ્રધાનની એ જ તો ખાસિયત છે. તમે કલ્પનાશક્તિ દોડાવીને ધાર્યું હશે કે વડાપ્રધાન વિશ્વના જેટલા દેશોના વડાને ભેટ્યા હશે, એટલા દેશો પર લાલ ટપકાં થઈ ગયાં હશે. પણ ખરેખર તો, હવે કેટલા દેશો બાકી રહ્યા તે દર્શાવવા લાલ ટપકાં કરાયાનું અનુમાન છે. આવો કોઈ નકશો ખરેખર છે કે કેમ, એ અગત્યનું નથી. એમ તો આર. કે. નારાયણના માલગુડી કે શ્રીલાલ શુક્લના શિવપાલગંજનું કે મંટોના ટોબા ટેકસિંહનું અસ્તિત્ત્વ લોકોના મન સિવાય બીજે ક્યાં છે? પણ ખરું મહત્ત્વ બાહ્ય કરતાં આંતરિક-માનસિક અસ્તિત્ત્વનું નથી?

સરેરાશ ભારતીય અને ખાસ કરીને સરેરાશ ગુજરાતી પુરુષો માટે ને ભેટવું સહેલું નથી. તેમાં આત્મીયતાના અભાવ કરતાં પણ પહેલાં પેટ આડું આવે છે. કહેવતમાં ભલે કહ્યું હોય કે પેટ કરાવે વેઠ. પણ એ જ પેટ ભેટવાની વેઠ કરતાં રોકે છે. ખાધેપીધે સુખી એવા બે લોકો ભેટે એ દૃશ્ય  જોનાર ત્રીજાને બંને જણ પોતપોતાની ડુંડ સામેવાળાને આપી દેવા માટે તત્પર બનીને ધસતા હોય એવું લાગી શકે છે. એટલે, સભ્યતાના નામે કે સંસ્કૃતિના નામે, પણ ભેટવાથી દૂર રહેવામાં શાણપણ છે. સામેવાળાની ઇચ્છાઅનિચ્છા જોયા વિના ગળે પડીને ભેટવા માટે તો વડાપ્રધાન બનવું પડે.