ઉર્વીશ કોઠારી.મેરાન્યૂઝ (બોલ્યું-ચાલ્યું માફ): શિયાળો જવામાં હોય ને ઉનાળો આવવામાં હોય ત્યારે ભલભલાને મુંઝવતો મુદ્દો છેઃ રાત્રે સુતી વખતે પંખો કરવો કે નહીં. આપણા ધ્રુવીકરણપ્રધાન વડાપ્રધાનની જેમ થોડી રાતો માટે પંખો પણ ઘરમાં ધ્રુવીકરણ પ્રેરનારો મુદ્દો બને છે.

એકલો કે એકહથ્થુ સત્તા ચલાવતો માણસ ધડામ દઈને પંખાની સ્વીચ ચાલુ કરી શકે છે ને ધડાક દઈને સ્વીચ બંધ પણ કરી શકે છે. આપણા ગૃહપ્રધાનની જેમ આવા ગૃહસ્થો પણ એવું માને છે કે તેમને કોઈ કહેનાર નથી ને કોઈ કહે તો પણ તે કોઈનું સાંભળનાર નથી. થોડીઘણી લોકશાહીમાં માનતો માણસ ચાહે તે ગૃહપ્રધાન હોય કે ગૃહસ્થ, તે આવું કરતો નથી.  તે સુમેળથી ઉકેલ આણવાનો પ્રયાસ કરે છે.

વાત પતિ-પત્નીની હોય ત્યારે સંબંધોનાં સમીકરણો અને રાજકારણ બધું બદલાઈ શકે છે. મુખ્ય આધાર બંને વચ્ચે કેવા સંબંધ છે તેની પર છે. પ્રેમલગ્નનું પહેલું વર્ષ હોય તો ગરમીથી કંટાળવા છતાં પતિ પત્નીને કહી શકે છે,'તારા માટે થોડી ગરમી વેઠી લઈશ, બસ? રાજી?’  પછીથી પ્રેમ થવાની સંભાવના ધરાવતાં ગોઠવાયેલાં લગ્ન હોય તો ક્યારેક શરૂઆતમાં છૂપી ખેંચતાણ ચાલતી હોય છેઃ ઘરમાં કોનું ચાલવું જોઈએ? ઠંડી ભલે ન લાગતી હોય, પણ સામેવાળાએ પંખો કરવાનું કહ્યું, એટલે 'એવી મનમાની થોડી ચલાવી લેવાય? હવે પંખો તો નહીં જ થાય. સવાલ પંખાનો નહીં, સિદ્ધાંતનો છે.’ હા, સંસારજીવનમાં ખરેખરા સિદ્ધાંતના હોય તેના સિવાયના બધા સવાલો જ સિદ્ધાંતના લાગતા હોય છે. 

ધારો કે, તેનાથી ઉલટું પણ બને. થોડી ગરમી લાગતી હોય અને સામેવાળો પંખો ચાલુ કરવાનું કહે, તો પણ 'એમ સંમત થઈ જવાથી એવું લાગે કે આને તો પોતાનું કોઈ સ્ટેન્ડ જ નથી.  આપણે જાણે 'હા'માં 'હા'મિલાવતાં હોઈએ એવી છાપ પડે.’  આમ, જોઈ શકાય છે કે પંખો ચાલુ કરવાની કે નહીં કરવાની પડખે પાવર સ્ટ્રગલ ચાલતી હોય છે અને તેની અસર ભવિષ્યનાં સંબંધ-સમીકરણો પર પડી શકે છે. 

પતિ-પત્ની બંનેમાંથી કોઈ આક્રમક ન હોય, એવું ઓછું બને છે. તેના પ્રમાણમાં બંને આક્રમક હોય એવી સંભાવનાઓ ઘણી વધુ રહે છે. એવા વખતે પંખો વિશ્વયુદ્ધ કક્ષાના ગૃહયુદ્ધનું કારણ બની શકે છે. બંને પક્ષોને હવા ખાવા-ન ખાવા કરતાં પોતાનું મેદાન ન છોડવાની ચિંતા વધારે હોય છે. ‘ડોશી મરી જાય તેનો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જાય એ ખોટું’-- એવા વિચારથી દોરવાઈને રાત પડ્યે ઘરમાં યુદ્ધનાં વાદળ ઘેરાવા લાગે છે. જમીને બેઠા પછી ટીવી જોતી વખતથી પ્રશ્નપંખો ચકરાવા લેવા માંડે છે. તેમાં વાતચીતની શરૂઆત એકદમ બ્રિટિશ અંદાજમાં હવામાનના સમાચારથી થઈ શકે છે. 

