ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): ચોમાસું એવી ઋતુ છે, જેમાં સામાન્ય માણસનાં કપડાં પલળી જાય છે અને 'વહીવટી તંત્ર'નાં કપડાં ઉતરી જાય છે. માછીમારી વિકસી ન હોય એવા પ્રદેશોમાં પણ આ ઋતુમાં 'તંત્ર'ના માથે માછલાં ધોવાય છે. મોટા ભાગના નાગરિકો 'તંત્ર એટલે સરકાર’-- એવું સ્વીકારવા માગતા નથી. ચઢતા-ઉતરતા પાણીનું પુરી નાટકીયતા સાથે રિપોર્ટિંગ કરતી ટીવી ચેનલ્સ તેમને એવું સમજાવવા પણ માગતી નથી. એટલે દર ચોમાસે, પુનરપિ રસ્તા, પુનરપિ ખાડા થવા છતાં 'ભજ સરકારમ્ મૂઢ મતે' ચાલુ રહે છે. મ્યુનિસિપાલિટીના મોન્સૂન પ્લાનને લોકો રાજકીય પક્ષોના ચૂંટણી ઢંઢેરા જેટલી જ ગંભીરતાથી લે છે. એટલે, લોકોની જેમ મ્યુનિસિપાલિટીએ અને નેતાઓએ પણ સુખેદુઃખે ચોમાસું કાઢી નાખવા સિવાય બીજું કંઈ કરવાનું રહેતું નથી. 

સામાન્ય રીતે ગુજરાતની મ્યુનિસિપાલિટીઓની ટુકડીઓ વિવિધ સમસ્યાઓના (કે તેના ઉકેલના) અભ્યાસ માટે વિદેશપ્રવાસે જતી હોય છે, પરંતુ ગુજરાતની એક ઇજનેરી સિદ્ધિ એવી છે કે જેની જાણ થયા પછી જાપાન-જર્મની-ઇઝરાઇલની ટુકડીઓ ગુજરાતના આંટા મારતી થઈ જશે. ગુજરાતના ઇજનેરો અને કોન્ટ્રાક્ટર્સ જેની પર પાણીનાં ખાબોચિયાં રચાઈ શકે એવા ફ્લાય ઓવર બનાવી શક્યા છે. રસ્તાથી કેટલી બધી ઊંચાઈએ અને બંને બાજુ સીધો ઢાળ ધરાવતા ફ્લાય ઓવર પર પાણી ભરાયેલું હોય, એ દૃશ્ય જોઈને કયો વિદેશી મુગ્ધ નહીં થાય? ખરેખર તો આવા ઇજનેરી કૌશલ્યનો ઉપયોગ વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે કરવો જોઈએ. પહેલાં અમદાવાદના ઝુલતા મિનારા પ્રખ્યાત હતા, તો હવે ખાબોચિયાંસજ્જ ફ્લાય ઓવર.

એવી જ રીતે, અમદાવાદના સુપ્રસિદ્ધ રિવરફ્રન્ટના રસ્તા પર રોશની જોઈને ગૌરવાન્વિત થઈ જતા સજ્જનો એક અન્ય સિદ્ધિ વિશે કદાચ અજાણ છે. નદીની સમાંતરે ચાલતા એ રસ્તા પર, થોડા થોડા અંતરે પાણી જવા માટે જાળીઓ મૂકેલી છે. તેમની રચના એવી કરામતી છે કે પાણી ત્યાંથી નીકળી જવાને બદલે તેની આજુબાજુ ભરાઈ રહે અને જતાં-આવતાં વાહનોની ગતિથી બીજા લોકો પર ઉડ્યા કરે. બહુરત્ના વસુંધરા ગુજરાતમાં આવું બીજે ઘણે ઠેકાણે હશે જ. રોજિંદા જીવનમાં જોવા મળતાં આવાં કૌશલ્યોનો મહિમા આપણે નહીં કરી શકીએ, તો પછી આપણે વિશ્વગુરુ બની રહ્યા.

લાલુપ્રસાદ યાદવે એક જમાનામાં બિહારના રસ્તા હેમા માલિનીના ગાલ જેવા બનાવવાની વાત કરી હતી. ચૂપચાપ કામ કરવામાં માનતી ગુજરાત સરકારે કશી બડાશ માર્યા વિના ચોમાસામાં ગુજરાતના રસ્તાને ઓમ પુરીના ગાલ જેવા બનાવી દીધા છે. આડેધડ સરકારની ટીકા કરવાને બદલે જરા કદરદાનીથી વિચારનાર તરત સમજશે કે આજે ઓમ પુરી સુધી પહોંચ્યા, તો કાલે હેમા માલિની સુધી પહોંચાશે. ક્યાંક પહોંચ્યા તો ખરા.

