ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): 'ભજિયાં' એ શબ્દ મૂળ ભજ્ ધાતુ પરથી બન્યો છે અને ભજવું, ભજન, ભજિયાં--આ બધા એક જ કુળના શબ્દો છે.  આવું કોઈ ભાષાશાસ્ત્રીએ કહ્યું ન હોય તો તેના માટે શાસ્ત્રીઓના અજ્ઞાન કરતાં વધારે તેમની અરસિકતા જવાબદાર હોઈ શકે છે.  પંડિતો જનસંસ્કૃતિના જરાસરખા પણ પરિચયમાં હોય તો તેમને ખ્યાલ આવે કે વ્યાપક જનસમુદાય ભજિયાંને તનમનધનથી ભજે છે. પ્રેમલક્ષણા ભક્તિની જેમ સ્વાદલક્ષણા ભક્તિ ન હોઈ શકે? તેને પ્રમાણવી પડે.

જૂના વખતમાં ભક્તોને જીવ કરતાં પણ ભજન વહાલાં હતાં.  કળિયુગમાં મોટા ભાગના લોકોને આરોગ્ય કરતાં ભજિયાં વધારે વહાલાં હોય છે. ડોક્ટરે ના પાડી હોય, ડાયેટિશ્યને રેડ એલર્ટ જાહેર કરી હોય, કુટુંબીજનો ચેતવણીની સાયરનો વગાડતાં હોય, ખુદ વ્યક્તિ પોતે જાણતી હોય કે ભજિયાંનો સંગ કરવામાં ખરાબ તેલ-સડેલાં ડુંગળીબટાટા-ગંદુ પાણી જેવાં સીધાં અને અપચાથી લઈને હાર્ટની બિમારી સુધીનાં આડકતરાં જોખમ રહેલાં છે-- ટૂંકમાં, 'કાન્ત'ના કાવ્ય ‘વસંતવિજય’માં આવે છે એવી પરસ્થિતિ હોય, છતાં તેની સામે અડગ રહેવાને બદલે વ્યક્તિ મોહવશ બને, ત્યારે છેવટે જે થવાનું હોય તે જ થાય છે. આંખ સામે ગરમાગરમ ભજિયાં ઉતરતાં હોય ત્યારે પોતાની તબિયતની અને ડોક્ટરની સૂચનાઓની ધરાર અવગણના કરીને, ભજિયાંસક્ત બનેલો માણસ પણ એકાદ ખંડકાવ્યનો વિષય નથી? સાહિત્યમાં જનસ્વાદચેતના આણવા માટે જરૂર 'કાન્ત’ના કોઈ ભજિયાંપ્રેમી સમધર્મીની છે.

ઇષ્ટ દેવીદેવતાઓ અને અનિષ્ટ નેતાઓ બારે મહિના હોવા છતાં તેમના વિશેષ મહત્ત્વની સીઝન હોય છે. (જેમ મહાદેવનો શ્રાવણ) તેમ ભજિયાંની મોસમ છે ચોમાસું. એક ગીતમાં કવિએ પતઝડ, સાવન, બસંતબહાર એમ ચાર મોસમ ગણાવીને પાંચમી પ્રેમની મોસમ ગણાવી છે. પરંતુ કવિતાને બદલે વાસ્તવિકતાને ધ્યાનમાં રાખતાં ખ્યાલ આવશે કે એ પાંચમી મોસમ ભજિયાંની હોવી જોઈએ. ઉપરવાળાની જેમ ભજિયાં પણ અનેક આકારપ્રકારમાં ઉપલબ્ધ હોય છે. ગ્લોબલાઇઝેશન પછી એવું થયું કે પીવાનું પાણી ન હોય એવાં ગામમાં પણ કોક-પેપ્સી મળતાં હોય. ત્યાર પહેલાંના સમયમાં જ્યાં કશું ખાવાપીવાનું ન મળે એવા ગામના પાદરે કે એસટી બસ સ્ટેન્ડે (તાવડામાં) ધુણી ધખાવીને ભજિયાં ઉતારતો જોવા મળી જતો હતો.  કંઈકના ભવની ભાવઠ જેમણે ભાંગી હોય, ભૂખના દુઃખથી ત્રસ્ત કંઈક દુઃખીયાનાં દુઃખ જેમણે હર્યાં હોય, તે ભજિયાંની આવી લીલાને ઇશ્વરલીલા સાથે નહીં તો બીજા શાની સાથે સરખાવી શકાય? અલબત્ત, ભજનમાં ન માનતા નાસ્તિકો પણ ભજિયામાં માને છે-ભજિયાં માણે છે. મતલબ કે ભજિયાંનો પ્રતાપ ધર્મથી પણ વધીને છે.

