ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): દેશમાં શિક્ષકદિનની ઉજવણી એ જમાનામાં શરૂ થઈ હતી, જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓને મારઝુડ કરવામાં શૂરા, પણ આર્થિક રીતે દીન હતા. ગુરુઓને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ સમકક્ષ ગણાવી દીધા પછી તેમને રૂપિયાની શી જરૂર? એવું કદાચ બધાને લાગતું હશે. એ વખતના ગુરુઓ પણ લાંબા સમય સુધી ત્રિદેવના ત્રેવડા ભ્રમમાં રહ્યા. પછી કેટલાકને સમજાવા લાગ્યું કે વિષ્ણુનો વહેમ રાખવાને બદલે વિષ્ણુપત્નીની આરાધના કરવામાં વધારે સાર છે. તેના ભાગરૂપે ટ્યુશન ક્લાસ અને કોચિંગ ક્લાસની શરૂઆત થઈ હશે એવી દંતકથા છે. ભારતમાં દંતકથા, પુરાણકથા અને ઇતિહાસ વચ્ચેનો ભેદ મીટાવવાના પ્રયાસ જે રીતે થતા રહે છે, તે જોતાં તેને ઇતિહાસ ગણવામાં પણ ખાસ વાંધો નથી.

કોચિંગ ક્લાસમાં આવતો 'કોચિંગ' અંગ્રેજી શબ્દ હોવા છતાં, તેને કોચવા-કોચી ખાવા સાથે કે કોચવાઈ જવા સાથે કોઈ સંબંધ હશે? એવો સવાલ પહેલી નજરે, ખાસ કરીને કોચિંગ ક્લાસની ફીની રકમ જાણ્યા પછી થાય. આમ પણ (અઠવાડિક કોલમ લખતા નહીં, ખરેખરા) ફિલસૂફો કહી ગયા છે કે ભાષાના વ્યાકરણ કરતાં જીવનનું વ્યાકરણ નોખું હોય છે. બાકી, 'ટ્યુશન'નો મૂળ અર્થ શિક્ષણ જ થાય છે ને? (સ્કૂલની શિક્ષણ ફી 'ટ્યુશન ફી' નથી કહેવાતી?) કૌરવો-પાંડવો અને ગુરુ દ્રોણના જમાનામાં નહીં, નજીકના ભૂતકાળમાં ટ્યુશનનો મતલબ હતોઃ વ્યક્તિગત ધ્યાન આપી શકાય એટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસેથી અર્થ ગ્રહણ કરીને, પરીક્ષામાં તેમની સાથે કશો અનર્થ ન થાય તેટલું જ્ઞાન તેમને આપવું.

પર્સનલ કોચિંગ કે ટ્યુશનમાં જવું શરમજનક ગણાતું હોય, એવા પણ દિવસો હતા. આજે એ હકીકત ઘી-દૂધની નદીઓ વહેતી હોવાની વાત જેટલી જ અદ્ધરતાલ લાગે. પણ ટ્યુશનને નીચી નજરે જોવા પાછળની સમજ કંઈક આવી હતીઃ ટ્યુશનની જરૂર કોને પડે? બહુ રૂપિયા હોય અથવા છોકરું સદંતર ડફોળ હોય. ઘણી વાર આવો મણિકાંચન યોગ (કે પહાણપિત્તળ યોગ) એક પાત્રમાં સધાઈ જતો. ઘણા ધનિકોને માળી, ડ્રાઇવર, રસોઈયા અને ઘરનોકરની જેમ 'માસ્તર' રાખવાનો શોખ રહેતો. પોતાને જે નથી મળી તે બધી સુખસુવિધા પોતાની પછીની પેઢીને મળવી જોઈએ, એવો મોહ ફક્ત વર્તમાન પેઢી પૂરતો મર્યાદિત નથી. એ વખતના શેઠલોકોમાંથી પણ ઘણા પોતે નિશાળનાં પગથીયાં ન ચડી શક્યાનું સાટું 'બાબાશેઠ' માટે માસ્તર રોકીને વાળતા. આ રીતે બાબાશેઠને પર્સનલ કોચિંગ કે ટ્યુશનનો લાભ મળતો. ઘણી વાર એ લાભ વિસ્તરીને છેક પરીક્ષાખંડ સુધી પણ પહોંચતો.