પહોંચવાની વાત પરથી યાદ આવ્યું ઘણાં ગુજરાતીઓ બાળપણમાં 'રસ્તો શોધો'ની રમત રમ્યા હશેઃ સસલાને ગાજર સુધી પહોંચાડો, બકરીને ઘાસ સુધી પહોંચાડો... તેની પાછળ રહેલો ઊંડો બોધ હવે સમજાય છેઃ બાળપણથી રસ્તો શોધવાની તાલીમ હોય તો, મોટપણે ખાડાની વચ્ચેનો રસ્તો શોધવામાં વાંધો ન આવે. એટલું જ નહીં, 'હજુ હમણાં તો લાખોના ખર્ચે રોડની ઉપર એક થર ચડાવ્યો હતો, ને વરસાદમાં એ ધોવાઈ કેમ ગયો?  એ રૂપિયા ક્યાં ક્યાં વહેંચાયા હશે? આવા રસ્તા પર અકસ્માત થાય તેના માટે કોની જવાબદારી? કોની સામે કેસ કરી શકાય?'-- આવા પાપી વિચારો ન આવે અને ફરી મત આપવાનો થાય ત્યારે મનગમતા પક્ષ કે નેતાને જ વિના ખચકાટે મત આપી શકાય.

ઈશ્વરની લીલા વિશે વિચારતાં ભક્તકવિઓને થતું હતું બીજમાં વૃક્ષ છે કે વૃક્ષમાં બીજ? અત્યારના અં-ભક્તોને સવાલ થઈ શકે છેઃ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા? કેટલાક રસ્તા પર ખાડા જાણે સાયબર સેલના સભ્યોની જેમ ટોળાબંધ, ધડબડાટી બોલાવતા ઉતરી પડ્યા હોય એવું લાગે છે. કેટલાક ખાડા એકલદોકલ, અંધારી ગલીના નાકે છુપાઈને ઉભેલા ગુંડા જેવા જણાય છે. તેમનાથી હટીને ચલો તો વાંધો નહીં, પણ ધ્યાન ચૂક્યા તો મુશ્કેલી.

રસ્તાના કેટલાક હિસ્સા પર ખાડા એવા વૈવિધ્યપૂર્ણ આકારપ્રકારમાં ગોઠવાયેલા હોય છે કે તેનો ટૉપ વ્યૂં લેવામાં આવે તો તે કોઈ ચિત્ર જેવો લાગી શકે. મોડર્ન આર્ટના પ્રેમીઓને તે બતાવીએ તો તેમાંથી તે ફિલસૂફીભર્યા અર્થો પણ તારવી શકે.  કેટલાક ઠેકાણે ખાડા અને રોડ વચ્ચે એવું ઐક્ય રચાય છે કે કયો ખાડો છે ને કયો રસ્તો એ ખ્યાલ જ ન આવે. એવા ખાડા ને રસ્તા મહાભારતમાં મયદાનવે રચેલા માયાવી મહેલ જેવા હોય છે. જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય ને સ્થળ હોય ત્યાં જળ. પરંતુ મહાભારતના અને વર્તમાન સમયમાં મોટો તફાવત છે.  મહાભારતમાં આ મુદ્દે દ્રૌપદીએ દુર્યોધનને મારેલા મહેણામાંથી વાત ભીષણ યુદ્ધ સુધી પહોંચી હતી. હવે તો અહિંસક દેખાવને વિરોધ પ્રદર્શન પણ થતાં નથી. કાશ્મીરમુદ્દે ફટાકડા ફોડવાને સડક પર ત્રિરંગા લહેરાવવા માટે જેટલા લોકો બહાર આવ્યા, એટલા લોકો પણ રસ્તા પરના ખાડાના મુદ્દે બહાર આવતા નથી. રખે કોઈ પૂછી બેસે કે 'અગાઉના રાજમાં રસ્તા પર ખાડા પડતા હતા, ત્યારે તમે લોકો ક્યાં હતા?’  હવે તો રસ્તા પરના ખાડા પણ ડાબેરી ને જમણેરી, દેશદ્રોહી ને દેશભક્ત તરીકેનું વિભાજન પ્રેરી શકે છે.

જાહેર જીવનમાં અને સહઅસ્તિત્ત્વના સામાજિક પોતમાં પડેલો આ ખાડો સૌથી મોટો ને સૌથી ચિંતાજનક નથી લાગતો?