ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): જેમ ‘જૂઠું બોલાય?’ એ સવાલ રાજનેતાઓ માટે નકામો છે, એવી જ રીતે 'બપોરે ઉંઘાય?' એ સવાલ (મોટા ભાગના) અધ્યાપકોને લાગુ પડતો નથી. વર્તમાનકાળમાં મોટા ભાગના અધ્યાપકોને સાંકળતી કડી વિદ્વત્તા કે વિદ્યાપ્રીતિ નહીં, બપોરની ઉંઘ છે. 'મૈં મેરી ઝાંસી નહીં દૂંગી' એવું લક્ષ્મીબાઈએ જે અંદાજમાં કહેલું મનાય છે, કંઈક એવા જ અંદાજમાં ઘણા અધ્યાપકો બપોરની ઉંઘ ન તજવાનો રણટંકાર કરી શકે છે. પ્રચલિત રમુજ પ્રમાણે, 'બપોરના ઉજાગરા' ઘણા અધ્યાપકોને વસમા લાગે છે. અલબત્ત, જૂઠું ફક્ત રાજનેતાઓ જ નથી બોલતા, તેમ બપોરની ઉંઘનો લાભ ફક્ત અધ્યાપકો જ નથી લેતા. અધ્યાપકોની ઉંઘ તેમને મળતા તોતિંગ પગારને કારણે વિશેષ ધ્યાન ખેંચે છે (અધ્યાપકીય શૈલીમાં, 'ધ્યાનાર્હ બની રહે છે') બાકી, બપોરની ઉંઘ બીજા અનેકોને પ્રિય હોય છે.

બપોરની ઉંઘના સમર્થકો માને છે કે તે વામકુક્ષિની ઉજ્જવળ ભારતીય પરંપરા આગળ વધારી રહ્યા છે. વર્તમાન સમયમાં 'વામ' એટલે કે 'ડાબા' સામે કોઈ નવ-રાષ્ટ્રવાદીને વાંધો હોઈ શકે અને 'ભારતીય પરંપરામાં કશું વામ ન હોઈ શકે', એવો દાવો પણ તે કરી શકે. ગાંધીજી જેવા ગાંધીજીની દેશસેવાને પડકારી ને નકારી શકાતી હોય તો વામકુક્ષિનો મહીમા શી ચીજ છે? છતાં, જ્યાં સુધી વામકુક્ષિ લીબરલ મૂલ્ય તરીકે સ્થાપિત થઈ નથી, ત્યાં સુધી તેને નવ-રાષ્ટ્રવાદીઓ તરફથી અને તે 'સંસ્કૃતિનો ગૌરવપૂર્ણ વારસો' ગણાઈ નથી ત્યાં સુધી તેને લીબરલો તરફથી ટીકાનું કશું જોખમ નથી.  ભારતીય સંસ્કૃતિનો ખરેખર, એટલે કે વોટ્સએપ સિવાયનો, અભ્યાસ કરનારા લોકો કહી શકે છે કે આપણી પરંપરામાં વામમાર્ગ બહુ માનપૂર્વક જોવાતો નથી. એટલે વામકુક્ષિ તજવા જેવી છે. અચેતન માનસમાં કદાચ આવી ધારણા પડી હશે, એટલે બપોરે ઉંઘી જવાની ક્રિયાને ઘણા લોકો અઘોરીકર્મ ગણે છે અને 'શું આમ અઘોરીની જેમ પડ્યો છે' એવો ઠપકો બપોરે ઉંઘનારને આપે છે.

બપોરે સુઈ જવાની ટેવ ધરાવતા લોકોની સ્થિતિ બપોરે જોવા જેવી હોય છે. જમ્યા પછી બપોરનો પહોર ઉતરે તેમ તેમનાં પોપચાં ઢીલા પડી ગયેલા શટરની જેમ વારેવારે નીચે પડી જાય છે. તેમને પ્રયત્નપૂર્વક, મનથી પકડીને ઊંચાં કરવામાં આવે તો પણ ઘડીક થઈ નથી ને પાછાં નીચે. પરંતુ જાહેર સ્થળે કે બધાંની વચ્ચે ઉંઘેચ્છા જાહેર કરવાની બધાની હિંમત ચાલતી નથી. વિદેશી આક્રમણખોરોનાં ધસી આવતાં સૈન્યોની માફક ઉંઘના લાવલશ્કરને ખાળવાનો પ્રયાસ તે કરે છે. પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આ બાબતમાં આપણા રાજા-બાદશાહોનો ટ્રેકરેકોર્ડ બહુ સારો નથી અને ઇતિહાસને પુનરાવર્તનની ટેવ હોય છે. એટલે બપોરની ઉંઘના હુમલા ખાળવાની લાખ કોશિશ છતાં છેવટે ગઢમાં ગાબડું પડે છે અને ઉંઘનું વિજયી લશ્કર પોપચાંનાં કમાડ બંધ કરીને, મગજના કિલ્લા પર પોતાનો કબજો જમાવી દે છે. આટલા મોટા અને જૂના ઇતિહાસપ્રવાહો સામે વર્તમાનના પામર માનવીનું શું ગજું?