વિવિધ ધર્મો-સંપ્રદાયો-ફિરકા અને તેમના અનુયાયીઓ વચ્ચેની છૂપી કે પ્રગટ હુંસાતુંસી ભજિયાંના મામલે પણ લાગુ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં કંદપુરી તરીકે ઓળખાતાં રતાળુનાં ભજિયાંના કટ્ટર પ્રેમીઓ માને છે કે એ ભજિયાં કંદપુરીની સામે એકેય ભજિયાંનો ક્લાસ નહીં. ભવિષ્યમાં ભારતને દક્ષિણ ગુજરાતમાંથી કોઈ વડાપ્રધાન મળે તો તે કંદપુરીને એકમેવ રાષ્ટ્રિય ભજિયાં જાહેર કરીને, બીજાં ભજિયાં ખાનારની દેશભક્તિ સામે શંકા વ્યક્ત કરી શકે.  પણ આપણા દેશમાં હજુ, કમ સે કમ ભજિયાં પૂરતી તો, તંદુરસ્ત લોકશાહી ટકી જ છે. એટલે ભજિયાંના બીજા પ્રકારો અને તેમના પ્રેમી બેરોકટોક પોતપોતાનાં ઇષ્ટ ભજિયાંની આરાધના કરી શકે છે.

મશહૂર શાયર અમૃત ઘાયલે એ મતલબનું કહ્યું હતું કે હે મૂર્ખ મન, પીતાં આવડે તો કઈ ચીજ એવી છે જે શરાબ નથી? આ કાવ્યાત્મક બાની ભજિયાંના પ્રચંડ વૈવિધ્ય થકી સિદ્ધ થાય છે. તેમાં સાધારણ ફેરફાર કરીને કહી શકાય કે હે મૂર્ખ મન મારા, ઉતારતાં આવડે તો એવી કઈ ચીજ છે જેનાં ભજિયાં ન બની શકે? પ્રયોગશીલ જનો ખજૂર કે સફરજનથી માંડીને મીઠા લીમડાનાં (ડાળખા સહિત) ભજિયાં ઉતારે છે. ચીઝ-પનીરનાં ભજિયાં પણ હવે આપખુદશાહીની જેમ ધીમે ધીમે વ્યાપક સ્વીકૃતિ પામી રહ્યાં છે. સાહિત્યની જેમ ભજિયાંમાં પણ પ્રયોગશીલતા અને પ્રયોગખોરી વચ્ચેની ભેદરેખા ભૂંસાતી-સર્જાતી રહે છે. પ્રયોગખોરીની હવા ભજિયાંના સર્જનને લાગે, ત્યારે ચોકલેટનાં ભજિયાં ને આઇસક્રીમનાં ભજિયાં જેવી વાનગીઓ અસ્તિત્ત્વમાં આવે છે. પરંતુ બહોળું પાંડિત્ય ધરાવતા એક મિત્રે કહ્યું હતું કે 'રાત પડ્યે વાંચવા માટે તો રસિક નવલકથા જ જોઈએ.’ તેમ, પ્રયોગશીલ ભજિયાંવીર પોતાના પ્રયોગોને સફળ જાહેર કર્યા પછી કહી શકે છે કે છેલ્લો ઘાણ બટાટાની પતરીનો (કે કાંદાનો કે રતાળાનો) ઉતારી દેજો. એટલે સંતોષ થાય.

વરસાદમાં જેમ અકવિને કવિતા લખવાનું મન થાય છે, તેમ ભજિયાં-અરસિકને પણ ભજિયાં માટેની લાલસા થાય છે. એ સ્વયંસ્ફૂર્ત ન હોય ને ફેસબુક પર ફોટા જોઈને ફુંફાડા મારવા લાગી હોય તે બનવાજોગ છે. વરસાદમાં અમુક હજાર કિલો ભજિયાં વેચાયાં, એવી સ્થૂળ વાતો સમાચારવાળાઓ માટે છોડી દઈએ, તો પણ વરસાદમાં કેટલા સંયમીઓએ ભજિયાં જોઈને પોતાનો સંયમ તોડી નાખ્યો, વ્યક્તિના મનમાં કેવાં સૂક્ષ્મ સંચલન થયાં, તેમાં સર્જનાત્મક અભિવ્યક્તિની કેવી શક્યતાઓ રહેલી છે--આ બધું ગુજરાતીના વિદ્યાર્થીઓને કોણ અને ક્યારે ભણાવશે? કેટલાક ઠેકાણે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરોની પસંદગીની ગતિ અને ધારાધોરણ(નો અભાવ) જોતાં, ભવિષ્યમાં ભજિયાવાળાને કોઈ યુનિવર્સિટીના વીસી તરીકે નીમે તો આઘાત પામવો નહીં. (અત્યારે જ કોઈ વિદ્યમાન હોય તો તેમને અભિનંદન) અવનવા વિષયો અંગેની યુનિવર્સિટીઓ સ્થાપી દેવાની વર્તમાન વડાપ્રધાનની હોબી ધ્યાનમાં રાખતાં, ભવિષ્યમાં એકાદ 'ભજિયાં યુનિવર્સિટી' સ્થપાય તો કદાચ ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે ભજિયાંને થયેલો અન્યાય દૂર કરી શકે છે.

'ભજિયાં'ને ડાઉનમાર્કેટ ગણતા ઘણા લોકો 'પકોડા' હોંશથી ઝાપટે છે. એ જોઈને એક પક્ષના ગેરવહીવટથી ત્રસ્ત થઈને, એટલા જ કે તેનાથી વધુ ગેરવહીવટ ધરાવતા પક્ષને હોંશે હોંશે મત આપતા નાગરિકોની યાદ તાજી થાય છે.