પછી ટ્યુશન સામાન્ય બનવા લાગ્યાં. એટલે આખી કથામાં 'શેઠલોકો'નું પાત્ર અને ટ્યુશનખોર શિક્ષકનું પાત્ર એકબીજામાં ભળી ગયાં. ટ્યુશન કરનારમાંથી જ કેટલાક શેઠ બની ગયા અને ખાસ તો, ટ્યુશન કરીને શેઠ બની શકાય છે, એ નવયુગની સચ્ચાઈનો લોકોના મનમાં ઉદય થયો. પહેલાંના ગુજરાતીઓને જાવા-સુમાત્રા દરિયો ખેડીને રૂપિયા કમાવાના વિચાર આવતા હતા. પછી થયું કે શિક્ષણનો મહાસાગર પણ ક્યાં નાનો છે? તેમાં ટ્યુશનની ખેપો કરીએ તો પણ અઢળક કમાઈ શકાય. (મુકેશ અંબાણીને પણ જેમાં કંઈક કરવાનું મન થઈ આવે એવી ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજો-નિશાળોનો ધંધો ત્યારે શરૂ થયો ન હતો.)

ટ્યુશનનો સાદો, વ્યવહારુ અર્થ થાય છેઃ સ્કૂલબહારની શૈક્ષણિક પ્રવૃત્તિ. પણ તેમાં સવાલ પ્રવૃત્તિ કરતાં વૃત્તિનો વધારે ઊભો થયો. કેટલાક શિક્ષકોએ શાળાની કામગીરીના ભોગે (ફરી વાંચજો_ પગારના ભોગે નહીં, કામગીરીના ભોગે) દિવસરાત ટ્યુશન શરૂ કર્યાં. શિકારને શિકારી સુધી પહોંચાડવા માટે હાંકો કરવામાં આવે, એવી જ રીતે વિષયના અઘરાપણાનો અને સર (કે મેડમ)ની અપાર કાબેલિયતનો મહિમા જગાડીને વિદ્યાર્થીઓને ટ્યુશન ભણી હાંકવાનું શરૂ થયું. બાકી રહેલું કામ દેખાદેખીપ્રધાન, સ્ટેટસપ્રેમી વાલીઓએ સંભાળી લીધું.

શિક્ષકો સ્કૂલમાં ગાબડાં પાડીને કે એ સિવાય પણ સવારથી રાત સુધી ટ્યુશનક્લાસ ચલાવે (અને શિક્ષણ વિભાગના અધિકારીઓનું અસ્તિત્ત્વ ગણકારે જ નહીં) એવું ક્યાં સુધી ચાલે? એટલે એક તબક્કો એવો આવ્યો, જ્યારે ગુજરાતમાં મુખ્ય બે ઠેકાણે રેડ પડ્યાના સમાચાર આવતા હતાઃ દારૂના અડ્ડા પર અને ખાનગી ટ્યુશન પર. બંને ઠેકાણે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડવાનો મહિમા હતો. ટ્યુશનમાં 'મુદ્દામાલ' એટલે ભણતી અવસ્થામાં મળી આવતા વિદ્યાર્થીઓ. આ ઝુંબેશની સામે ફક્ત બુટલેગરોએ જ નહીં, શિક્ષકોએ પણ મૌલિક રસ્તા કાઢ્યા. ખાનગી ટ્યુશન કરનારા શિક્ષકો વિદ્યાર્થીઓને સૂચના આપતા કે બધા લોકો એક સાથે ચપ્પલ કાઢીને ન આવતા. કોઈ બારણે આવે તો તેને એવું જ લાગવું જોઈએ કે અંદર બધું નોર્મલ છે. ટ્યુશનો સામે બિનસત્તાવાર યુદ્ધની ઘોષણા થઈ હોવાથી વિદ્યાર્થીઓને પણ સાવધાન રાખવા પડતા. ટ્યુશનોમાં સરહદી ગામ જેવું વાતાવરણ સર્જાતું--ગમે ત્યારે છાપો વાગશે. સંતાવા તૈયાર રહેજો.

પરંતુ શિક્ષણમાં થયેલા 'વિકાસ' પછી પરિસ્થિતિનું શીર્ષાસન થયું છે. હવે ટ્યુશનમાં કે કોચિંગ ક્લાસમાં ન જનારાને 'લોગ ક્યા કહેંગે’ની બીક લાગે છે. ઉપલાં ધોરણમાં તો સ્કૂલ મિથ્યા અને કોચિંગ ક્લાસ સત્ય છે. બારમા ધોરણમાં બરાબર મહેનત કરવાનો મતલબ છેઃ સ્કૂલમાં ઓછામાં ઓછું જવું. કોચિંગ ક્લાસની બહાર તેનો યુનિફોર્મ પહેરેલા વિદ્યાર્થીઓનાં ટોળાં જામે ને અંદરના વર્ગમાં સ્કૂલ કરતાં વધારે સંખ્યા હોય, તે સામાન્ય દૃશ્ય છે. ભવિષ્યમાં સ્કૂલોને ચલાવવા અને પ્રસ્તુત રાખવા માટે તેમના નામમાંથી 'હાઇસ્કૂલ' કાઢીને 'કોચિંગ ક્લાસ' શબ્દ નાખવો પડે તો કહેવાય નહીં.