બપોરે ઉંઘવાની ટેવ ધરાવતા કેટલાક લોકો 'પ્યાર કિયા તો ડરના ક્યા' પ્રકારના હોય છે. બપોર નજીક આવે એટલે સાવ બીજી વાત ચાલતી હોય તેમાંથી ફંટાઈને તે જાહેર કરે છે, 'મારે જમ્યા પછી થોડી વાર ઉંઘવા જોઈશે.' આવા લોકોને લોકલાજનો ડર બતાવીને વામકુક્ષિના વામમાર્ગેથી પાછા વાળી શકાતા નથી. કેમ કે, તેમની જાહેરાતમાં ફુટપાથિયા જ્યોતીષનું આશ્વાસન કે વચનફોક રાજકારણીનો તકવાદ નહીં, 'ડગલું ભર્યું કે ન હટવું'નો રણકો અને રણકાર હોય છે. તેમને સાંભળીને બધાને સમજાઈ જાય છે કે આમને વામ(કુક્ષિ) પંથે આગળ વધતાં કોઈ અટકાવી શકે તેમ નથી.

પરંતુ બધાનો નિર્ધાર આટલો મજબૂત નથી હોતો. કેટલાક પોતે બપોરે ઉંઘતા હોવા છતાં, એ ક્રિયા વિશે ક્ષોભસંકોચ અનુભવતા હોય છે અને એ મુદ્દે કાયમ બચાવની ભૂમિકામાં રજૂ થાય છે. 'ના હોં, આપણને બપોરે સુવા જોઈએ જ એવું કંઈ નહીં. આપણને તો બધું ચાલે.' પરંતુ આવું બોલતી વખતે તેમની આંખો ઘરમાં બપોરની ઉંઘ ખેંચી કાઢવાની જગ્યા ક્યાં થાય એમ છે, તે શોધતી હોઈ શકે છે. ઘરનાં લોકો કે યજમાન બપોર પડ્યે તેમને કહે કે, 'જાવ, તમારો ટાઇમ થઈ ગયો.' ત્યારે તે ગૌરવયુક્ત ચહેરે વામકુક્ષિપંથ પ્રશસ્ત કરવાને બદલે સહેજ ઓઝપાઈ જાય છે, 'ના..ના..આપણે એવું કંઈ નહીં. બેઠો છું ને હજુ તો...એવું કંઈ ફરજિયાત નથી...કશી ઉતાવળ નથી...તમે પણ કમાલ કરો છો, હેં હેં હેં...' આવા લોકો લાગ જોઈને ઉંઘવા સરકતા હોય અને કોઈ તેમને આંતરે ત્યારે પણ તે બચાવ કરવા મંડી પડે છે, 'કાલે રાતે મોડું થયું હતું ને આજે પણ બહુ કામ છે ને મારે બીપીનો પ્રોબ્લેમ એવો છે...ને પ્રાણાયામ કરવાના રહી ગયા...એટલે મને થયું કે ઉંઘાય તો શું, પણ શરીરને સહેજ આરામ આપીએ...'

બપોરે ઉંઘવાની ટેવ ન હોય એવા લોકોમાંથી કેટલાક પોતાને કેવળ આ કારણથી બીજા કરતાં ચડિયાતા, કાર્યદક્ષ અને કર્મઠ માને છે. બપોરે ઉંઘનારા માટે તેમના મનમાં 'નવરા', 'આળસુ', 'એદી', 'ઉંઘણશી' જેવાં વિશેષણો સંઘરાયેલાં હોય છે. તેમને સમજાતું નથી કે સૃષ્ટિની સેવા જેમ જાગીને, તેમ ઉંઘીને પણ થઈ જ શકે છે. આપણી આસપાસના ઘણા લોકો કંઈ ન કરે, તો જગતનું કલ્યાણ થાય એવું ઘણી વાર નથી લાગતું?