‘આ વખતે તો બહુ ઠંડી પડી, નહીં?’

સામું પાત્ર ચબરાક હોય તો તે કેબિનેટના બ્રીફિંગ તરીકે ચાલી શકે તેવું અનેકઅર્થી અને બંધાઈ ન જવાય એવા પ્રકારનું નિવેદન કરતાં કહે છે, ‘હા, જુઓ ને, ક્યારે કેટલી ઠંડી પડશે ને ક્યારે કેટલી ગરમી, કંઈ નક્કી જ નથી. સિઝનનું કોઈ ઠેકાણું જ નથી રહ્યું.’

વાતનો વિસ્તાર વધતો જોઈને, હવામાન-પ્રેમી ફરી કહે છે, ‘ખરી વાત છે. એટલું સારું છે કે હવે ઠંડી ઓછી થઈ છે ને સહેજસાજ ગરમાવો શરૂ થયો છે.’

સંઘર્ષ વિના પંખાની સ્વિચ પાડતાં પહેલાંનો આ છેલ્લો તબક્કો છે. અહીં જો એવો જવાબ મળે કે 'હા, મને પણ લાગ્યું’ અથવા કોઈ શાબ્દિક જવાબ મળવાને બદલે ફક્ત હકારનો હોંકારો પણ મળે, તો વિના ખચકાટે પંખાની સ્વિચ પાડી શકાય છે.

પણ જિંદગી બધી વખત આટલી સરળ નથી હોતી. સામું પાત્ર ઝટ દઈને ગરમાવાનો સ્વીકાર ન પણ કરે. તેના બદલે એ કહે છે, ‘ઠંડી ને ગરમી આમ તો સાપેક્ષ હોય છે. છતાં ઠંડી ઓછી થઈ એમ કહેવાથી ગરમી શરૂ થઈ એમ ન પણ કહી શકાય.’

સાપેક્ષવાદનો શોધક આઇન્સ્ટાઇન પણ બે ઘડી તેનું ગુંચળાવાળું માથું ખંજવાળવા મંડી પડે એવું આ નિવેદન છે. બોલનાર તેનો ઈચ્છે તેવો અર્થ ઘટાવી શકે. પરંતુ સાંભળનાર પાસે એ સુવિધા નથી હોતી. તેને આગળની ચાલ ચાલવી પડે છે,

‘ખરી વાત છે. હવે તો શિવરાત્રી ગઈ એટલે ઠંડી શિવ શિવ કરતી કૂવામાં પડી ને ગરમી આવી ગઈ.’

પરંતુ શબ્દાર્થમાં માથે તોળાતા પંખાના ચાલુ થવાની કલ્પનાથી અસુખ અનુભવનાર પાત્ર કહી શકે છે, ‘ગ્લોબલ વોર્મિંગના જમાનામાં ઠંડી શિવ શિવ કહીને કૂવામાં ન પડે.’

ગ્લોબલ વોર્મિંગનો ઉલ્લેખ સાંભળીને પંખોત્સુક પાત્રને આશા બંધાય છે, પણ તે અલ્પજીવી નીવડે છે. કેમ કે, તરત જ બીજું વાક્ય આવે છે. ‘ગ્લોબલ વોર્મિંગમાં ઠંડી પણ વધારે પડવા લાગી છે, નહીં?’

કૂટનીતિ નિષ્ફળ ગયા પછી પત્તાં ખુલ્લાં કરવાનો વખત આવે છે. પંખાપ્રેમી પાત્ર શક્ય એટલા સમજાવટના સૂરમાં કહે છે, ‘જો, પંખાથી તને ઠંડી લાગે, તો તું ઓઢી લેજે. એટલે આપણા બંનેનું કામ થઈ ગયું. પંખો બંધ રાખવાથી તને સારું લાગે, પણ મને લાગતી ગરમીનું શું? તેનો કોઈ ઉકેલ નથી.’

આ સમાધાન સ્વીકાર્ય બને છે કે નહીં, તેની પર ફક્ત પંખાનો જ નહીં,  દાંપત્યજીવનનો પણ આધાર રહેલો છે.